બે મહિનામાં પાંચ દર્દીઓની અત્યંત જટિલ સ્કોલિયોસીસ સર્જરી સફળતાપૂર્ણ પાર પાડવામાં આવી

55થી 75 ડિગ્રી વળેલી ખૂંધ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના તબીબોએ સર્જરી બાદ પૂર્વવત કરી
ખાનગી હોસ્પિટલમાં 4થી 5 લાખના ખર્ચે થતી આ ખર્ચાળ સર્જરી ગરીબ પરિવાર માટે અશક્ય જણાતા તેઓ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં સર્જરી અર્થે દાખલ થયા હતા
બે રાજસ્થાન, બે અમદાવાદ અને એક મધ્યપ્રદેશના દર્દીનું જીવન પીડામુક્ત બન્યું
અમદાવાદ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સર્જરી ઉપરાંત સર્જરી બાદના જીવનને પૂર્વવત બનાવવા માટેના પ્રયાસો હાથ ધરવામા આવે છે – ડૉ. પિયુષ મિત્તલ, ડાયરેક્ટર , સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ

અમદાવાદ સિવિલ મેડિસિટીની ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ. પિયુષ મિત્તલ દ્વારા બે મહિનામાં પાંચ સ્કોલિયોસીસ (કરોડરજ્જુ વાંકાપણા) ખૂંધ વળી જવાની સફળ સર્જરી કરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે, પાંચેય દર્દીઓને ખાનગી હોસ્પિટલમાંથી સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
બે રાજસ્થાન, એક મધ્યપ્રદેશ અને બે અમદાવાદના દર્દીઓ ઉપર અત્યંત જટીલ એવી સ્કોલિયોયીસ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.
આ પાંચેય દર્દીઓને ખૂંધનો ભાગ એક તરફ વળી જતા, કમરના ભાગ અને પગમાં અત્યંત દુખાવો રહેતો . હલન-ચલન અને રોજિંદી ક્રિયાઓમાં પણ તકલીફ વેઠવી પડતી હતી. વધુમાં આ દર્દીઓને સીધા સૂવામાં પણ તકલીફ પડતી હતી.
ખાનગી હોસ્પિટલમાં અંદાજિત 4થી 5 લાખના ખર્ચે થતી આ અત્યંત ખર્ચાળ સર્જરી કરાવવી આ તમામ ગરીબ દર્દીઓ માટે અશક્ય હતી. ખાનગી હોસ્પિટલમાંથી નિરાશા જાગતા તેઓને અમદાવાદ સિવિલ મેડીસિટીની સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં સાજા થવાનું આશાનું કિરણ જાગ્યું અને તેઓ પોતાની પીડા લઇને સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ પહોંચ્યા.

અમદાવાદ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ. પીયૂષ મિત્તલને આ પ્રકારની સર્જરી કરવાનો બહોળો અનુભવ હોવાથી તેમની કુશળતા અને કુનેહ આ તમામ દર્દીઓને નવજીવન બક્ષી ગઇ. ડૉ. મિત્તલે તેમની ટીમના સહયોગથી છેલ્લા બે મહિનામાં આ પાંચેય દર્દીઓની સ્કોલિયોસીસ સર્જરી કરીને ખૂંધને પૂર્વવત કરી છે.
ન્યુરોમોનીટરીંગના સહયોગથી ડૉક્ટરો દ્વારા આ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી. અંદાજે 55થી 75 ડિગ્રી વળી ગયેલી ખૂંધ આ તબીબોએ સર્જરી બાદ પૂર્વવત કરી છે. આજે આ તમામ દર્દીઓ સામાન્ય વ્યક્તિની જેમ જ હલન-ચલન કરી શકે છે.
આ સંદર્ભે સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ. પિયૂષ મિત્તલે કહ્યું હતુ કે, અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં દર્દીઓની સ્પાઇન સર્જરી કરીને પીડામુક્ત કરવા ઉપરાંત દર્દીઓ ફરી એક વખત પૂર્વવત બનીને જીવન જીવી શકે તે માટેની રીહેબિલેશનના પ્રયાસો પણ હાથ ધરવામાં આવે છે.
આ તમામ દર્દીઓની વિગતો જોઇએ તો , રાજસ્થાનના 13 વર્ષીય ભગવતીલાલ શર્મા અને સુનિલભાઇ માળી, મધ્યપ્રદેશના 18 વર્ષીય માયાબહેન ગયારી અને અમદાવાદનાં 17 વર્ષના મિલીબહેન યાદવ તેમજ 17 વર્ષના શિવાનીબહેન ગેહલોતને સ્કોલીઓસીસની સર્જરી દ્વારા પીડામુક્ત કરવામાં આવ્યાં છે.