NIRF રેન્કિંગમાં સિવિલની ડેન્ટલ કોલેજ રાજ્યમાં પ્રથમ, દેશમાં 21મા ક્રમે


અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત સરકારી ડેન્ટલ કોલેજનો NIRF (નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક) રેન્કિંગમાં રાજ્યમાં પ્રથમ અને દેશમાં 21મો ક્રમ આવ્યો છે. સમગ્ર દેશમાં હાલ 313 સરકારી અને ખાનગી ડેન્ટલ કોલેજ છે. દર વર્ષે 40 કોલેજને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટિચિંગ ફેસિલિટી અને રિસર્ચ એક્ટિવિટીનું મુલ્યાંકન કરી રેન્કિંગ આપવામાં આવે છે. આ વર્ષે ગુજરાતની બે કોલેજના નામો પસંદ થયા છે.

કર્ણાવતી ડેન્ટલ કોલેજનો 37મો રેન્ક આવ્યો
ગુજરાતમાં બીજા નંબરે અને એનઆઈઆરએફ રેન્કિંગમાં 37મો રેન્ક કર્ણાવતી ડેન્ટલ કોલેજનો આવ્યો છે. કર્ણાવતી ડેન્ટલ કોલેજનો ગયા વર્ષે 31મો રેન્ક આવ્યો હતો.
સરકારી ડેન્ટલ કોલેજના ડિન ડૉ. ગીરીશ પરમારે કહ્યું કે, ગયા વર્ષે કોલેજનો એનઆઈઆરએફ રેન્કિંગમાં 36મો ક્રમ હતો, પણ આ વર્ષે 15 નંબર આગળ એટલે કે દેશમાં 21મો નંબર આવ્યો છે જેની ઘણી ખૂશી છે. કોલેજના ડૉક્ટર્સ અને સ્ટૂડન્ટ્સ દર્દીઓની સારવાર અને રિસર્ચ ક્ષેત્રે ખૂબ મહેનત કરે છે. તેમણે ઉમેર્યું કે, એ પ્લસ નેક એક્રિડેશનમાં કોલેજને 4માંથી 3.44 સ્કોર મળ્યા છે. આમ દેશમાં એક માત્ર સરકારી ડેન્ટલ કોલેજને આ ગ્રેડ મળેલો છે. રાજ્યની એકેય ડેન્ટલ કોલેજ પાસે નેક એક્રિડેશન નથી. કોલેજને એનએબીએચ સર્ટિફિકેટ અને પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.
સરકારી ડેન્ટલ કોલેજ સ્વાયત થવા માટે એલિજીબલ યુજીસીના 2023ના નવા નિયમ મુજબ એ ગ્રેડ અને એ પ્લસ ગ્રેડ નેક એક્રિડેશનવાળી સંસ્થાને કેન્દ્ર તરફથી સ્વાયતતા મળી શકે છે. આ માટે સરકારી ડેન્ટલ કોલેજ એલિજીબલ બની છે. યુજીસીના પોર્ટલ પર અરજી કરવી પડે છે. જોકે પહેલા રાજ્ય સરકાર પાસેથી મંજૂરી મેળવવી પડતી હોય છે.