ફેક એન્કાઉન્ટર કેસમાં PSI સહિતનાં અધિકારીઓને હાઈકોર્ટની નોટીસ

કોઈપણ ગુનેગારને મારી નાંખવાનો પોલીસને પરવાનો નથી અપાયો
કેસની ફરી સુનાવણી તા.19 જૂનનાં રોજ કરવામાં આવશે
પોતાના 14 વર્ષના ભાઈ અને પિતાની પોલીસ દ્વારા ફેક એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે સગીરવયની પીડિતાએ હાઈકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરી હતી.અને સમગ્ર મામલે ઉચ્ચસ્તરિય સમિતિ દ્વારા તપાસની માંગ કરી છે. આ કેસમાં હાઈકોર્ટના એકિટંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે બજાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત કુલ છ પોલીસ કર્મચારીઓને નોટિસ ફટકારી છે આ કેસની સુનાવણી 19મી જૂનના રોજ મુકરર કરવામાં આવી છે.
અરજદાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી. કે રાજય સરકારે કહ્યું છે કે તેઓ પોલીસ કર્મચારીઓનો બચાવ નહીં કરે તેઓ જવાબદાર છે અને તેમણે 14 વર્ષના બાળકનું એન્કાઉન્ટર કર્યું હતું. તેમનો એવો દાવો હતો કે જો એ બાળકનું એન્કાઉન્ટર ન કરાયું હોત તો એ તમામ પોલીસ કર્મચારીઓને મારી કાઢત આ કેસમાં સગીરાએ એડવોકેટ વિકી મહેતા મારફતે રિટ કરી છે.
જેમાં સિનિયર એડવોકેટ યતિન ઓઝાએ જાહેરહિતની અરજીમાં એવી રજૂઆત કરી છે કે 9 મી ડિસેમ્બર-2021ના રોજ પિતા અને તેના 14 વર્ષના ભાઈની સુરેન્દ્રનગર ખાતે પોલીસે એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડિયા ગામ ખાતે પોલીસ એન્કાઉન્ટરમાં અરજદાર સગીરાના પિતા હનીફખાન મલેક અને ભાઈની હત્યા કરાઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસનો એવો દાવો છે કે, હનીફખાન નામચીન ગેંગસ્ટર હતો અને તેના 5286 ક્રિમિનલ કેસો હતો.
રિટમાં મૃતકની સગીરવયની પુત્રીએ એવા આક્ષેપો કર્યા છે.કે પોલીસ સબ ઈન્સ્પેકટર વી.એન.જાડેજા અને અન્યો એક ખાનગી વાહનમાં તેમના ઘરે આવ્યા હતા. અને તેના પિતાને ખેંચીને વાહનમાં લઈ ગયા હતાં. પોલીસની અમાનુષી કાર્યવાહીનો વિરોધ કરતાં પિતાની પાછળ એનો ભાઈની છાતીમાં ગોળી ધરબી દીધી હતી.
પુત્રને ગોળી વાગતા પિતા પણ રઘવાયા બન્યા હતાં. અને તેની તરફ દોડી ગયા ત્યારે પોલીસે તેમને પણ ગોળી મારી હતી. તેમના ઉપર ગમે એટલા ક્રિમિનલ કેસો પેન્ડિંગ હતા. પરંતુ એનો અર્થ એવો કયારેય પણ થતો નથી કે પોલીસ તેમને ફેક એન્કાઉન્ટરમાં મારી નાખવાનો પરવાનો મળી જાય છે.