અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચે રૂપિયા 22.29 લાખ કિંમતના 222.94 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિ ઝડપી પાડ્યો

સરખેજમાં રહેતા ફિરોઝખાન પઠાણને પકડવા માટે કવાયત
અમદાવાદ શહેરમાં ડ્રગ્સનું ચલણ બેફામ બન્યું છે. ડ્રગ્સ પેડલરો કોઈપણ જાતના ખૌફ વિના ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યાં છે. ગઈ કાલે ક્રાઈમ બ્રાંચની ટીમે વટવા ખાતેથી 22.29 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરની ધરપકડ કરી છે. છેલ્લા ત્રણેક મહિનાથી ડ્રગ્સનો જથ્થો લઈને આ પેડલર ફરતો હતો અને સરખેજના એક યુવકને આ જથ્થો આપ્યો હોવાની જાણકારી ક્રાઈમ બ્રાંચને મળી છે.
ક્રાઈમ બ્રાંચે વોચ ગોઠવી અને ઝડપાયો
ક્રાઈમ બ્રાંચના સુત્રોના જણાવ્યા પ્રમાણે હવે ડ્રગ્સનો જથ્થો મેળવનાર સરખેજના યુવકની ધરપરડ બાદ ડ્રગ્સની સિન્ડિકેટનો પર્દાફાશ થાય તેવી શક્યતાઓ છે. ક્રાઇમ બ્રાંચના પીએસઆઇને બાતમી મળી હતી કે, વટવા બીબી તળાવ પાસે મુન્ના શેખ નામનો વ્યક્તિ એમડી ડ્રગ્સનો જથ્થો લઇને પસાર થવાનો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે અલગ અલગ ટીમો બનાવીને ખાનગી વાહનોમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ યુવક ચાલતો ચાલતો ત્યાંથી પસાર થતો દેખાયો હતો. ત્યાં બાતમીદારે ઈશારો કરતા ક્રાઇમ બ્રાંચે શંકાસ્પદ યુવકને કોર્ડન કરીને તેની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. યુવકનુ નામ મહફુઝ ઉર્ફે મુન્ના હતુ અને તે વટવાનો રહેવાસી છે. ક્રાઇમ બ્રાંચે તેની અંગઝડતી કરતા તેની પાસેથી સફેદ માદક પદાર્થ મળી આવ્યો હતો.
ડ્રગ્સનો જથ્થો સરખેજના ફિરોઝખાન પાસેથી લાવ્યો
આ અંગે ક્રાઇમ બ્રાંચે તરત જ એફએસએલની ટીમને જાણ કરતાં એફએસએલની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને આ પદાર્થનું પરિક્ષણ કર્યુ હતું. આ પદાર્થ એમડી ડ્રગ્સ હોવાનો રીપોર્ટ આપતા ક્રાઇમ બ્રાંચે તરત જ મુન્નાની ધરપકડ કરી લીધી હતી. મુન્ના પાસેથી 222.94 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જેની કિંમત 22.29 લાખ રૂપિયા થાય છે. મુન્નાને ક્રાઇમ બ્રાંચની કચેરીમાં લાવવામાં આવ્યો હતો જ્યા તેની પૂછપરછ કરાતા તેણે કબુલાત કરી હતી કે એમડી ડ્રગ્સનો જથ્થો તે તેના મિત્ર ફિરોઝખાન અયુબખાન પઠાણ પાસેથી લાવ્યો હતો.
ફિરોઝખાન પઠાણની ધરપકડની કવાયત
ફિરોઝખાન પઠાણ સરખેજમાં રહે છે અને ગેરકાયદેસર કામમાં સંડોવાયેલો છે. ત્રણ મહિના પહેલા મહફુઝ એમડી ડ્રગ્સનો જથ્થો ફિરોઝખાન પઠાણ પાસેથી લાવ્યો હતો. ક્રાઇમ બ્રાંચે મહફુઝ અને ફિરોઝખાન પઠાણ વિરૂદ્ધ નાર્કોટીક્સનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફિરોઝની ધરપકડ બાદ ડ્રગ્સની સિન્ડીકેટનો પર્દાફાશ થશે ક્રાઇમ બ્રાંચની ટીમે ફિરોઝખાન પઠાણની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કર્યા છે.