મસ્જીદના મૌલાનાના ઈશારે બાઈકની ચોરી કરતા યુવકની ધરપકડ

પશ્ચિમ વિસ્તારમાં થતી બાઈક ચોરીનું રહસ્ય ખુલ્યું
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પાલડી, એલિસબ્રિજ, નવરંગપુરા અને વેજલપુરમાંથી થતી બાઈક ચોરીનું રહસ્ય ક્રાઈમબ્રાંચે ખોલ્યું છે. પોલીસે રિવરફ્રન્ટ ધોબીઘાટ પાસેથી ચોરીના બાઈક સાથે ઝડપેલા આરોપીની પૂછપરછમાં ૧૯ બાઈક ચોરીના ભેદ ઉકેલાયા હતા. પોલીસ તપાસમાં આરોપી મીરઝાપુર મટન માર્કેટ પાસે મસ્જીદના મૌલાના મો.અબ્દુલના ઈશારે બાઈકની ચોરી કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ક્રાઈમબ્રાંચે રાજસ્થાનમાંથી આરોપીઓએ વેચેલા અને ચોરી કરી મુકી રાખેલા કુલ બે લાખની મત્તાના ૧૧ બાઈક કબ્જે લઈ ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
ક્રાઈમબ્રાંચે ૧૧ બાઈકો કબ્જે લઈ ૧૯ ગુનાનો ભેદ ઉકેલ્યોઃરાજસ્થાનમાં ચોરીની બાઈક વેચતા
ક્રાઈમબ્રાંચની ટીમે રિવરફ્રન્ટ ધોબીઘાટ પાસેથી ચોરીના બાઈક સાથે મૂળ રાજસ્થાનના બાડમેર જીલ્લાના અને હાલ જુહાપુરામાં રહેતાં ઈલમખાન સખરખાન પાદીખાન સમેજા (ઉં,૨૧)ની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં યુવકે કબૂલાત ૧૯ જેટલા બાઈકો ચોરી કર્યાની કબૂલાત કરી હતી. યુવકે જણાવ્યું કે, મીરઝાપુરમાં મટન માર્કેટ પાસે આવેલી મસ્જીદના મૌલાના મો.અબ્દુલ હાદી અકબર રહુમાના ઈશારે પોતે બાઈકની ચોરીઓ કરતો હતો. ચોરીની બાઈકો નારોલ બ્રિજ નીચે મુકી દેતો હતો. એક બાઈકની ચોરી કરવા પેટે તેણે રૂ.ચાર થી આઠ હજાર રૂપિયા મળતા હતા. આ ચોરીના બાઈકો મૌલાના મો.અબ્દુલ રાજસ્થાનમાં તેના માણસો મારફતે વેચી મારતો હતો. ક્રાઈમબ્રાંચે નારોલ બ્રિજ નીચેથી તેમજ રાજસ્થાનમાં વેચી દેવાયેલી ચોરીની કુલ ૧૧ બાઈકો રૂ.૧.૯૫ લાખની મત્તાની કબ્જે લઈ તપાસ હાથ ધરી હતી. મૌલાના મો.અબ્દુલ સાથે આ કૃત્યમાં અન્ય ત્રણ જેટલા શખ્સો પણ સંડોવાયા હોવાની વિગતો પોલીસને મળી છે. મીરઝાપુર મટન માર્કેટ પાસે આવેલી મસ્જીદમાં મો.અબ્દુલ છેલ્લા એક વર્ષથી મૌલાના તરીકે સેવા આપે છે. મૂળ રાજસ્થાનના બાડેમેર જીલ્લાના જાનેકી બેરી ગામનો વતની મૌલાના મો.અબ્દુલ અમદાવાદમાં મીરઝાપુરના મોરકસવાડમાં રહેતો હોવાની વિગત મળી છે. પોલીસ તપાસમાં ઈલમખાનની ધરપકડ બાદ ૧૯ બાઈક ચોરીના ભેદ ઉકેલાયા જેમાં પાલડીના ૯, નવરંગપુરાના ૨, એલિસબ્રિજના ૨, સરખેજ, વાસણા, વેજલપુર, કારંજ અને શાહપુર વિસ્તારના એક-એક બાઈક ચોરીનો સમાવેશ થાય છે.
સાત બહેનો વચ્ચે એક ભાઈ એવા યુવકને ડરાવી મૌલાનાએ બાઈક ચોરી કરાવી
પોલીસ પૂછપરછમાં બાઈક ચોરીના ગુનામાં પકડાયેલા ઈલમખાને કબૂલાત કરી કે, સાત બહેનો સહિતના પરિવારનું પાલન કરવા પૈસાની જરૂર હોવાથી મૌલાનાના કહેવાથી એક બાઈકની ચોરી કરી હતી. પહેલા ચોરી કર્યા બાદ પસ્તાવો થતાં મૌલાના મો.અબ્દુલને ચોરી કરવાની ના પાડી દીધી હતી. મો.અબ્દુલે પોલીસમાં ઓળખાણ હોવાથી પકડાવી દેશે તેમ કહી ધાકધમકી આપી વધુ બાઈકની ચોરીઓ કરાવતો હતો.
પહેલા બાઈક પર ૮ હજાર પછી ૪ હજાર આપતો, પોતે ૨૩ હજારમાં વેચતો
ક્રાઈમબ્રાંચની તપાસમાં ખુલેલી વિગત મુજબ બાઈક ચોરી કરનાર યુવક ઈલમખાનને પહેલા બાઈકની ચોરી પર મો.અબ્દુલે આઠ હજાર રૂપિયા હતા. તે પછી પોતે ચોરીઓ કરવાની ના પાડતા પોલીસમાં પકડવાની ધમકી આપી બાઈકની ચોરીઓ કરાવી હતી. મૌલાના મો.અબ્દુલે પછી બાઈક ચોરી દીઠ ચાર થી પાંચ હજાર આપવાનું શરૂ કર્યું હતું. આ ચોરીની બાઈકો મો.અબ્દુલ રાજસ્થાનમાં ૨૩ હજારમાં વેચતો હોવાની વિગતો પોલીસને મળી છે. મો.અબ્દુલ સાથે કેટલાક રિક્ષાવાળા પણ આ રેકેટમાં સામેલ હોવાની વિગત પોલીસને મળી છે.