પોલીસ જાસૂસીકાંડ : 14 IPS લેવલના અધિકારીઓના 760 લોકેશન બૂટલગેરોને શેર કર્યા


- એક બૂટલેગર પાસેથી મહિને એક લાખનો હપ્તો લેતા
- 20 બૂટલેગર અને 10 કેમિકલ માફીયામાટે કામ કરતા
- રેડ પડવાની આગોતરી જાણ બૂટલેગરોને થઈ જતી
પોલીસની આબરૂને કલંકીત કરતા જાસૂસી કાંડમાં અગાઉ બે કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ હવે તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે આગામી વિસોમા મોટા ઘટસ્ફોટ થઈ શકે છે. બંને કોન્સ્ટેબલોએ સ્ટેટ મોનિટરિંગ સેલના ૧૪ ઊચ્ચ અધિકારીઓના ૭૬૦ લોકેશન બૂટલગેરોને શેર કર્યા હતા અને જેના કારણે રેડ પડવાની છે તેની આગોતરી જાણ બૂટલેગરોને થઈ જતી હતી અને જેના કારણે સ્ટેટ મોનિટરિંગ ટીમને ખાલી હાથે પરત કરવું પડતું હતું. આ કેસમાં બે બૂટલેગરો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસની આબરૂને ધૂળધાણી કરતા જાસૂસી કાંડમાં ભરૂચના બે કોન્સ્ટેબલ અશોક સોલંકી અને મયુર ખુમાણને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. બંનેની હવે ધરપકડ પણ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. બંને કોન્સ્ટેબલ છેલ્લા દોઢ બે વર્ષથી બૂટલેગરો માટે કામ કરતા હતા અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દરોડા પાડવા જાય એ પહેલાં બૂટલેગરોને જાણ થઈ જતી હતી અને પોલીસને કંઈ હાથ લાગતું નહોતું. બંને કોન્સ્ટેબલોએ ૩૬૦ લોકેશન શેર કર્યા હતા અને એક લોકેશન શેર કરવાના રૂપિયા ૨૦ હજાર મળતા હતા. ભરૂચ એસપી દ્વારા પણ જાસૂસી કાંડમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે અને કેસના મૂળ સુધી પહોંચવા માટે તપાસ કરવામાં આવી રહી છે. બંને કોન્સ્ટેબલોની કરતૂતના કારણે પોલીસની આબરૂ ધૂળધાણી થઇ હતી.