રૂ. ૧૮૦૦ કરોડના ક્રિક્રેટ સટ્ટાકાંડમાં વધુ બે આરોપીને પોલીસે ઝડપી પાડયા

નિકોલ અને મેઘાણીનગરથી બે આરોપીની ધરપકડ કરી
આરોપીએ મહાવીર એન્ટરપ્રાઇઝવાળી જગ્યા ભાડે રાખી હતી
આરોપીએ ક્રિક્રેટ સટ્ટા બેટિંગનું માસ્ટર આઇડી આપ્યુ હતુ
માધુપુરા સુમેલ બિઝનેસ પાર્કમાંથી પીસીબીએ રૂ. ૧૮૦૦ કરોડના હવાલા, સટ્ટાકાંડનો ગેરકાયદે ટ્રેડિંગનો પર્દાફશ કર્યો હતો. જ્યારે આ કેસની તપાસ ગુજરાત પોલીસ વડાએ પીસીબી પાસેથી આંચકીને સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી હતી. ત્યારે પોલીસે આ કેસમાં નિકોલ અને મેઘાણીનગરમાંથી વધુ બે આરોપીઓને ઝડપી પાડયા છે. આરોપીઓએ મહાવીર એન્ટરપ્રાઇઝવાળી જગ્યા ભાડે રાખી હોવાનું સામે આવ્યુ છે. જ્યારે આરોપીઓએ અગાઉ પકડાયેલ આરોપી હર્ષિત જૈનને ક્રિક્રેટ સટ્ટા બેટિંગનું માસ્ટર આઇડી આપ્યુ હતુ. આ કેસના છેડા દુબઇ બેઠેલા રાકેશ રાજદેવ સાથે જોડાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યુ હતુ.
માધુપુરામાં આવેલ સુમેલ બિઝનેસ પાર્કની એક ઓફ્સિમાં પીસીબીએ બાતમીના આધારે દરોડો પાડીને રૂ. ૧૮૦૦ કરોડના ક્રિક્રેટ સટ્ટાકાંડ ઝડપી પાડયો હતો.
જેમાં પોલીસે ૧૮ બુકીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ કેસમાં તટસ્થ તપાસ થાય તેના માટે સીટની રચના કરવામાં આવી હતી. જ્યારે આ તપાસ ગુજરાત પોલીસ વડાએ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી હતી.
જેમાં તપાસમાં મુખ્ય સુત્રધાર હર્ષિત જૈન તથા જીગર ભાવસારને ઝડપી લેવાની કવાયત ચાલતી હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે હર્ષિત જૈનને ક્રિક્રેટ સટ્ટા બેટિંગનું માસ્ટર આઇડી આપનાર જીગ્નેશ પટેલ છે અને તે પોતાના ઘરે નિકોલમાં છે તેના આધારે પોલીસે તેને નિકોલમાંથી ઝડપી પાડયો હતો. તેમજ મહાવીર એન્ટરપ્રાઇઝની જગ્યા જેને ભાડે રાખી હતી તે અજય જૈનને પણ પોલીસે ઝડપીને વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે હાલમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.