આજે મધ્યરાત્રીથી ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો જોવા મળશે

તારીખ 14મી એપ્રિલ થી તા.30મી એપ્રિલ પરોઢ સુધી આકાશમાં આતશબાજી
દુનિયાભરમાં લોકોએ જાન્યુઆરીમાં કવોડરેન્ટીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. 105 દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કાવર્ષાનો પ્રારંભ થનાર છે તેમાં વિશ્વમાં તા. 14 મી એપ્રિલ મધ્યરાત્રિથી તા. 30 મી એપ્રિલ રવિવાર પરોઢ સુધી લાયરીડસ ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી આરંભી છે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કાવર્ષનો અદ્દભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે.
જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે તા.14 મી શુક્રવાર મધ્યરાત્રિથી તા. 30 મી સુધી આકાશમાં લાયરીડસ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. તા.22મી રાત્રીએ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના 15 થી 100 ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. દિવાળીના ફટાકડાની આતશબાજીના રોમાંચક દ્રશ્યો આકાશમાં જોવા મળશે. અવકાશી અજ્ઞાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા દ્રશ્યો જોઈ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે.
વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળે છે. લાયરીડસ ઉલ્કાવર્ષા મહત્તમ ત્રણ દિવસ તા.21મી શુક્રવારથી રવિવાર પરોઢ સુધી આકાશમાં જોવા મળશે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ રાકાય છે. લાયરીડસ ઉલ્કાવર્ષાનો નજારો તા. 22 મી રાત્રીના નિહાળવાની તૈયારીમાં જાથાના અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, વિનોદ વામજા, દિનેશ હુંબલ, નિર્ભય જોશી, રાજુ યાદવ, નિર્મળ મેત્રા, ભોજાભાઈ ટોયટા, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલ વિગેરે અનેક સદસ્યો જોડાયા છે.