શાબાશ પોલીસ! પોલીસને અપાયેલી CPR ટ્રેનિંગ કામલાગી: હાર્ટએટેકથી યુવકનો બચાવ્યો જીવ

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં એક્ટિવા લઈને જતા યુવકે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતાં જ એમ્બ્યુલન્સ આવે તે પહેલાં સીપીઆરથી જીવ બચાવી લીધો: સમયસર હોસ્પિટલે પહોંચી જતાં યુવકની તબિયત સુધારા પર
સમગ્ર ગુજરાતમાં કોરોના બાદ હાર્ટએટેકના બનાવમાં ચિંતાજનક વધારો થઈ ગયો છે. થોડા સમયથી હાર્ટએટેકના કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે ત્યારે ખાસ કરીને પોલીસને હાર્ટએટેક આવે ત્યારે તાત્કાલિક સીપીઆર (કાડિર્યો પલ્યુમનરી રિસક્શન) આપવા માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
પાછલા ઘણા સમયથી આ ઝુંબેશ ચાલી રહી છે જે કામ આવી ગઈ હોય તેવી રીતે અમદાવાદમાં આજે પોલીસે હાર્ટએટેક આવી ગયો હોવા છતાં યુવકનો જીવ બચાવી લીધો છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે અમદાવાદના કાલુપુર સર્કલ પાસેથી એક્ટિવા લઈને પસાર થઈ રહેલા રફીક હમીદ અબ્દુલ શેખ નામના યુવકે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ ત્યાં ઉભેલા એએસઆઈ મુશ્તાકમીયા તેમજ હોમગાર્ડ જોગલકિશોર અને નગીનભાઈને કરતા ત્રણેયે ક્ષણભરનો વિલંબ કર્યા વગર પહેલાં 108ને ફોન કર્યો હતો.
જો કે 108 પહોંચે તે પહેલાં જ રફીકને સીપીઆર આપવાનું શરૂ કરી દેતાં થોડી જ વારમાં તેના શ્વાસ પરત આવી ગયા હતા. આ પછી 108 પણ આવી જતાં રફીકને તાત્કાલિક શારદાબેન હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તેની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એવી જાહેરાત કરવામાં આવી હતી કે જૂન મહિનામાં એક સાથે 50,000 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સીપીઆર ટ્રેનિંગથી સજ્જ કરવામાં આવશે જેના કારણે તેઓ જનતાનો તો જીવ બચાવી જ શકશે સાથે સાથે પોતાના કબજામાં રહેલા આરોપીને હાર્ટએટેક આવે તો તાત્કાલિક તેને સીપીઆરથી બચાવી શકશે.