બહુચર્ચિત 2000 કરોડ રૂપિયાના સટ્ટા કેસમાં સુપર માસ્ટર આઇડી કાર્ડ આપનાર ઝડપાયો

બહુચર્ચિત બે હજાર કરોડ રૂપિયાના સટ્ટાકાંડની તપાસમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા સુપર માસ્ટર આઇડી કાર્ડ આપનાર વિસનગરના ધવલ પટેલને ઝડપી લેવામાં આવ્યો છે. તેની તપાસમાં ઘણા ખુલાસા થવાની સંભાવના છે. ધવલ સાથે આ કેસમાં કુલ 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ પીસીબી દ્વારા માધુપુરાની એક ઓફિસમાં દરોડા પાડીને બે હજાર કરોડના સટ્ટા-હવાલા અને ઓનલાઇન જુગારના એપી સેન્ટર પર દરોડા પાડીને સંલગ્ન લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. વિજિલન્સના અધિકારીઓએ આ પ્રકરણની તપાસમાં સટ્ટો રમાડતા જિગ્નેશ નરેશ પટેલને ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેને ઓનલાઇન સટ્ટા માટેનું સુપર માસ્ટર આઇડી વિસનગરના ધવલ પટેલે આપ્યું હતું. જેને પગલે વિજિલન્સની ટીમે ધવલ સોમાભાઇ પટેલ(રહે. પટેલનગર સોસાયટી, વિસનગર)ને ઝડપી લીધો હતો. તે કયા બૂકી સાથે સંકળાયેલો છે તે અંગેની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત આ ગેંગમાં ઓનલાઇન જુગાર રમાડતા કમલેશ પટેલ, નિખીલ પટેલ, ભરત પટેલ તથા દેવાંગ ઠક્કર પણ ઝડપાયા હતા. જેમના 13મી જૂન સુધીના રિમાન્ડ મેળવીને વિજિલન્સની ટીમે વધુ તપાસ શરૂ કરી છે.