લોકસભા અને રાજ્ય સભામાં એક જ સરખા સવાલના જવાબમાં આંકડાઓમાં વિસંગતતા કેમ ?

- શું કોવીડ દરમ્યાન ઓછા બાળકોને લાભ મળે અને ભાજપને પ્રસિધ્ધી મળે તે માટે આંકડા છુપાવવામાં આવી રહ્યા છે?
- ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ લાભાર્થી અનાથ બાળકોના આંકડાઓમાં વિસંગતતા ?
- શું મહિલા બાલ વિકાસ મંત્રાલયના મંત્રી સ્મૃતિ ઈરાની જુઠુ બોલી રહ્યાં છે ?
- લોકસભાના એક જ સવાલના જવાબમાં અલગ અલગ આંકડા કેમ મળી રહ્યાં છે ?
- લોકસભા અને રાજ્ય સભાના આંકડાઓમાં વિસંગતતા કેમ ?
કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રશ્ન પૂછાયો છે કે લોકસભા, રાજ્યસભા અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દરેકમાં અલગ અલગ વિગતો આપતી સરકારના આંકડાઓમાં વિસંગતતા કેમ? લોકસભામાં એક સાંસદના જવાબમાં દેશના મહિલા અને બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાના જ જવાબમાં અલગ આંકડા પ્રસ્તુત કર્યા છે તે આંકડાની ગોલમાલનો પર્દાફાશ કરે છે. કોરોના કાળમાં પોતાની સરકારની વાહવાહી લૂંટવામાં મસ્ત ભાજપાના નેતાઓ, સાચા આંકડાથી કેમ શરમાય છે? કોરોનામાં પીએમ કેરમાં કોને ફંડ આપ્યાં એ ભલેના દર્શાવો પણ સરકારી સ્કીમ દ્વારા લાભાર્થીઓ આંકડા કેમ સંતાડવામાં આવી રહ્યા છે?
10મી માર્ચ 2023ના રોજ લોકસભાના સાંસદએ સવાલ પૂછ્યો કે સરકારની પીએમ કેર સ્કીમ હેઠળ કેટલા બાળકો જે કોરોનાના લીધે અનાથ થયા હોય, પોતાના માતા-પિતા બન્ને ગુમાવ્યા હોય તેમને આર્થિક મદદ કરવા માં આવી હતી ? સવાલ ના જવાબની શરૂઆતમાં સરકારનો આંકડો હતો કે દેશમાં 4345 બાળકોને આ યોજના હેઠળ ફાયદો મળ્યો છે પણ એજ જવાબમાં જ્યારે રાજ્યવાર આંકડો જે દર્શાવ્યો તેમાં દર્શાવ્યું કે 3962 બાળકોને આ યોજનાનો લાભ મળ્યો છે. જે દર્શાવે છે કે બન્ને આંકડામાં 383 બાળકોનો તફાવત છે. આ આંકડાની માયાજાળ હજી લોકસભામાં નથી અટકતો, રાજ્યસભાના સાંસદના સવાલના જવાબમાં પણ આંકડામાં વિસંગતતા જોવા મળે છે, રાજ્યસભામાં 3855નો આંકડો દર્શાવવામાં આવે છે તે પણ લોકસભા કરતા અલગ દેખાડવામાં આવે છે.
લોકસભાના જવાબમાં ગુજરાત રાજ્યમાં કોરોનામાં માતા પિતા ગુમાવનારા બાળકો જેમને પીએમ કેર બાળકો માટેની યોજનામાં 205 બાળકો દર્શાવ્યા છે જ્યારે રાજ્ય સભા તા 22મી ફેબ્રુઆરી 2022 એ 208 બાળકો દર્શાવ્યા છે પણ ચોંકાવનારી બાબત એ છે કેન્દ્રના મહિલા અને બાલ વિકાસ મંત્રાલય દ્વારા તા. 2જી માર્ચ 2022 ના અખબારી યાદીમાં અપાયેલ લોકસભા અને રાજ્યસભા કરતા પણ વિપરીત છે. મહિલા અને બાલ વિકાસ મંત્રાલય અખબારી યાદીમાં દર્શાવેલ આંકડો 1210 બાળકો નો છે. લોકસભા, રાજ્યસભા અને મહિલા અને બાલ વિકાસ મંત્રાલયના આંકડામાંથી કોના આંકડા સાચા માનવા એ સવાલ થાય છે? મહિલા અને બાલ વિકાસ મંત્રાલય અને દેશની બન્ને સર્વોચ્ય પંચાયતમાં 1000 થી વધુ બાળકોના આંકડાનો ફેર આવે છે. શું આ બાળકોને યોજનાના લાભથી વંચિત રાખવા આવી રહ્યા છે? શું 1000 થી વધુ બાળકોનું અનાથ થવાનું કારણ કોરોનાની મહામારી સિવાય કાંઈ અલગ છે ? તો સરકાર જાણકારી આપે. કેમ ગુજરાત અને દેશના બાળકો જોડે આ અન્યાય કરવામાં આવી રહ્યો છે? સ્મૃતિ ઈરાની અને તેમનું મંત્રાલય લોકસભા, રાજ્યસભા કે પોતાની પ્રેસકોન્ફરન્સમાં ક્યાં સાચુ બોલે છે ? જવાબ આપે. આંકડાઓની વિસંગતતા માટે જવાબદાર કોણ ? શું તેમના ઉપર પગલાં લેવાશે ? જે બાળકોને લાભ થી વંચિત રાખવામાં આવ્યાં છે તેમના માટે સરકાર કોઈ પગલા લેશે ?