વિવેકાનંદનગરમાં બાઇક લેવા બાબતે ચાર શખ્સોએ ધારિયા અને પાઇપ વડે પરિવાર પર હુમલો કર્યો

મહિલાની મોટી બહેનના મૃતક પતિનું બાઇક લેવા બાબતે ઝઘડો થયો હતો
મહિલાએ એક મહિલા સહિત પાંચ શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી
વિવંકાનંદનગરમાં મૃતકનું બાઇક લેવા બાબતે ચાર શખ્સોએ પરિવાર પર ધારિયા અને લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. મહિલાની મોટી બહેનની નણંદે પરિવારને બિભત્સ ગાળો પણ આપી હતી. તેમજ ચારેય શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા. આ અંગે મહિલાએ એક મહિલા સહિત ચાર શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
વિવેકાનંદનગર પાસે આવેલ બડોદરાગામમાં 24 વર્ષીય અનીષાબાનુ પઠાણ પરિવાર સાથે રહે છે. જેમાં તેમનો પતિ શાહનવાઝ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. ગત 18મેના દિવસે મહિલા તેના પિયરમાં હતા તે સમયે તેમના બહેનની નણંદ સુહાનાબાનુ તેના ઘરે આવીને પરિવારને અમને પૂછ્યા વગર તેમના મોટા બહેન કરીશ્માના પતિ જીસાનનું બાઇક લેવા ખોખરવાડા કેમ ગયા હતા કહીને બિભત્સ ગાળો બોલીને જતા રહ્યા હતા. જે બાદ શાહનવાઝ અનીષાબાનુના પિયરમાં ગયો હતો ત્યારે નસીબખાન અને સહીદખાન પઠાણ સુહાનાબાનુનુ ઉપરાણું લઇને શાહનવાઝને ફટકાર્યો હતો. તેમજ નાસીરખાન અને સોહીલખાન હાથમાં લોખંડની પાઇપ અને ધારીયા વડે શાહનવાઝ પર હુમલો કર્યો હતો. જ્યારે પરિવારના સભ્યો બચાવવા વચ્ચે પડતા ચારેય શખ્સોએ તેમની પર પણ હુમલો કર્યો હતો. બૂમાબૂમ થતા ચારેય શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા. ઇજાગ્રસ્તોને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે અનીષાબાનુએ નાસીરખાન, સાહીલખાન, નસીબખાન, સહીદખાન અને સુહાનાબાનુ સામે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.