મહેસાણા જિલ્લાની સમર્પણ કો.ઓ.ક્રેડિટ સોસાયટીની પાંચ મહિનાનો ગર્ભ ધરાવતી મહિલા મેનેજરની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં મહેસાણા સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો

Share with:


મહેસાણામાં ગર્ભવતી મહિલા મેનેજરની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં આરોપી પ્રદીપ ચૌધરીના જામીન ફગાવાયા

એપીપી તેમ જ તપાસ કરનાર અધિકારીનું સોગંદનામું તેમ જ પીએમ રિપોર્ટ ધ્યાને લેતાં બનાવ સમયે મરણ જનાર મહિલાને સાડા પાંચ મહિનાનો ગર્ભ હતો, કોઇપણ સ્ત્રી આવી પરિસ્થિતિમાં કયા સંજોગોમાં આત્મહત્યા કરેલ છે તે તપાસનો વિષય છે
– મહેસાણાના એડિ.સેશન્સ જજ માધુરી ધ્રવકુમાર પાન્ડેય

આ કેસમાં સંડોવાયેલા સહ આરોપીઓને હજુ પકડવાના બાકી છે અને હાલનો કેસ સાંયોગિક પુરાવા પર આધારિત હોઇ સહ આરોપીઓને સાથે રાખી કેસની તપાસ થવી ખૂબ જરૂરી છે. જેથી આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂરિયાત નકારી શકાય તેમ નથી

– કોર્ટ આરોપી પ્રદીપ ચૌધરી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની વિરૂધ્ધમાં છેતરપીંડી અંગેના અગાઉ પણ મહેસાણા, ગાંધીનગર અને ઇડર મુકામે ગુનાઓ નોંધાયેલા છે. આ સંજોગોમાં આરોપી પ્રદીપ ચૌધરીને આ ગંભીર ગુનાના કેસમાં જામીન આપી શકાય નહી., તેથી તેની જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે – મહેસાણા સેશન્સ કોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન

મહેસાણા, તા.29
મહેસાણા જિલ્લાની સમર્પણ કો.ઓ.ક્રેડિટ સોસાયટીની ગર્ભવતી મહિલા મેનેજરની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં એફ. એકસ બુલ લિ. કંપનીના આરોપી પ્રદીપ સાલુભાઇ ચૌધરીની જામીનઅરજી મહેસાણા સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ માધુરી ધ્રવકુમાર પાન્ડેયએ આકરા વલણ સાથે ફગાવી દીધી છે. કોર્ટે તેના ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું કે, અરજદાર પોતે એફ.એકસ.બુલ કંપનીમાં માર્કેટીંગ મેનેજર તરીકેની કામગીરી કરતાં હોવાનું જણાવે છે પરંતુ મૂળ ફરિયાદી તરફે રજૂ કરાયેલા સોગંદનામામાં આરોપીઓ દ્વારા કંપનીના પ્રમોશન માટે યોજવામાં આવતાં સેમીનારમાં મૂકવામાં આવતા બેનરમાં હાલના અરજદાર કંપનીના પ્રમોટર હોવા બાબતની પ્રિન્ટ રજૂ કરાઇ છે. આમ, પોલીસ પેપર્સ વંચાણે લેતાં અરજદાર આરોપી આ ગુનામાં સંડોવાયેલા હોવાનું પ્રથમદર્શનીય રીતે જણાઇ આવે છે. વળી, આ ગંભીર ગુનાની તપાસ હજુ ચાલુ છે. ઉપરાંત, એપીપી તેમ જ તપાસ કરનાર અધિકારીનું સોગંદનામું તેમ જ પીએમ રિપોર્ટ ધ્યાને લેતાં બનાવ સમયે મરણ જનાર મહિલાને સાડા પાંચ મહિનાનો ગર્ભ હતો, કોઇપણ સ્ત્રી આવી પરિસ્થિતિમાં કયા સંજોગોમાં આત્મહત્યા કરેલ છે તે તપાસનો વિષય છે. રેકર્ડ પરથી સ્પષ્ટ થાય છે કે, આ કેસમાં મોટી રકમની હકીકત જોડાયેલી છે અને તેથી તે બાબતે ઉઁડી તપાસ થવી જરૂરી છે. હાલના ગુનાની તપાસ પ્રાથમિક તબક્કે હોવાનું જણાય છે. વળી, આ કેસમાં સંડોવાયેલા સહ આરોપીઓને હજુ પકડવાના બાકી છે અને હાલનો કેસ સાંયોગિક પુરાવા પર આધારિત હોઇ સહ આરોપીઓને સાથે રાખી કેસની તપાસ થવી ખૂબ જરૂરી છે. જેથી આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂરિયાત નકારી શકાય તેમ નથી. વળી, જો હાલના તબક્કે આરોપીને જામીન આપવામાં આવે તો કેસના પુરાવા સાથે ચેડા કરી શકે, નાસી ભાગી શકે તેમ જ સાહેદોને ધમકાવી-ફોસલાવી શકે તેવી પણ પૂરી શકયતા જણાઇ આવે છે.
એડિશનલ સેશન્સ જજ માધુરી ધ્રવકુમાર પાન્ડેયએ પોતાના મહત્વના ચુકાદામાં અવલોકન કરતાં વધુમાં નોંધ્યું હતું કે, અરજદાર આરોપી પ્રદીપ ચૌધરી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની વિરૂધ્ધમાં છેતરપીંડી અંગેના અગાઉ પણ મહેસાણા, ગાંધીનગર અને ઇડર મુકામે ગુનાઓ નોંધાયેલા છે. હાલના અરજદાર આરોપી પ્રદીપ ચૌધરી અને અન્ય સહ આરોપીઓ આ કેસમાં મરણજનાર જયોત્સનાબહેન સાથે શુભલક્ષ્મી ક્રેડિટ સોસાયટીમાં નોકરી કરતાં હતા અને લાંબા સમયથી મરણ જનારને ઓળખતા હોવાનો આક્ષેપ છે. મરણ જનારે જુદી જુદી 70 નામવાળી વ્યકિતઓ પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા, જે હાલના અરજદારના કહેવાથી કંપનીમાં રોકાણ કરેલ, જે તેણીને પરત નહી આપી મરણ જનાર જયોત્સનાબહેનને મરવા માટે મજબૂર કર્યાનો આક્ષેપ છે. એટલું જ નહી, મરણ જનારે પૈસાની ઉઘરાણી કરતાં હાલના અરજદારે તારે થાય તે કરી લે, પૈસા નહી મળે એમ કહી મરણ જનાર જયોત્સનાબહેનને આત્મહત્યા માટે મજબૂર કરેલ છે તેવો પણ આક્ષેપ છે. આ સંજોગોમાં આરોપી પ્રદીપ ચૌધરીને આ ગંભીર ગુનાના કેસમાં જામીન આપી શકાય નહી., તેથી તેની જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે.
આરોપી પ્રદીપ સાલુભાઇ ચૌધરી(હાલ રહે.વિસનગર, જિ.મહેસાણા- મૂળ રહે.ગોકળગઢ, જિ.મહેસાણા)ની જામીન અરજીનો સખત વિરોધ કરતાં ફરિયાદપક્ષ તરફથી સિનિયર એડવોકેટ એસ.જી.શાહે જણાવ્યું હતું કે, અરજદાર આરોપી એફ.એક્સ.બુલ કંપનીમાં માર્કેટીંગ મેનેજર તરીકે ફરજ બજાવે છે. અરજદાર પોતે પણ આ કંપનીના માલિક છે. મરણ જનાર જયોત્સનાબહેને આપઘાત કરતાં પહેલાં વિનુભાઇને મોબાઇલ મેસેજ કરી પૈસાનું સેટીંગ થયું નથી અને હું બહુ દુઃખી છુ એમ કહી આત્મહત્યા કરી છે. આ કામના બે આરોપીઓ મરણજનારના સંબંધી હતા અને તેઓના ભરોસે પૈસા લીધા હતા. મરણ જનારે આરોપીઓ પાસે પૈસાની ઉઘરાણી કરતાં હાલના આરોપએ એફ.એક્સ.બુલ કંપની મહેસાણાના ચેરમેન દીક્ષીત મિસ્ત્રીની સહીવાળા રૂ.66,19,000 ના ચેકો આપ્યા છે. વધુમાં, મરણ જનાર જયોત્સનાબહેને જયારે પૈસાની માંગણી કરતાં આરોપીઓએ તેણીને થાય તે કરી લે પૈસા નહી મળે..આમ કહી તેણીને મરવા માટે મજબૂર કરેલ છે.
બહુ ગંભીર કહી શકાય એવી વાત એ છે કે, પ્રસ્તુત કેસમાં મરણ જનાર જયોત્સનાબહેને આત્મહત્યા કરી ત્યારે તેણીને મૃત્યુ સમયે સાડા પાંચ મહિનાનો ગર્ભ હતો. જેથી આરોપીના ગુનાની ગંભીરતા ઘણી વધી જાય છે. આ સિવાય સૌથી મહત્વનો પુરાવો તો એ છે કે, મરણ જનારે આત્મહત્યા પહેલાં પોતાના મોબાઇલમાં વીડિયો બનાવ્યો છે, જેમાં તેણીએ લોકોના ઉઘરાવેલા પૈસા એફ.એક્સ.બુલ કંપનીમાં આપ્યા છે અને તે ફસાઇ ગયાનું જણાવેલ છે. આ વીડિયો પણ એફએસએલની તપાસમાં મોકલાવાયો છે. આરોપી પ્રદીપ સાલુ ચૌધરી વિરૂધ્ધ ગંભીર પ્રકારના ગુનાનો પ્રથમદર્શનીય કેસ બનતો હોઇ કોર્ટે તેને કોઇપણ સંજોગોમાં જામીન આપવા જોઇએ નહી.

ફરિયાદપક્ષ તરફથી સિનિયર એડવોકેટ એસ.જી.શાહે મહત્વનું સોગંદનામું રજૂ કરી ભારપૂર્વક કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, આ કેસની તપાસ હજુ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે. આ કેસમાં હજુ આરોપી દીક્ષીત મિસ્ત્રી અને કિર્તી ચૌધરી નાસતા ફરે છે. જેમાં હાલના અરજદાર આરોપી પ્રદીપ ચૌધરી અને નાસતા ફરતા આરોપીને પકડી તેઓને સાથે રાખી કેસની તપાસ તેમ જ પૂછપરછ કરવી જરૂરી છે. આ માટે આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે અને તેથી હાલના તબક્કે કોઇપણ સંજોગોમાં આરોપીને જામીન આપી શકાય નહી. સરકારપક્ષ તરફથી એપીપી પી.કે.દવેએ પણ આરોપીની જામીન અરજી ફગાવી દેવા અંગેની ધારદાર દલીલો રજૂ કરાઇ હતી. આમ સરકારપક્ષ અને ફરિયાદપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી મહેસાણા સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ માધુરી ધ્રુવકુમાર પંડયાએ આરોપી પ્રદીપ ચૌધરીની જામીન અરજી આકરા વલણ સાથે ધરાર ફગાવી દીધી હતી અને તેને જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.

આરોપી કિર્તી પારસંગ ચૌધરીએ ધરપકડથી બચવા આગોતરા ફાઇલ કરી

મહેસાણા જિલ્લાની સમર્પણ કો.ઓ.ક્રેડિટ સોસાયટીની ગર્ભવતી મહિલા મેનેજરની આત્મહત્યાના ચકચારભર્યા અને અતિસંવેદનશીલ એવા આ કેસમાં એકસ બુલ લિ. કંપનીના અન્ય બે આરોપીઓ દિક્ષીત કાંતિલાલ સુથાર અને કિર્તીભાઇ પારસંગભાઇ ચૌધરી હજુ પોલીસ પકડથી દૂર છે, એટલે કે, એફઆઇઆર નોંધાયાને ત્રણ સપ્તાહ વીતવા આવ્યા પણ આ બંને આરોપીઓ હજુ નાસતા ફરતા અને ફરાર છે. જો કે, બેચરાજી પોલીસે આ બંને નાસતા ફરતા આરોપીઓ દિક્ષીત કાંતિલાલ સુથાર અને કિર્તીભાઇ પારસંગભાઇ ચૌધરીની ધરપકડ માટે તપાસના અસરકારક ચક્રો ગતિમાન કર્યા છે અને તેના ભાગરૂપે પાંચ જિલ્લાની પોલીસને લેખિતમાં જાણ કરી જો બંને આરોપીઓ વિશે જાણકારી કે કંઇ ઇનપુટ મળે તો તાત્કાલિક બેચરાજી પોલીસને જાણ કરવા તાકીદ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આરોપીઓ પોલીસ પકડમાં આવ્યા નથી. બીજીબાજુ, આરોપી કિર્તી પારસંગ ચૌધરીએ પોલીસ ધરપકડથી બચવા મહેસાણા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી ફાઇલ કરી છે, જેની સુનાવણી તા.1લી સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed