માધવપુરામાં દીકરાની સામે જ મહિલાને પ્રેમીએ બાથ ભીડી! પોલીસે પ્રેમી સામે છેડતી સહિતની કલમો હેઠળ નોંધી ફરિયાદ

શહેરમાં દીકરાના સામે જ મહિલાના પૂર્વ પ્રેમીએ મહિલાને બાથમાં બીડીને કહ્યું કે, મારી સાથે કેમ બોલતી નથી. પ્રેમીએ ગંદી ગાળો બોલીને ઝગડો કર્યો હતો. ત્યાર બાદ મહિલાએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદના દૂધેશ્વર વિસ્તારમાં રહેતી મહિલાને ધોબીની ચાલી ખાતે રહેલા અબ્દુલ સાથે પ્રેમ સંબંધ હતો. એક વર્ષ બાદ મહિલાએ પ્રેમ સંબંધ તોડી નાંખતાં અબ્દુલ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. આ મહિલા જ્યારે કચરા પોતા કરવાના કામ કરવા માટે નીકળી હતી. ત્યારે અબ્દુલ તેને મળ્યો હતો અને તુ કેમ મારી સાથે બોલતી નથી તેમ કહી ઝગડો કરીને ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાર બાદ આ મહિલાના ઘરે આવીને અબ્દુલે મહિલાના દીકરાની સામે જ તેને બાથમાં ભીડી લીધી હતી અને બિભત્સ ગાળો બોલવા માંડ્યો હતો. તેણે મહિલાને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. તેણે કહ્યું હતું કે, જો તુ મને નહીં બોલાવે તો હું તને અહીંયા નહીં રહેવા દઉ અને જાનથી મારી નાંખીશ. ત્યારે મહિલાના દીકરાએ વચ્ચે પડીને મહિલાને છોડાવી હતી. ત્યાર બાદ અબ્દુલ ત્યાંથી જતો રહ્યો હતો. જેથી મહિલાએ અબ્દુલ સામે માધવપુરા પોલીસ સ્ટેશનમાં છેડતી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.