ગુલ્લીબાજ ટ્રાફિક પોલીસકર્મીઓ સુધરી જજાે! હવે બેદરકારી અને ગેરહાજરી ચાલશે નહિ


– કેટલાયે ટ્રાફિક પોલીસકર્મીઓ અને ટીઆરબી જવાનો પોઈન્ટ છોડીને ભાગી જતા જાેવા મળ્યા છે
– ટ્રાફિક જેસીપીએ લાલ આંખ કરીને કડક કાર્યવાહીની ચિમકી આપી
– છેલ્લા બે વર્ષમાં ફરજ પર બેદરકારી તથા ગેરહાજર રહેનાર ૭૬૬ પોલીસ કર્મીને નોટીસ અપાઈ
– છેલ્લા બે વર્ષમાં ૯૫ ટીઆરબી જવાનોનો પગાર કાપી લેવાયો
અમદાવાદમાં ટ્રાફિક પોલીસકર્મીઓ ફરજ ફાળવી હોવા છતાં ગુલ્લીઓ મારી મફતનો પગાર લેતા હોવાના આંકડા સામે આવ્યા છે. આવા ગાવલી મારતા ટ્રાફિકના ટીઆરબી તથા પોલીસકર્મીઓના વિરૂદ્ધમાં અધિકારીઓએ લાલઆંખ કરી છે. જેમાં ૭૬૬ ગુલ્લીબાજ પોલીસકર્મીઓ નોટિસ પાઠવવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. સાથે જ ફરજ પર બેદરકારી દાખવતાં ૯૫ ટીઆરબી જવાનના પગાર પણ કાપવામાં આવ્યો છે. હવે અધિકારીઓએ લાલઆંખ કરતા આવા ગુલ્લીબાજ ટ્રાફિક પોલીસકર્મીઓ સામે ચોક્કસપણે પગલાં લેવાશે .
અમદાવાદ ટ્રાફિક પોલિસમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનો તથા પોલીસકર્મીઓ અવારનવાર વિવાદોમાં સપડાયેલા રહેતા હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે. તેમછતાં કેટલાક ગુલ્લીબાજ ટ્રાફિક પોલિસને જે તે પોઇન્ટ ફાળવ્યો હોવા છતાં પણ કેટલાક પોલીસ પોતાના પૉઇન્ટ પરથી ગુલ્લીમારી જતા હોવાના બનાવો પણ સામે આવ્યા હતા.તે મામલે ટ્રાફિક પોલીસ દ્વારા આવા ૭૬૬ જેટલા પોલીસકર્મીઓને છેલ્લા ૨ વર્ષમાં નોટિસ આપવામાં આવી છે. જ્યારે અન્ય કોઈ ગંભીર બાબતોમાં ૧૨ જેટલા પોલીસકર્મીને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે.
છેલ્લા ૨ વર્ષમાં ૯૫ જેટલા ટીઆરબી જવાનોના વિરૂદ્ધમાં પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ટ્રાફિકના જેસીપી એન.એન.ચૌધરીએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા શિસ્તનં પાલન નહિ કરાય તો તેમના સામે મુંબઈ પોલીસ અધિનિયમ (૧૯૫૬)એક્ટ હેઠળ નોટિસ સહિતના શિક્ષાત્મકના પગલાં લેવામાં આવશે.૨ વર્ષમાં ૫૮૬ પુરુષ પોલીસકર્મી તથા ૧૮૦ મહિલા પોલીસકર્મીઓને આ મામલે નોટિસ પણ પાઠવવામાં આવી છે.
કેટલા કર્મીઓને નોટિસઆપી ?
વર્ષ ૨૦૨૨
મહિલા-૧૨૦
પુરુષ-૨૯૫
વર્ષ ૨૦૨૩
મહિલા-૬૦
પુરુષ-૨૯૧
કેટલા કર્મીઓને ફરજ મોકૂફ કર્યા ?
વર્ષ ૨૦૨૨
મહિલા-૧ (ટ્રાફિક પશ્વિમ ડીસીપી)
પુરુષ-૧૧
વર્ષ ૨૦૨૩
હજુ સુધી એક પણ નહીં
કેટલા ટીઆરબી જવાનોના પગાર કપાયા શિક્ષાત્મક પગલાં?
વર્ષ ૨૦૨૨
પૂર્વ અમદાવાદ -૬૩
પશ્વિમ અમદાવાદ-૧૧
વર્ષ ૨૦૨૩
પૂર્વ અમદાવાદ-૨૦
પશ્વિમ અમદાવાદ-૧
ગુલ્લીબાજ ટ્રાફિક કર્મીઓની જાણકારી ઉપલા અધિકારીઓ સુધી પહોંચે છે
શહેરના ટ્રાફિક પોઈન્ટ ઉપર મુકવામાં આવેલા ટ્રાફિક પોલીસકર્મીઓ તેમજ ટીઆરબી જવાનોની બેદરકારી અને ગેરહાજરીની જાણકારી સ્થાનિક કક્ષાએથી લઈને ઉપલા અધિકારીઓ સુધી તમામ અધિકારીઓને પહોંચતી હોય છે. જેને પગલે નોટિસ બાદ બેજવાબદાર પોલીસકર્મીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
અગાઉ ૭૦૦ જેટલા ટીઆરબી જવાન ફરજ મુક્ત કરાયા હતા
ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી.જેમાં વાહનચાલકો પાસેથી ખોટી રીતે પૈસા પડાવવા ,ફરજ પર હાજર ન રહેવું, ટ્રાફિક નિયમોનું પાલન ન કરાવવું સહિતની ફરિયાદો ઉઠી હતી.જેને ઉચ્ચઅધિકારીઓએ ગંભીરતા દાખવી આવા ૭૦૦ જેટલા ટીઆરબી જવાનોને ફરજ મુક્ત કર્યા હતા.જાેકે તેના થોડા સમય બાદ નવા ટીઆરબી જ્વાનોની ભરતી પણ કરાઈ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ બનેલી આ ઘટનાથી ટ્રાફિક પોલીસકર્મીઓ અને ટીઆરબી જવાનોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. આ ઘટનાના અમુક સમય વીત્યા બાદ પણ કેટલાક પોલીસકર્મીઓ લાલીયાવાડી કરી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
ફરજ મુક્ત કરાયેલા ટીઆરબી જવાનોના આઈકાર્ડ પરત લીધા કે કેમ ?
ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોને એકસામટે છુટા કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જાે કે આ છુટા કરાયેલા ટીઆરબી જવાનો પાસેથી તેમના આઈકાર્ડ પરત લેવામાં આવ્યા છે કે કેમ ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે કેટલાક વિસ્તારોમાં હાંકી કઢાયેલા ટીઆરબી જવાનો રોડ ઉપર વાહનચાલકોને પજવતા હોવાની ફરિયાદો પણ ઉઠતી રહી છે.