અમદાવાદ એરપોર્ટ ચાંદી ભરેલી ટ્રક પહોંચે તે પહેલાં સાયલા પાસે લૂંટ! લૂંટારુઓ કરોડો રૂપિયાની ચાંદી લૂંટી થઈ ગયા ફરાર

રાજ્યમાં લૂટના બનાવો સતત બની રહ્યા છે. આ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠયા છે. ત્યારે રાજ્યમાં વધુ એક લૂંટનો બનાવ બનતા ચકચાર મચ્યો છે. અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર લૂંટનો બનાવ બનતા તંત્ર દોડતું થયું છે. સાયલા પાસે કિંમતી મુદામાલ ભરેલ વાહનની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો નાશી છૂટયા. લૂટની ઘટનાને લઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.
કેવી રીતે આંતરી ચાંદી ભરેલ ટ્રક
રાત્રિના 11:30 વાગ્યા આસપાસ રાજકોટથી ચાંદી અને ઈમિટેશન જ્વેલરી ભરી ન્યૂઝ એર સર્વિસ કંપનીનું બોલેરો પીકઅપ અમદાવાદ જઈ રહ્યું હતું. દરમિયાન હાઈવે પર સાયલા નજીક અચાનક ત્રણ વાહનમાં લૂંટારાઓએ બોલેરોને ઘેરી લીધી હતી. શંકાસ્પદ વાહનોએ પોતાને ઘેરી લેતા ડ્રાયવરે બચવા માટે પ્રયાસ કર્યો પરંતુ લૂંટારઓએ આસપાસથી કાર વડે દબાણ સર્જી વાહનને સાઈડમાં રાખવા ફરજ પાડી હતી. ચાંદી ભરેલું વાહન રોકાતાની સાથે જ લૂંટારાઓએ ન્યૂઝ એર સર્વિસના કાર્ગોને ઘેરી લઈ ડ્રાયવર અને ક્લિનરને પકડી લીધા હતા. બાદમાં બંનેને વાહનમાં બેસાડી લૂંટારાઓએ હાઈવે પર દૂર ઉતારી દઈ માલ લઈ નાસી છૂટ્યા હતા.
આ મામલાની જાણ થતા જ સુરેન્દ્રનગર સાયલા પોલીસ સ્ટેશનનો કાફલા સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે આ મામલે ડ્રાયવર અને ક્લિનરની પુછપરછ કરી આરોપીઓ સુધી પહોંચવા તપાસ શરૂ કરી હતી. હાલ પોલીસે સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ અને ડ્રાયવરે આરોપીઓના કરેલા વર્ણનને આધારે તપાસ હાથ ધરી છે.
મહત્વની વાત છે કે ચકચારી આ લૂંટની ઘટનાને પગલે પોલીસે આરોપી સુધી પહોંચવા રેન્જ કક્ષાનું ઓપરેશન શરૂ કર્યું છે. જેમાં પાડોશી 4 જિલ્લાની પોલીસને પણ સામેલ કરી વિવિધ 17 ટીમો બનાવી તપાસનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસ દ્વારા અગાઉ આ પ્રકારના કિસ્સાઓમાં સંકળાયેલા અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોની પણ માહિતી મેળવવાનું શરૂ કરી દીધું હોવાના અહેવાલ છે.
આંખે પાટા બાંધી ચલાવી લૂંટ
લૂંટની ઘટનાને લઈને નાસી છુટેલા શખ્શોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા. આંગડીયા પેઢીના માણસોને આખ પર પટ્ટી બાંધી અંદાજે 1400 કિલો ચાંદીની લુટ ચલાવી છે. હાલ પોલીસને ટ્રક અને ડ્રાઇવર મળી આવ્યા પરંતુ ટ્રકમાંથી મુદ્દામાલ સાથે લુટારૂઓ ફરાર થયા છે.
8 કરોડની કિંમતના ચાંદીની લૂંટ
રાજકોટથી આંગડિયા પેઢી મારફતે જતુ હતુ 1400 કિલો ચાંદી જેની કિંમત અંદાજે 8 કરોડ થાય છે તેની તસ્કરોને ગંધ આવી જતા લૂંટ મચાવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટથી અમદાવાદ ઍયરપોર્ટ પર આ ટ્રક જઈ રહ્યો હતો તેને અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર વચ્ચેથી આંતરીને તસ્કરોએ કર્મચારીઓને આંખે પાટા બાંધીને લૂંટ ચલાવી હતી. હાલ તો આ ઘટનામાં તસ્કરો ફરાર છે. ડ્રાઈવર અને કંડક્ટરની પોલીસ પૂછપરછ કરી રહી છે. આખો ટ્રક આંગડિયા પેઢીનો જ હોવાથી મોટી માત્રામાં લૂંટ ચલાવી હોવાનું પણ અનુમાન છે. ત્યારે આંગડિયા પેઢીને કરોડોનું નુકસાન થવાની શક્યતા છે.