તુમ ડાલ ડાલ, હમ પાત પાત! નરોડામાં SMC એ દારૂની હેરાફેરી માટે શાકભાજીની આડ ઝડપી પાડી

ફૂલાવર નીચે સંતાડેલી દારૂની 1152 બોટલ દારૂ ઝડપી
તુમ ડાલ ડાલ હમ પાત પાત જેવી હાલત SMC એટલે કે સ્ટેટ મોનીટરીંગ સેલ અને બુટલેગરો વચ્ચે જોવા મળી છે. અમદાવાદમાં SMC દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે અને થોકબંધ દારૂ ઝડપી પાડવામાં આવી રહ્યો છે. છતાં પણ બુટલેગરો કોઈ ને કોઈ નવો કીમિયો શોધી જ કાઢે છે અને અમદાવાદમાં દારૂની હેરાફેરી કરે છે.
ક્યારેક દવાની આડમાં તો ક્યારેક ઘઉંની બોરીમાં તો ક્યારેક છૂપાખાનામાં દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં જ આવે છે, ત્યારે અમદાવાદ શહેરમાં નરોડા પોલીસ સ્ટેશનની હદમાં આવતી દારૂની ગાડી વિજિલન્સે પકડી છે. પહેલા તો જો કોઈ આ ગાડી જુએ તો પોલીસ શાકભાજી કેમ પકડે છે તેવું વિચારે. પરંતુ ખરેખર આ શાકભાજીની નીચે તો દારૂનો ભંડાર હતો. ઉપરથી ફૂલાવરની ભરેલી ટેમ્પોમાં નીચે દારૂની પેટીઓ હતી.

સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા કે બુટલેગરો સાથે મિલીભગત
હવે આ સંદર્ભે વિજિલન્સે કેસ કરીને સ્થાનિક પોલીસના ગાલ પર તમાચો મારે છે. કારણ કે સામાન્ય રીતે આ વિસ્તારમાં દારૂના ગાડીઓ પસાર થતી હોય ત્યારે સ્થાનિક પોલીસ નિષ્ક્રિય હોય તે ચોંકાવનારી બાબત છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં લાખો રૂપિયાનો દારૂ રોજ પકડાય છે. દારૂની હેરાફેરી કરતા પોલીસથી બચવા અવનવી તરકીબો બૂટલેગર અજમાવે છે. ત્યારે નરોડા પોલીસ સૂતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) શાકભાજી ભરેલા ટેમ્પામાંથી 2.50 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. નરોડા પોલીસ સ્ટેશનની હદમાંથી આટલી મોટી માત્રામાં દારૂ ઝડપાયો છે. નરોડા પોલીસ સ્ટેશન અમદાવાદની બોર્ડર પર હોવાથી દારૂ ઝડપાયો છે, પરંતુ નરોડા પોલીસની રહેમ નજર હેઠળ દારૂની હેરાફેરી કે વેપાર થાય છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. જો આ અંગે સ્થાનિક પોલીસ અને પીઆઈને જાણ હશે તે જાણવા મળશે તો સ્થાનિક પીઆઈ સામે પણ ઉચ્ચ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે.

ટેમ્પો રોકીને ફૂલાવર નીચેથી દારૂ કાઢ્યો
નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે ભાટિયાની હદમાં આવેલા નાના ચિલોડાના સર્વિસ રોડ પરથી શાકભાજીના ટેમ્પામાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળતા ગાંધીનગર નજીક નાના ચિલોડા સર્વિસ રોડ પર ફૂલાવર ભરેલો ટેમ્પો રોક્યો હતો જેમાંથી ફુલાવર બહાર કાઢતા અંદરથી દારૂની પેટી મળી આવી હતી.
ટેમ્પો, 1160 રોકડ સહિત સાડા દસ લાખનો મુદ્દામાલ જપ્ત
સ્ટેટ મોનિટરિંગ સેલે જેમ જેમ ફુલાવર હટાવ્યા તેમ અંદરથી દારૂની પેટી મળતી રહી હતી. ટેમ્પામાં વચ્ચે દારૂની પેટી મૂકીને ચારે તરફ ફુલાવર મૂકવામાં આવ્યા હતા. જેથી પોલીસને જાણ ન થાય. જોકે સ્ટેટ મોનિટરિંગ સેલે રસ્તામાં જ દારૂ ઝડપી પાડ્યો હતો. કુલ 1152 બોટલ દારૂ, 1160 રૂપિયા રોકડા અને ટેમ્પો એમ કુલ 10,61,880 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઓઢવ રહેતા બાબુલાલ સહિત બેની ધરપકડ
દારૂની સાથે ઓઢવમાં રહેતા બાબુલાલ રામપ્રેમ યાદવની ધરપકડ કરાઈ છે. જ્યારે દારૂ મંગાવનાર બૂટલેટર સોનુ ફરાર છે. બે આરોપીઓને પકડીને નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે. આરોપીઓ ક્યાંથી દારૂ લાવ્યા હતા તથા કોને આપવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે. જોકે, આરોપીઓ લિસ્ટેડ બૂટલેગર નથી, પરંતુ કોની માટે કામ કરતા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.