SMCએ અમરાઇવાડીમાંથી જુગાર રમતા નવ લોકોને ઝડપ્યા

પોલીસે કુલ રૂ. 17.44 લાખનો મુદ્દમાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી શરૂ કરી
ફરાર સાત આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા
અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં જુગાર રમાઇ રહ્યો છે તેવી બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી જેના આધારે એસએમસીએ ત્યાં દરોડો પાડીને જુગાર રમતા નવ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ સાત આરોપીઓ ફરાર થઇ ગયા હતા. પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે નવ આરોપીની ધરપકડ કરીને રોકડ રૂ. 66 હજાર સાથે કુલ રૂ. 17.44 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અમરાઇવાડીમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ હતું ત્યારે તેમને બાતમીના આધારે ઓમનગર પાસે જુગારના અડ્ડા પર દરોડો પાડીને નવ આરોપીની ધરપકડ કરી હતી. જેમાં મૂકેશ રમણલાલ પંડ્યા, કમલેશ અંબાલાલ ભટ્ટ, પારસ ખટિક, ભરત પાલ, કિશન સોલંકી, વિજય દેવીપૂજક, મોહમદ ફારુક અંસારી, આકાશ ચૌહાણ, અને અજય વણજારાની ધરપકડ કરી હતી. તેમજ સાત આરોપીઓ ફરાર થઇ ગયા હતા. તેમજ જુગાર ચલાવનાર સચીનસિંહ રાજપૂત છે. રમેશ નામનો યુવક અડ્ડા પર નોકરી કરતા લોકોનો પગાર ચૂકવે છે. જ્યારે હિતેશ રાઇટર પાસેથી રૂપિયા ઉઘરાવવાનું કામ કરે છે. પોલીસે કુલ 15 લોકો સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવ્યો છે. તેમજ પોલીસે ફરાર સાત આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.
જુગારમાં મુદ્દામાલ ન મળતાં આરોપીઓની ઓફિસ થી કાર અને રોકડ બતાવી હોવાની ચર્ચાઓ ઉઠી
અમદાવાદ શહેરમાં ત્રાટકેલી SMC ની ટીમે અમરાઈવાડી વિસ્તારમાં બાતમીના આધારે વરલી મટકાનો જુગાર રમતા અને રમાડતા ૯ ને ઝડપી લીધા હતા. જોકે જુગારમાં મોટી રકમ કે વાહન ન મળતાં મોટો દરોડો બતાવવાની વેતરણમાં આરોપીઓની ઓફિસ સુધી પહોંચીને કાર અને તેમાં પડેલી રોકડ રકમ ઝડપી હોવાના પ્રયાસ કર્યા હોવાની ચર્ચાઓ ઉઠી છે. જો આ વાત સાચી હોય તો સ્ટેટ મોનીટરીંગ સેલ કોને ફસાવવા આટલો મોટો કેસ કરવાની ઝુંબેશ લઈને ચાલી હતી, તેવા સવાલો ઉઠ્યા હતા. બીજીબાજુ પોલીસ ઓફિસથી કાર ત્યાંથી લઈ જઈ રહી છે તેવા દ્રશ્યો સીસીટીવી માં કેદ થયા હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે.