સ્થાનિક પોલીસની બેદરકારીને કારણે શહેરના રાણીપ વિસ્તારમાં દેશી દારૂનો વેપલો બેફામ બન્યો

સ્ટેટ મોનીટરીંગ સેલે રાણીપમાંથી દેશી દારૂનું કટીંગ ઝડપી પાડ્યું
– લઠ્ઠાકાંડના મૂળસમા દેશી દારૂનો બેરોકટોક વેપલો કોના ઇશારે ?
શહેર માં ચાલી રહેલી ગેરકાયદે બદીઓને દુર કરવા સ્થાનિક પોલીસ સદંતર નિષ્ફળ નીવડી રહી હોવાનું સ્ટેટ મોનીટરીંગ સેલના પાડવા આવી રહેલા દરોડાથી સ્પષ્ટ પુરવાર થઈ રહ્યું છે. ત્યારે રાણીપ વિસ્તારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે દેશી દારૂનું કટીંગ ઝડપી સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઉભા કરી દીધા છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ આર.એસ.પટેલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે રાણીપ વિસ્તારમાં ખેંગારજીના ટેકરા પાસે દારૂનું કટીંગ થવાનું છે.જેને પગલે બૂટલેગરો દારૂનું કટીંગ કરે તે પહેલા જ સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડયો હતો.જ્યાં સ્થળ પરથી ૯૦૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે દેશી દારૂની લાઈન ચલાવનાર લિસ્ટેડ મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી સહિત ૮ને ઝડપી લીધા હતા. મહત્વની વાત તો એ છેકે પકડાયેલ લોકો સિવાય અન્ય એક સગીર હોવાનું સામે આવતા તેને નોટિસ આપવામાં આવી છે. બીજીબાજુ સ્ટેટ મોનીટરીંગ સેલે દેશી દારૂનો જથ્થો, કાર , રોકડ સહિત કુલ ૧૦.૨૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ અંગે રાણીપ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.
ઉલ્લેખનિય છે સ્ટેટ મોનિટરીંગ સેલે દારૂનું કટીંગ ઝડપી પાડતા હવે સ્થાનિક પીઆઈ અને સ્ટાફ સામે શંકાકુશંકા ઊભી થઈ છે. એટલું જ નહિ આવનાર દિવસોમાં જવાબદારો સામે પગલાં લેવાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.