યુવતીએ પ્રેમસંબંધ તોડી નાખતા પ્રેમીએ ઉશ્કેરાઇને તેની ઓફિસે જઇ તોડફોડ કરી લૂંટ ચલાવી

તારી છોકરીના હું કોઇ સાથે લગ્ન કરવા નહીં દઉ તેવી યુવતીના પિતાને ધમકી આપી હતી
ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
જમાલપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે. ત્રણેક માસ પહેલા તે તેના પરિવાર સાથે દાણીલીમડામાં રહેતી હતી ત્યારે તે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. યુવતીને એક યુવક સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ હતો. જોકે પાંચેક મહિના પહેલા યુવતીને જાણવા મળ્યુ હતુ કે તેના પ્રેમીને અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ છે. જેથી યુવતીએ તેની સાથે પ્રેમસંબંધનો અંત લાવી દીધો હતો. યુવકના મોબાઇલ નંબર પણ બ્લોક કરી દીધા હતાં. જેની અદાવત રાખીને પ્રેમીએ ઓફિસમાં આવી તોડફોડ કરી યુવતીનું પર્સ અને મોબાઇલ ફોન લૂંટી લીધો હતો અને યુવતીએ તે બાબતે દાણીલીમડામાં પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.કેસમાં આરોપીએ જામીન મેળવી યુવતીનો ફોન દાણીલીમડા પોલીસસ્ટેશનમાં જમા કરાવ્યો નહોતો. યુવતીના ફોનમાં તેનું જીમેઇલ આઇડી ચાલુ હોવાથી પ્રેમી યુવક યુવતીને ઇન્સ્ટાગ્રામ પર બે માસથી મેસેજ કરતો હતો. બાદમાં અલગ અલગ નંબરોથી ફોન કરીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી પ્રેમ સંબંધ રાખવા અને લગ્ન કરવા દબાણ કરતો હતો.દરમિયાનમાં થોડા દિવસો પહેલા પ્રેમી આ યુવતીના ઘરે પહોંચી ગયો હતો. જ્યાં યુવતીના પિતાને તારી છોકરીના કોઇ સાથે લગ્ન નહિ થવા દઉં અને લગ્ન જ્યાં નક્કી કરશો ત્યાં તોડાવી નાખીશ. ફોટો વાયરલ કરી બધાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ફરાર થઇ ગયો હતો. બાદમાં આરોપીએ યુવતીના ઇન્સ્ટાગ્રામ પરના ફોટો પર આઇ એમ કોલગર્લ લખીને તેનો નંબર લખી ફોટો વાયરલ કર્યો હતો. જે મામલે હવે યુવતીએ ફરિયાદ આપતા ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.