બાળકો માટે ફ્રૂટ લેવા જતા વૃદ્ધાનું ટેમ્પાની અડફેટે મોત

નારોલ વિસ્તારમાં રહેતા મહેન્દ્રસિંહ ઝાલાને તેમના નાના ભાઈએ દિલ્હીથી ફોન કર્યો હતો કે તેમના પિતાને અમદાવાદ આવવું હોવાથી તેમને પ્લેનમાં બેસાડું છું તો એરપોર્ટ જઈને તેમને લઈ આવજો. ત્યાર બાદ મહેન્દ્રસિંહ એરપોર્ટ ગયા હતાં અને તેમના પિતાજીને લઈને ત્યાંથી નીકળ્યા હતાં. ત્યારે એપોલો ટાયરના શો રૂમ પાસે બાઈક ઉભું રાખ્યું હતુ અને તેમના પિતાએ કહ્યું હતું કે બાળકો માટે ફ્રૂટ લઈ લઉં.તેઓ ફ્રૂટ લેવા માટે રોડ ક્રોસ કરતાં હતાં આ દરમિયાન એક લોડિંગ ટેમ્પોએ તેમને અડફેટે લીધા હતાં. અકસ્માતમાં તેમના પિતાને માથાના ભાગે ઈજા થતાં લોહી નીકળતું હતું અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. જેથી મૃતકના દીકરાએ જી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.