લાઇસન્સ વગર ગેરકાયદે ચાંદીની લે વેચ અને હવાલાથી રૂપિયા ફેરવતા બે શખ્સોની ધરપકડ

પોલીસે મોબાઈલમાંથી આઈડી મેળવ્યું અને એક લાખથી વધુનું બેલેન્સ જોવા મળ્યું
અમદાવાદમાં સોના અને ચાંદીની દાણચોરીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે શહેરમાંથી ગેરકાયદે હવાલા દ્વારા ચાંદીની લે વેચ કરતાં બે શખ્સોની પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ખાડિયા પોલીસ સ્ટેશનના કર્મીઓને બાતમી મળી હતી કે, ગુસા પારેખની પોળમાં સોની રમેશ કુમાર શાંતિલાલની દુકાનમાં એક ઈસમ તેના મળતીયા માણસો સાથે બેસીને ભારત સરકારને આર્થિક નુકસાન પહોંચાડવાનું કાવતરૂ રચીને સ્ટોક એક્સચેન્જના કોઈપણ પ્રકારના લાયસન્સ વિના ચાંદીનો લે વેચનો ધંધો કરીને હવાલા દ્વારા ભાવોની વધઘટથી થતા નફા નુકસાનના હિસાબો કરીને નાણાની હારજીત કરે છે.
આ બાતમીને આધારે ખાડિયા પોલીસના કર્મીઓએ બાતમી વાળા સ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાં પહોંચીને શખ્સ પાસે સેબીનું લાયસન્સ માંગ્યું હતું પણ તેમની પાસે નહોતું. પોલીસે તેનું નામ પૂછતાં અશોક ડાભી હોવાનું જણાવ્યું હતું. પોલીસને તેના મોબાઈલમાંથી એક આઈડી મળ્યું હતું. જેમાં એક લાખથી વધુના સોદા થયા હોવાનું બેલેન્સ હતું. પોલીસે 20 હજારના મુદ્દામાલ સાથે અશોક ડાભી અને મહેન્દ્ર પ્રજાપતિની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.