2023નું પ્રથમ વાવાઝોડુ ‘મોચા’ આગામી સપ્તાહમાં સર્જાશે! બસ હવે ચોમાસુ આવ્યું


બંગાળના અખાતમાં ઉતરપુર્વીય ક્ષેત્રમાં લોપ્રેસરની સ્થિતિ બનવા લાગી
ભારતીય ઉપરાંત અમેરિકી અને યુરોપીયન હવામાન એજન્સીઓની આગાહી
વાવાઝોડુ ઓડિસા પરથી પસાર થઈને બાંગ્લાદેશ અને મ્યાનમારને પણ અસર કરશે
દેશમાં ચાલી રહેલી ઉનાળાની મોસમ વચ્ચે પણ સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત અનેક રાજયોમાં માવઠાનો વરસાદ ચાલુ છે તે સમયે હવે સતાવાર રીતે ચોમાસાના આગમનની છડી પોકારતુ 2023નું પ્રથમ વાવાઝોડુ તા.6 મે ના રોજ બંગાળના અખાતમાં સર્જાશે અને તે દેશના પુર્વીય તટ ભણી જશે.
ભારતીય હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ બંગાળના અખાતમાં હવાના નીચા દબાણની સ્થિતિ બની રહી છે. દક્ષિણપુર્વ ક્ષેત્રમાં તા.6 મે અને તેની આસપાસ વાવાઝોડાની સ્થિતિ બની શકે છે અને તેની અસર હેઠળ ઓરિસ્સા સહિતના ઉતરપુર્વીય ભાગોમાં વરસાદની શકયતા છે. આ વાવાઝોડાને યમન દ્વારા ‘મોચા’ નામ અપાયું છે. ભારતીય હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગ્લોબલ ફોરકાસ્ટ સીસ્ટમ અને યુરોપીયન સેન્ટર ફોર મીડીયમ રેન્જ વેધર ફોરકાસ્ટ દ્વારા પણ બંગાળના અખાતમાં આ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે
અને ભારતીય હવામાનખાતાએ પણ તેને સમર્થન આપ્યુ છે અને આ વાવાઝોડુ આગામી સપ્તાહમા તા.6 ની આસપાસ હવાના નીચા દબાણ તરીકે સર્જાયા બાદ તે તબકકાવાર ઉતરપુર્વીય તરફ આગળ વધશે. ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટ્ટનાયકે વાવાઝોડાની સંભવીત સ્થિતિ અંગે એક તાકીદની બેઠક બોલાવી છે. ભારતના પુર્વીય ભાગો ઉપરાંત બાંગ્લાદેશ અને મ્યાનમાર પર પણ અસર કરશે. જો કે હવામાનખાતુ હજુ આ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.