વિઝીલન્સના દરોડા છતાં વહીવટદારો બિન્દાસ્ત મોટો પ્રશ્ન? કોના આશીર્વાદથી રથયાત્રા જેવા સંવેદનશીલ તહેવારના સમયે પણ ખુલ્લેઆમ મળે છે દારૂ

આગામી દિવસોમાં રથયાત્રા છતાં શહેરમાં અસમાજિક પ્રવૃત્તિઓને કાબુ કરવામાં પોલીસ નિષ્ફળ
– વહીવટદારના રાજમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલતી હોવાની ચર્ચાઓ
– શહેરના વિવિધ વિસ્તારોમાં દેશી,વિદેશી દારૂ તેમજ જુગાર ઝડપાતો રહ્યો છે
– સ્થાનિક પોલીસ બેદરકાર બની રહેતાં અસમાજિક તત્વો બેફામ બન્યા
– રથયાત્રા નજીક હોવાછતાં શહેરમાં માગો તે બ્રાન્ડનો દારૂ આસાનીથી મળતો હોવાની વાસ્તવિકતા
– છેલ્લા 24 કલાકમાં વિજિલન્સ દ્વારા નારોલ,સરદારનગર,આનંદનગર વિસ્તારમાં દારૂ અને જુગાર ઝડપી લીધા
આગામી દિવસોમાં ભગવાન જગ્ગનાથની રથયાત્રા નીકળવાની છે. તેમછતાં અમદાવાદ શહેર જાણે કે અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયું હોય તેમ શહેરના અનેક વિસ્તારોમાં દેશી, વિદેશી દારૂનો વેપલો તેમજ સટ્ટા-જુગારના ધંધાઓ બેરોકટોક ધમધમી રહ્યા હોવાનું જાેવા મળી રહ્યું છે. કારણ કે શહેરમાં પીસીબી અને વિજીલન્સ દ્વારા દરોડા કરીને વિવિધ વિસ્તારોમાંથી દારૂ તેમજ જુગારધામો ઝડપવામાં આવતા રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વિજિલન્સ દ્વારા નારોલ વિસ્તારમાંથી જુગારધામ અને સરદારનગર વિસ્તારમાં ચાલતો વિદેશી દારૂનો વેપલો ઝડપી લઇને શહેરમાં ચાલતી બદીને પુરવાર કરી છે.
અમદાવાદ શહેરમાં આસપાસના જિલ્લાઓમાંથી દેશી દારૂની હેરાફેરી નિત્યક્રમ મુજબ થઈ રહી હોવાછતાં પોલીસ અજાણ બનીને બેઠી હોવાનો ઘાટ જાેવા મળી રહ્યો છે. જ્યારે વિદેશી દારૂનો કારોબાર શહેરમાં પુરજાેશમાં ફેલાતો રહ્યો છે. નશાકારક ડ્રગ્સ પણ શહેરના અનેક વિસ્તારોમાં યુવાધનને બરબાદ કરી રહ્યાની વાતો જગજાહેર બનતી જાય છે. જ્યારે સટ્ટા અને જુગારના કારોબારો કોઈપણ જાતની રોકટોક વિના ધમધમતા હોવાની ચર્ચાઓ પણ લોકોમાં ઉઠી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં સ્થાનિક પોલીસની બેદરકારી છતી થવા પામી છે. કારણ કે વિજીલન્સ તેમજ પીસીબીના દરોડામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ નિયમિત અંતરે ઝડપાતી રહી છે. શહેરના ઈન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા કડકાઈ દાખવવામાં નહિ આવે તો આગામી દિવસોમાં રથયાત્રા દરમ્યાન પણ ગેરકાયદે પ્રવૃત્તિઓને કારણે સમસ્યા થવાની શક્યતા નકારી શકાતી નથી.
શાહપુરના વહીવટદારના રાજમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ધમધમતાં સ્થાનિક જનતા ત્રાહિમામ્
શહેરના શાહપુર પોલીસ વિસ્તારમાં આવેલી પોળોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ધમધમતી હોવાની ફરિયાદો સ્થાનિક રહીશોમાં ઉઠી રહી છે. શાહપુર વિસ્તારમાં નકલી વિદેશી દારૂનો કારોબાર પુરજાેશમાં ધમધમી રહ્યો છે. સમગ્ર શહેરમાં નકલી વિદેશી દારૂ શાહપુરના બુટલેગરો મારફતે વિવિધ વિસ્તારોમાં પહોંચતો હોવાની વાતો લોકોમાં ચર્ચાઈ રહી છે. આ ઉપરાંત દેશી દારૂની હાટડીયો તો સમગ્ર વિસ્તારમાં ધમધમી રહી હોય તેવો ઘાટ જાેવા મળી રહ્યો છે. શાહપુર પોલીસની બેદરકારીને કારણે સટ્ટા અને જુગારના ધંધાઓ પણ બેરોકટોક ચાલતા હોવાની વાતો બહાર આવી રહી છે. શાહપુર વિસ્તારમાં આવેલી જીવણકરમશીની પોળ, માળીવાડાની પોળ, મહાલક્ષ્મીની પોળ, ખજુરીની પોળમાં માગો તે બ્રાન્ડનો નકલી વિદેશી દારૂ આસાનીથી મળી જતો હોવાની વાતો ચર્ચાઈ રહી છે. શાહપુર વિસ્તારમાં ફેલાયેલી બદીને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.
વિજિલન્સ નો સપાટો છતાં સ્થાનિક પોલીસ સુધરતી નથી
સ્ટેટ મોનિટરિંગ સેલે આનંદનગરના કૃષ્ણધામ ઔડા આવાસમાંથી 356 બોટલ દારૂ અને બિયર કબજે કરી છે. આ દારૂના જથ્થા સાથે હર્ષદ ઠાકોર નામના બૂટલેગરની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ૧.૦૮ લાખનો દારૂ, 2 કાર અને 1 એક્ટિવા તથા મોબાઈલ ફોન સહિત ૭.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી સાથે સંડોવાયેલા સુરેશ ઠાકોર અને પૂર્વીલ ઠાકોર તથા અન્ય 3 ને પકડી પાડવા ચક્રો ગતિમાન કરાયા હતા. આરોપી મોબાઈલ ફોનથી ગ્રાહકોને સંપર્ક કરતા અને ગ્રાહક જ્યારે દારૂની બોટલ માંગતા ત્યારે ટુ વ્હીલર પર ગ્રાહકના ઘરે જઈ દારૂની ડિલિવરી કરતા હોવાનુ તપાસમાં સામે આવ્યું હતું. બીજી તરફ સ્ટેટ મોનીટરીંગ સેલે નારોલમાં શનિદેવ મંદિર પાસે આવેલ ચાર માળિયામાં જુગારધામ પર દરોડો પાડી ઇકબાલ ઉર્ફે શાહરૂખ શેખ, ફિરોઝ ખાન ઉર્ફે બડે પઠાણ , પરિમલ શાહ, તોફિક રંગરેજ અને મુકેશ દેવીપૂજકને જુગારધામ પરથી ઝડપી પાડયા હતા. જ્યાં સ્થળ પરથી ૧.૮૬ લાખની રોકડ સહિત કુલ ૨.૮૬ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. બીજીબાજુ જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી સુનીલ ઉર્ફે બટીયો, તેનો ભાગીદાર અસ્લમ સહિત ૮ લોકોને વોન્ટેડ જાહેર કરી તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા. સ્ટેટ મોનીટરીંગ સેલે સરદાર નગર વિસ્તારમાંથી ૫૨૪ દારૂ – બિયેરોની બોટલો સાથે મુખ્ય આરોપી પ્રકાશ ભાઈ ઉર્ફે પપ્પુ,પગાર પર રાખેલ વિક્કી ઉર્ફે અમર ,પરષોત્તમ ઉર્ફે ધરમુ અને રાહુલને ઝડપી પાડયા.જ્યારે દારૂ મોકલનાર લિસ્ટેડ બુટલેગર સાવનને વોન્ટેડ જાહેર કરાયો.હતો….