કેટલા લોકો ડોક્ટર તો બની ગયા પણ દર્દી પ્રત્યેની કરુણા નેવે મૂકી દીધી! જુઓ ડોકટર્સ થયાની ઉજવણી

ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(D) અન્વયેના હુકમનું ઉલ્લંઘન
રાત્રે 10થી સવારના 1 વાગ્યા દરમ્યાન ધ્વનિપ્રદૂષણના કરવાના નિયમનું પણ ઉલ્લંઘન
સામાન્ય રીતે કોઈપણ હોસ્પિટલથી 100 મીટરના અંતરમાં કોઈપણ વ્યક્તિ દ્વારા ફટાકડા ફોડીને ધ્વનિ પ્રદુષણના કરી શકે. પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દવા નહીં પરંતુ કાયદો ઘોળીને પીવામાં આવી રહ્યો છે. રાત્રે 12 વાગ્યાના સમયે પણ કેટલાક ડોકટર્સ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા અને પોતાના ઉત્સાહના અતિરેકમાં દર્દીઓની પીડા અને સરકારના ધ્વનિ પ્રદૂષણના નિયમોને નેવે મુક્યા.
21મી જુલાઈના રાત્રિના સમયે કેટલાક લોકો દ્વારા પ્રતિબંધિત વિસ્તાર એટલે કે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ફટાકડા ફોડ્યા જેનો વિડીયો દર્દીના સગા દ્વારા બનાવવામાં આવ્યોઃ અને સમગ્ર બાબતે સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી કામ કરતી જી.આઈ.એસ.એફ એજન્સીના કર્મચારીઓને રજુઆત કરી પણ નાનો ચોકીદાર મસમોટા ડોકટર્સ વિરુદ્ધ કઈ રીતે જાય. ત્યારે દર્દીના સગાએ સિવિલના સત્તાધીશોને સમગ્ર બાબતે ફરિયાદ કરવાનું મન બનાવ્યું પરંતુ કહેવાય છે ને કાગડો કાગડાને ના ખાય તેમ વિચારીને વિડીયો વાયરલ કર્યો.
સિવિલ હોસ્પિટલ ધ્વનિ પ્રદુષણ અને નિયમોના ઉલ્લંઘન બાબતે ધી મોબાઇલ ન્યુઝ દ્વારા સિવિલ હોસ્પિટલ અધિક્ષક ડો. રાકેશ જોશીને સમગ્ર બાબતે જવાબ માંગ્યો ત્યારે તેઓ જણાવ્યું કે, વિડીયો પીજી હોસ્ટેલનો છે માટે જવાબદારી પીજી હોસ્ટેલ ડિરેક્ટરની આવે.
બીજી તરફ પીજી હોસ્ટેલ ડિરેકટર મીનાક્ષીબેન દ્વારા ધી મોબાઈલ ન્યુઝ ને સમગ્ર બાબતે ઢાંક પીછોડા કરતા જણાવ્યું કે ડૉક્ટર્સની પરીક્ષાનું પરિણામ આવ્યું માટે કેટલાક ડોકટર્સ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હશે. તે બાબતે જુનિયર ડોકટર્સ સાથે પૂછપરછ કરવામાં આવશે. પરંતુ કાયદેસરની કાર્યાવાહી બાબતે જવાબ આપવાનું ટાળ્યું હતું.
ડોકટર્સ દ્વારા માત્ર ફટાકડા જ નહીં પરંતુ રોકેટ પણ ફોડવામાં આવ્યા જ્યાં જીવન મરણ વચ્ચે સૌ પ્રથમ કામ આવતી એમ્બ્યુલન્સો પડી હતી ત્યાં છોડવામાં આવતા હતા. સદભાગ્યે કોઈ વાહનને ફટાકડા અને રોકેટના કારણે નુક્શાન થયું નથી. પરંતુ જે પ્રકારે ડોકટર્સ દ્વારા ધ્વનિ પ્રદૂષણના સરકારી નિયમો નેવે મુકવામાં આવ્યા તે અનેક સવાલો ઉભા કરે છે.