પત્નીના આડા સંબંધની શંકા રાખીને આરોપી પતિએ યુવકને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું

સાણંદ જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
સાણંદ જીઆઇડીસી પાસે આવેલા એક ગામમાં હત્યાનો બનાવ બનતા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ ઝોલાપુર ગામમાં રહેતા રાજુભાઇ તેમના ઘરે હતા. ત્યારે ગામમાં રહેતો લાલજી હથિયાર સાથે તેમના ઘરમાં ઘૂસી ગયો હતો. ત્યાં રાજુભાઇના કાકા લાલજીને છરી મારતા જોઇ ગયા હતા. રાજુભાઇના કાકા ત્યાં પહોંચી જતા લાલજી ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં રાજુભાઇને સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં રાજુભાઇને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જેથી રાજુભાઇના કાકાએ સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં લાલજી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
સાણંદ જીલ્લામાં આવેલા ઝોલાપુર ગામમાં રહેતા રતીલાલ પટેલ ખેતીકામ કરી પરિવાર સાથે રહે છે. તેમની બાજુમાં જ તેમના ભાઇનું મકાન આવેલું છે. મંગળવારે તેમનો ભત્રીજો રાજુભાઇ (ઉ.૩૨) બહારથી ઘરે આવ્યો હતો. થોડા સમય પછી ગામમાં રહેતો લાલજી પટેલ હાથમાં છરી તથા લાકડી લઇને રાજુભાઇના ઘરે ગયો હતો. ત્યાં રતીલાલ ખાટલામાંથી ઉભા થઇને તેમના ભાઇના ઘરે ગયા અને જોયુ તો ત્યાં લાલજી આ રાજુભાઇને છરીના ઘા મારી રહ્યો હતો. જેથી રતિલાલ લોહીલુહાણ હાલતમાં રાજુભાઇને સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે રાજુભાઇને મૃત જાહેર કર્યા હતા.
આરોપી લાલજીને તેની પત્ની સાથે આ મૃતકને આડા સંબંધ હોવાની અદાવત રાખી તેની હત્યા કરી હોવાની ફરિયાદ સાણંદ જીઆઇડીસી પોલીસને આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ જ વાતને લઇને લાલજીએ અગાઉ પણ રાજુભાઇ સાથે અવાર નવાર ઝઘડો કર્યો હતો.