સસ્તા રોયે બાર બાર! 15% સસ્તાના ચક્કરમાં રૂપિયા 6 લાખ નો ચૂનો લાગ્યો

વટવામાં વેપારીને બજાર ભાવ કરતા સસ્તા ભાવે માલસામાન આપવાના બહાને ગઠિયાએ રૂ. 6 લાખની ઠગાઇ આચરી
ઇદના તહેવારને લઇને વેપારીએ વધુ માલસામાન માંગતા ગઠિયાએ એડવાન્સ રૂપિયા લઇને રફુચક્કર થયો
વેપારીએ તપાસ કરતા અન્ય છ વેપારી પાસેથી પણ ગઠિયો એડવાન્સ રૂપિયા લઇ ગયો હતો
વેપારીએ ગઠિયા સામે પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવી
અમદાવાદના વટવામાં વેપારીને પાન-મસાલા ગુટકાનો માલસામાન બજાર ભાવ કરતા 15 ટકા સસ્તા ભાવે આપીશ તેવી વાતો ગઠિયાએ કરી હતી. ત્યારે વેપારીને વિશ્વાસમાં લેવા ગઠિયાએ એક મહિનો સસ્તા ભાવે માલસામાન આપ્યો હતો. ત્યારબાદ ઇદનો તહેવાર હોવાથી વધુ માલસામાન જોઇતો હોવાથી ગઠિયાએ વેપારી પાસેથી રૂ. 6 લાખ એડવાન્સ લઇને રફુચક્કર થઇ ગયો હતો. ત્યારે વેપારીએ તપાસ કરતા અન્ય છ વેપારી પાસેથી પણ ગઠિયાએ એડવાન્સ રૂપિયા લઇને ફરાર થઇ ગયો હતો. આ અંગે વેપારીએ ગઠિયા સામે પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોધાવી છે.
વટવામાં રહેતા ઇરફાન રાઠોડ હોલસેલમાં ગુટકા લાવી રીટેલમાં વેચાણ કરીને ધંધો કરે છે. જેમાં તેમના મિત્ર મોહમદ યામીનની સુલતાન કાફેમાં અવાર નવાર જતા હતા જેથી તેના કાફેની બાજુમાં આવેલ મરાઠા સુગર એન્ડ ઓઇલ ડેપોના માલિક નાસીરભાઇ બાગવાલા સાથે સંપર્ક થયો હતો. જે બાદ નાસીરે ઇરફાનને કહ્યુ કે બજાર ભાવ કરતા 15 ટકા સસ્તા ભાવે પાન-મસાલા અને ગુટકા આપીશ તેવી વાત કરતા ઇરફાને નાસીર પાસેથી માલસામાન ખરીદવાનું શરૂ કર્યુ હતુ. જ્યારે નાસીરે એક મહિના સુધી સસ્તા ભાવે માલસામાન આપ્યો હતો. ત્યારબાદ ઇદનો તહેવાર હોવાથી ઇરફાનને વધુ માલસામાન જોઇતો હોવાથી નાસીરે કહ્યુ કે એડવાન્સ રૂપિયા આપવા પડશે. જ્યારે જુદા જુદા માલસામાન લેવા માટે ઇરફાને નાસીરને કુલ રૂ. 6 લાખ એડવાન્સ આપ્યા હતા. જે બાદ નાસીરે માલસામાન ન મોકલાવતા ઇરફાને ફોન કરતા બંધ આવતો હતો. ત્યારબાદ ઇરફાને તપાસ કરતા નાસીરે છ વેપારીઓ પાસેથી પણ માલસામાનના એડવાન્સ રૂપિયા લઇને નાસી ગયો હતો. આ અંગે ઇરફાને વટવા પોલીસ સ્ટેશનમાં નાસીર બાગવાલા સામે છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે.