અમદાવાદ પોલીસની પોલીસગીરી પર ઉભા થયા સવાલ! ડિસ્ટાફના પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ માટે આજીજી


પોલીસ કમિશ્નર સહિત ઉચ્ચકક્ષાએ કરવામાં આવી રજુઆત
– અરજીમાં જાતિવાચક શબ્દો બોલી રૂપિયાની માંગણીનો ગંભીર આક્ષેપ
– જવાબદાર પોલીસકર્મીઓ સામે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ કાર્યવાહીની માંગ
– અધિક પોલીસ કમિશ્નર કચેરીમાં ફરીયાદ કરવા છતાં તેમનો નનૈયો
અમદાવાદ:
પોલીસ વિભાગ અવારનવાર કોઈ ને કોઈ મુદ્દે ચર્ચામાં હોય છે ત્યારે અમરાઈવાડી પોલીસ ની જાતિ આધારિત માનસિકતાએ પોલીસની છબી ખરડાઈ તેવી સ્થિતિ સર્જાઈ છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અરજદારના મિત્રના સાળાને અમરાઈવાડી ડી સ્ટાફ પોલીસ ગત તા.ર૬-ર-ર૩ના રોજ પકડી ગઈ હોવાથી તેઓ પોલીસમથકે ગયા હતા,જાે કે પોલીસે તપાસમાં લાવ્યા હોવાનું કહેતાં તેઓ ત્યાંથી બહાર નીકળી ગયા હતા.પોલીસે આરોપીને થોડા સમય પછી છોડી મુક્યો હતો.જાે કે બીજા દિવસે તા.ર૭-ર-ર૩ના રોજ અચાનક કવિરાજ નામથી એક પોલીસકર્મીએ ફોન કરીને તેઓને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા.જ્યાં હાજર પોલીસકર્મીઓએ અજુગતા સવાલો કરીને તેઓની સાથે જાતિવાચક શબ્દોથી અપમાન કરવા ઉપરાંત નાણાંકીય માંગણી કરી હોવાના ગંભીર આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યા હતા.અરજદારે સેક્ટર-રના અધિક મદદનીશ કમિશનર, પોલીસ કમિશનર, ગૃહ મંત્રી તેમજ પોલીસ મહાનિર્દેશક સહિત ઉચ્ચકક્ષાએ અમરાઈવાડી પોલીસ મથકમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ જેમાં કવિરાજ, મહેન્દ્રસિંહ, અલ્પેશભાઈ, ભાવસિંહ અને સુરેન્દ્રસિંહ સામે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવાની માંગણી કરતાં ચકચાર મચી જવા પામી છે.જેમાં પોલીસમથકના સીસીટીવી ફુટેજ અને મોબાઈલ કોલ ડીટેઈલ્સની તપાસ કરવાનો પણ ઉલ્લેખ કરેલ છે.
અમરાઈવાડી પોલીસમથકના ડીસ્ટાફમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓએ અરજદાર અલ્કેશભાઈ પરમાર સાથે જાતિવાચક શબ્દોથી અપમાનિત કરીને નાણાંકીય માંગણી કરી હોવાના ગંભીર આક્ષેપોને પગલે પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમજ ન્યાય નહિ મળે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની પણ ચિમકી આપી હતી.જાે કે આ મામલે એસીપી કુણાલ દેસાઈએ જણાવ્યું હતું કે આ મામલાની તપાસ ચાલી રહી છે, તમામ તપાસ બાદ વધુ જાણકારી મળી શકશે.
ભૂતકાળમાં ડિસ્ટાફ પોલીસકર્મીઓ સપસ્પેન્ડ પણ કરાય હતા
ભૂતકાળમાં મણીનગર પોલીસ મથકના કેટલાક ડિસ્ટાફ પોલીસકર્મી સામે પણ એક વેપારીએ તોડ કાર્યનો ગંભીર આક્ષેપ સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓને અરજી કરી હતી. જેના પગલે જે તે સમયે યોગ્ય તપાસ કરતા જવાબદાર કર્મીઓ સામે સસ્પેનશન સુધીના પગલાં લેવાયા હતા. ત્યારે આ મામલે નક્કર તપાસ કરીને પગલાં લેવાશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે.
ન્યાય નહિ મળે તો હાઈકોર્ટમાં ફરીયાદ કરીશ: અરજદાર
અમરાઈવાડીના પાંચ પોલીસકર્મીઓ વિરૂધ્ધ એટ્રોસીટી સહિતની કલમો હેઠળ કાર્યવાહીની માંગણી કરતા અરજદાર અલ્કેશભાઈ પરમારે જણાવ્યું હતું કે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતાં જાે ન્યાયિક કાર્યવાહી કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં હાઈકોર્ટમાં ફરિયાદ કરવાની ચિમકી પણ તેઓએ આપી હતી.