ઢળતી ઉંમરે પત્ની લાવવાનો શોખ વૃદ્ધ ને ભારે પડ્યો! વૃદ્ધએ પત્ની, સાસુ અને બે સાઢુ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી

શહેરના નવા નરોડા વિસ્તારમાં રહેતા 65 વર્ષના રમેશભાઇ (નામ બદલ્યું છે) એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પત્ની સીમા (નામ બદલ્યું છે), સાસુ સુશીલાબહેન, સાઢુ અમિત અને ભાવેશ વિરુદ્ધ મારામારીની ફરિયાદ કરી છે. રમેશભાઇ બેન્કમાંથી નિવૃત્ત થયા હતા અને તેમનાં પત્નીનું વર્ષ 2018માં હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું હતું. રમેશભાઇનો પુત્ર જન્મથી માનસિક બીમારી તેમજ પેરાલિસિસથી પીડાતો હોવાથી તેમણે પત્નીનાં મોત બાદ બીજાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. રમેશભાઇના મિત્રનું મોત થયું હતું ત્યારબાદ તેની પત્ની સીમા પણ પુત્રીઓ સાથે એકલવાયું જીવન ગુજારતી હતી. રમેશભાઇ અને સીમા મળ્યાં હતાં.બંનેએ ફોન પર વાતચીત કરવાની શરૂ કરી દીધી હતી. દરમિયાનમાં વર્ષ 2021માં રમેશભાઇના પુત્રનું મોત થતાં તેમણે બીજા લગ્ન કરવાાં ટાળ્યાં હતાં. તેમ છતાંય રમેશભાઇએ સીમા સાથે વાતચીત કરવાનું ચાલુ રાખ્યું હતું. એકલવાયું જીવન જીવતા હોવાના કારણે રમેશભાઇએ સીમા સાથે જાન્યુઆરી મહિનામાં સામાજિક રીતીરિવાજ મુજબ લગ્ન કર્યાં.રમેશભાઇએ લગ્નમાં જમણવાર રાખ્યો હતો. જેમાં બંને પક્ષના લોકોએ હાજરી આપી હતી. લગ્નની રાતે જ રમેશભાઇ સીમા નજીક આવ્યાં ત્યારે સીમાએ કહ્યું કે મને એચઆઇવીની બીમારી છે. એચઆઇવીની વાત સાભળતાં રમેશભાઇ ગભરાઇ ગયા હતા અને શારીરિક સંબંધ રાખવાનો ઇનકાર કરી દીધો હતો. રમેશભાઈ અને સીમા માત્ર સાથે બેસતાં અને વાતચીત કરતાં હતાં અને સીમાની દીકરીઓના અભ્યાસ અર્થે ફી ભરતા અને કપડાં પણ લાવી આપતાં હતાં. પૈસા આપ્યા બાદ પણ સીમા રમેશભાઇને હેરાન પરેશાન કરીને ઝઘડા કરતી હતી. રમેશભાઇએ સીમાને ઘરખર્ચ માટે પાંચ હજાર આપ્યા હતા. જોકે, બે દિવસ બાદ ફરી રૂપિયા માગતાં રમેશભાઇએ બે દિવસ પહેલાં રૂપિયા પાંચ હજાર આપ્યા હતાં તેનું શું કર્યું, તેમ કહેતાં જ તે ઉશ્કેરાઇ ગઇ હતી અને કહ્યું હતું કે મારી પાસે શાનો હિસાબ માગો છે. હું જ્યારે જ્યારે રૂપિયા માગું ત્યારે ત્યારે મને બોલ્યા ચાલ્યા વગર રૂપિયા આપી દેવાના અને આ ઘર પણ મારા નામે લખાવી આપવાનું. ચુપચાપ હું કહું તેમ તમારે કરવાનું. જેથી રમેશભાઇએ ના પાડી હતી. પત્ની સીમાએ લગ્નના પાંચ મહિના સુધી ત્રાસ આપતાં અંતે તેમણે ફરિયાદ કરી છે.