નરોડામાં ગઠિયાએ સસ્તાભાવે એસી આપવાના બહાને મ્યુજીશિયન સાથે રૂ. 48 હજાર પડાવ્યા

ગઠિયાએ એસીનું બોક્સ તૂંટી ગયુ હોવાથી સસ્તાભાવે ઓનલાઇન વેચાણ કરીએ તેમ જણાવ્યુ હતુ
મ્યુજીશિયને ગઠિયા સામે પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવી
અમદાવાદ નરોડામાં મ્યુજીશિયને સોશિયલ મિડીયા પર જાહેરાત જોઇને સસ્તા ભાવે એસી લેવાની લાલચમાં ગઠિયાએ રૂ. 48 હજાર પડાવી લીધા હતા. જેમાં ગઠિયાએ એસીનું બોક્સ તૂટી ગયુ હોવાથી સસ્તાભાવમાં ઓનલાઇન વેચાણ કરીએ છીએ. તેમજ મારે એસીનો મોટો વેપાર છે આખા ગુજરાતમાં માલસામાન જાય છે. કહીને યુવકને વિશ્વાસમાં લીધો હતો. પરંતુ એસી કે રૂપિયા પરત ન કરતા મ્યુઝિશિયને ગઠિયા સામે પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે.
નરોડામાં રહેતા વિરલભાઇ ઠક્કર મ્યુજીશીયન તરીકે કામ કરે છે. તેમને એસી લેવાનું હોવાથી ગત 15 મેના દિવસે તેઓ ફેસબુકમાં એક જાહેરાત જોઇ હતી. ત્યારબાદ તેમને નંબર મેળવીને ફોન કર્યો હતો. ત્યારે ગઠિયાએ કહ્યુ કે મારે એસીનો મોટો વેપાર છે. આખા ગુજરાતમાં માલસામાન જાય છે. ત્યારે વિરલે જે કંપનીનું એસી રૂ. 34 હજારમાં મળે છે તે એસીની કિંમત રૂ. 24 હજાર કેમ છે પૂછતા ગઠિયાએ કહ્યુ કે આ એસીનું બોક્સ ફાટી ગયુ હોવાથી અમે સસ્તા ભાવમાં વેચાણ કરીએ છીએ. જે બાદ વિરલે બે એસીના ઓર્ડર આપ્યા હતા અને એસી પેટે કુલ રૂ. 48 હજાર ચૂકવી દીધા હતા. ત્યારે ગઠિયાએ કહ્યુ કે એસીની ડિલવરી બે-ત્રણ દિવસમાં થઇ જશે. પરંતુ ગઠિયાએ એસી ન મોકલીને બહાના બતાવીને કુલ રૂ. 48 હજારની ઠગાઇ આચરી હતી. આ અંગે વિરલે અજાણ્યા શખ્સ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોધાવી છે.