અમદાવાદમાં સગીરાની છેડતી કરતાં નરોડા વોર્ડના ભાજપના મંત્રી મયુરસિંહને દબોચી લેવાયો

પીડિત સગીરા સાબરકાંઠાથી નર્સિંગનો અભ્યાસ કરવા અમદાવાદ આવી છે અને આશ્રયગૃહમાં રોકાઈ હતી
આશ્રયગૃહના સંચાલક અને નરોડા વોર્ડનો ભાજપનો મંત્રી મયુરસિંહ વાઘેલા છોકરીઓ સાથે અનેક વખત ગંદી હરકતો કરતો હોવાનું સામે આવ્યું
ગુજરાતમાં ભાજપની સરકાર મહિલાઓ રાજ્યમાં સૌથી વધુ સુરક્ષિત હોવાના દાવા કરે છે અને બીજી બાજુ ભાજપના જ નેતાઓ સગીરાઓની છેડતી કરતાં હોવાના બનાવો સામી આવી રહ્યાં છે. અમદાવાદમાં નરોડા વોર્ડના ભાજપના મંત્રીની સગીરાની છેડતીના કેસમાં નરોડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા ધરપકડ કરવામાં આવી છે. નર્સિંગ કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી સગીરા નરોડામાં આવેલા આશ્રયગૃહમાં અભ્યાસ અર્થે રહેતી હતી. તેનો ગેરફાયદો લઇને આશ્રયગૃહના સંચાલક મયુરસિંહ ભીખુસિંહ વાઘેલાએ તેની ઓફિસમાં બોલાવીને ગાળો બોલીને સગીરાનો હાથ પકડીને બાથ ભીડી લીધી હતી. સગીરાના છાતીના ભાગે હાથ ફેરવતાં તે ધક્કો મારીને ઓફિસની બહાર નીકળી ગઈ હતી. જેથી મયુરસિંહે સગીરાને ધમકી આપી હતી કે, આ વાત તારા ઘરે કે અન્ય કોઈ વ્યક્તિને કહીશ તો તારૂ ભણતર બંધ કરાવીને જાનથી મારી નાંખીશ. મયુરસિંહ નરોડા વોર્ડના ભાજપના મંત્રી હોવાનું જાણવા મળ્યું છે.
મયુરસિંહે સગીરા સાથે અશ્લિલ હરકતો કરી હતી
મુળ સાબકાંઠાની યુવતીને નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરવો હોવાથી તે નરોડા વિસ્તારમાં આવેલા આશ્રયગૃહમાં બે મહિનાથી રહે છે. આ આશ્રયગૃહના સંચાલક મયુરસિંહ ભીખુસિંહ વાઘેલા છે. આશ્રયગૃહમાં રહેતી તમામ છોકરીઓની દેખરેખની તેમની કામગીરી છે. 20 માર્ચે બપોરે ચાર વાગ્યાના સુમારે આ સગીરાએ તેના પિતાને ફોન કરીને રડતા અવાજે કહ્યું હતું કે, હું આત્મહત્યા કરી લઈશ. એવું કહેતા જ તેના પિતાએ પુછ્યું હતું કે કેમ આવું બોલે છે. ત્યારે તેણે કહ્યું હતું કે આશ્રયગૃહના સંચાલક હેરાન પરેશાન કરે છે. ગંદી માંગણીઓ કરે છે. 15 દિવસ પહેલાં રાતના દસેક વાગ્યાના સમયે સગીરા આશ્રયગૃહમાં તેના રૂમમાં હાજર હતી તે વખતે મયુરસિંહે સગીરાને તેની ઓફિસમાં બોલાવી હતી.
છેડતી, પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ
મયુરસિંહે જાણતો હતો કે સગીરા અનુસૂચિત જનજાતિમાં આવે છે તેમ છતાં ગાળો બોલીને કોઈપણ જાતની વાતચીત કર્યા વિના મારી છેડતી કરીને બિભત્સ માંગણી કરતો હતો. સગીરાએ પ્રતિકાર કરતાં જ તેનો હાથ પકડીને અશ્લિલ હરકતો કરવા માંડ્યો હતો. જેથી સગીરાએ મયુરસિંહને ધક્કો મારીને બહાર જતી રહી હતી. આ અંગે સગીરાએ તેની સાથે રહેતી મિત્રને વાત કરતાં તેને તેના પિતાને જાણ કરવા કહ્યું હતું. જેથી સગીરાના પિતાએ આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં આશ્રયગૃહના સંચાલક મયુરસિંહ વાઘેલા સામે છેડતી, પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. નરોડા પોલીસે સોમવારે રાત્રે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. એટ્રોસિટી એક્ટ હોવાથી આ અંગેની વધુ તપાસ એસસી, એસટી સેલના ડિવાયએસપી કરી રહ્યાં છે.