બી.એસ.સી. નર્સિંગની ચોથા વર્ષની પરીક્ષામાં માનીતા વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ NSUI – યુથ કોંગ્રેસ દ્વારા પકડી પાડવામાં આવ્યું

• યુનિવર્સિટીના પરીક્ષા એસેસમેન્ટ સેન્ટરમાંથી 28 ઉત્તરવાહીઓ ગૂમ.
• શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો- ગુજરાત યુનિવર્સિટી શર્મશાર.
• કોંગ્રેસના પ્રતિનિધિમંડળ સમક્ષ કુલપતિશ્રીએ પોલીસ ફરિયાદ અને તટસ્થ તપાસની બાંહેધરી આપી.

ગુજરાત યુનિવર્સિટી અને વિવાદ જાણે પર્યાય બની ગયા છે. ત્યારે આજ રોજ NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા પેપરમાં પાસ કરાવવાનું કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી નાં બોટની વિભાગમાં પેપર એસેસમેન્ટ વિભાગમાં વહેલી સવારે 7 વાગે પહોંચી પરીક્ષા નિયામક અને રજીસ્ટ્રાર તેમજ કુલપતિની હાજરીમાં તપાસ કરાવવામાં આવી હતી કે B.Sc. નર્સિંગ નાં ચોથા વર્ષની ચાલી રહેલી પરીક્ષા જે પેપર નું નામ Midwifery & Obstetrical Nursing કે જે ગઈ કાલે એટલે તારીખ 10/07/2023 નાં રોજ સમય બપોરે 03 થી સાંજે 06 વાગ્યા દરમ્યાન ગુજરાત યુનિવર્સિટી નાં વિવિધ પરીક્ષા સેન્ટરો યોજાઈ એ પછી જેની ઉત્તરવહીઓ યુનિવર્સીટી નાં બોટની વિભાગ માં પેપર એસેસમેન્ટ માટે જમાં કરવામાં આવ્યા તે પછી એ વિભાગ માંથી રાતો-રાત યુનિવર્સીટી માંથી મળતીયાઓ દ્વારા જે વિદ્યાર્થીઓ પાસેથી પાસ કરાવવાના રૂપિયા લીધા છે તે વિદ્યાર્થીઓની ઉત્તરવહી વિભાગ માંથી ઉઠાવી વિદ્યાર્થીઓને રાતે લખવા ઘરે આપવામાં આવી જેની જાણ NSUI અને યુથ કોંગ્રેસના આગેવાનોને થતા આખી ઘટના સામે આવી હતી.
જેમાં પેપર 1 માં 14 અને પેપર 2 માં 14 એમ કુલ બને પેપર નાં સમાન 14 વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા હતા હંમેશા જ્યાં પેપર એસેસ્મેન્ટ થાય ત્યાં સી.સી.ટી.વી ફરજિયાત હોવા જોઈએ પણ પૂર્વ આયોજિત કાવતરું અને ગુનો હોવાથી તમામ કેમેરા પણ બંધ રાખવામાં આવ્યા હતા જેની જાણ બોટની વિભાગના વડાએ યુનિવર્સિટીના સત્તાધિશોને જાણ કરી હતી કે અમારા વિભાગમાં સીસીટીવી કેમેરા બંધ છે તેથી ચાલુ કરવા માટે જાણ કરી હતી. સમગ્ર કૌભાંડને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલની અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નાં મુખ્ય પ્રવકતા ડૉ. મનીષભાઈ દોશીની આગેવાની હેઠળ NSUI અને યુથ કોંગ્રેસના આગેવાનો સાથે ઉગ્ર વિરોધ સાથે કુલપતિને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
રજુઆત કરતા જણાવ્યું હતું કે, કોના કહેવાથી આ કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે ? કેટલા સમયથી ચાલે છે ? કઈ કઈ પરીક્ષાઓમાં આવા કૌભાંડ થાય છે ? તેની વહીવટી તપાસની માંગણી કરી હતી. નાની માછલી ને ટાર્ગેટ કર્યા વગર મોટા માથાઓ કે જે સરકારનાં માણસો આમાં સંડોવાયેલા છે ? શું આ કૌભાંડનાં તાર ગાંધીનગર મંત્રાલય સુધી અડે છે. શું આવી બધી પરિક્ષાઓમાં વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઈને પાસ કરવામાં આવે છે ? આ ઘટનામાં સામેલ તમામ ચમરબંધીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેમજ FIR કરી કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગણી કરી છે અને આ ઘટનામાં સામેલ તમામ અધિકારીઓને તાત્કાલિક ધોરણે દિવસ ત્રણ માં સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી હતી અને જો કોઈ પગલાં લેવામાં નહિ આવે તો NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.