ચાંગોદરમાં ચોર સમજી એક નેપાળી યુવાનને ભીડે ઢોર માર મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

સમગ્ર મામલે ૧૦ લોકોની ધરપકડ
અમદાવાદના છેવાડે આવેલ ચાંગોદરમાં એક નેપાળી યુવકનને ચોર સમજીને લોકોએ થાંભલે બાંધીને ક્રુરતા પૂર્વક માર માર્યો હતો. આ યુવકને એટલી હદે લોકોએ માર્યો હતો કે તેનું મોત નિપજ્યું હતું. બીજી બાજુ ત્યાં ભેગા થયેલા લોકોએ યુવકને છોડાવવાની જગ્યાએ તેને માર પડતો હતો તેનો વીડિયો ઉતારીને આનંદ માણ્યો હતો. પોલીસે આ ઘટનામાં ગુનો નોંધીને 10 લોકોની ધરપકડ કરી લીધી છે.
સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી થશે
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ચાંગોદરમાં યુવકના મોતને લઈને હાલ ૧૦ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હજી પણ આ ગુનામાં સંડોવાયેલા બીજા લોકોની શોધખોળ કરી રહી છે. ટુંક સમયમાં તમામ લોકોની સામે કાર્યવાહી હાથ ધરાશે.
લોકોના મારથી એક નિર્દોષ યુવાને જીવ ગુમાવ્યો
મૃતક ચાંગોદર પાસે એક જગ્યાએ ઉભો હતો ત્યારે લોકોને એવું લાગ્યું હતું કે આ કોઈ ચોર છે. ત્યારે કંઈપણ વિચાર્યા વિના લોકો લાકડીઓ લઈને તેની પર તૂટી પડ્યા હતાં. લોકોના મારથી એક નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યો છે.
સાણંદના તેલાવમાં પણ આવો બનાવ સામે આવ્યો હતો
તાજેતરમાં જ તેલાવમાં એક યુવકને ચોરી કરવાની બાબતે થાંભલે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. તે સમયે પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી. પરંતુ ચાંગોદરની ઘટના બાદ તેલાવની ઘટનામાં પણ હવે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.