રાજકોટ સોની બજારમાંથી અલ-કાયદાના ત્રણ આતંકીની ધરપકડ! મોટો હુમલો કરવાની તૈયારીમાં જ હતા

આતંકીઓની સાથે સંપર્કમાં રહેનારા દસ શંકાસ્પદોને પણ ઉઠાવી લેતી એટીએસ
સોની બજારમાં છેલ્લા 9 મહિનાથી સોનાનું મજૂરીકામ કરનારા અમન, અબ્દુલ શકુર અને સૈફ નવાઝ નામના યુવકોની ધરપકડ
પીસ્તલ-જીવતા કાર્ટિસ સહિતના હથિયારો મળ્યા

રાજકોટમાં લોકોની અવર-જવરથી હંમેશા ભરચક્ક રહેતા એવા સોની બજાર વિસ્તારમાંથી ગુજરાત એટીએસ દ્વારા અલ-કાયદા સાથે જોડાયેલા અને તેના માટે કામ કરી રહેલા ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. બીજી બાજુ પ્રારંભીક પૂછપરછમાં એવો પણ ખુલાસો થયો છે કે આ લોકો રાજકોટ કે અન્ય કોઈ સ્થળે હુમલો કરવાની તૈયારી જ કરી રહ્યા હતા જે અંગેની જાણ થઈ જતાં એટીએસની ટીમે ક્ષણભરનો વિલંબ કર્યા વગર સોનીબજારમાં ત્રાટકીને ત્રણેય આતંકીઓ તેમજ તેના સંપર્કમાં રહેનારા દસેક જેટલા લોકોની ધરપકડ કરી લીધી છે
એટીએસે સોનીબજારમાં યોગી ચેમ્બર અને જે.પી.ટાવરમાં આતંકી ગતિવિધિ ચાલી રહ્યાની બાતમી ગુજરાત એટીએસને મળી હતી. આ બન્ને ટાવરમાં મોટી સંખ્યામાં બંગાળથી આવેલા કારીગરો સોનાનું છૂટક મજૂરી કામ કરતા હોય છે જેમાંથી અમુક લોકો અલ-કાયદા જેવા ખૂંખાર આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે અને તેના માટે યુવકોનું બ્રેઈનવોશ કરવા સહિતની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આ પછી એટીએસે બન્ને સ્થળે એક સાથે રાત્રે અગીયાર વાગ્યાના અરસામાં દરોડો પાડીને અલ-કાયદા સાથે જોડાયેલા અમન, અબ્દુલ શકુર અને સૈફ નવાઝ નામના શખ્સોની ધરપકડ કરી લીધી હતી. આ ઉપરાંત તેની સાથે સંપર્કમાં રહેનારા કાઝી આલમગીર, તેનો સાળો સહિતના દસેક લોકોની ધરપકડ કરી હતી.
છ મહિનાની અંદર દસથી વધુ મુસ્લિમ યુવકોનું બ્રેઈનવોશ કરીને તેમને હુમલા માટે તૈયાર કરવાની ચાલી રહી હતી પ્રવૃત્તિ: બાંગ્લાદેશ તેમજ પાકિસ્તાન સાથે તાર જોડાયેલા હોવાની આશંકા-એટીએસના સત્તાવાર સૂત્રો
જો કે આ તમામ કાર્યવાહી મોડીરાત્રે કરવામાં આવી હોવાથી લગભગ બજારના સૌ વેપારીઓ અજાણ રહ્યા હતા અને જેવી સવાર પડી કે સોનીબજારમાંથી આતંકીઓ પકડાયા હોવાની વાત વહેતી થતાં જ વેપારીઓમાં ઉહાપોહ મચી ગયો હતો અને સવારે 10 વાગ્યાથી જ બજારમાં ટોળેટોળા એકઠાં થવાનું શરૂ ગયું હતું. દરમિયાન એટીએસના સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે પકડાયેલા લોકો સોની બજારમાં છેલ્લા પાંચથી દસ વર્ષ થયા સોનાનું મજૂરી કામ કરી રહ્યા છે. જો કે અમન, અબ્દુલ શકુર અને સૈફ નવાઝ કે જે અલ-કાયદા સાથે સંકળાયેલા છે તે અહીં જ કામ કરતાં કોલકત્તા સહિતના લોકો સાથે સંપર્ક વધારીને તેમનું બ્રેઈનવોશ કરી રહ્યા હતા. એટીએસે દરોડો પાડ્યો ત્યારે આ લોકો પાસેથી પીસ્તલ, જીવતા કાર્ટિસ સહિતના હથિયારો મળી આવ્યા હતા. આ લોકો છ મહિનાની અંદર દસથી વધુ મુસ્લિમ યુવકોનું બ્રેઈન વોશ કરીને તેમને હુમલા માટે તૈયાર કરવાનું કામ કરી રહ્યા હતા. આ લોકોના તાર બાંગ્લાદેશ તેમજ પાકિસ્તાન સાથે સંકળાયેલા હોવાની આશંકાને પગલે એટીએસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. બીજી બાજુ આ લોકોના ઈરાદાઓ શું હતા, કોની કોની સાથે સંપર્કમાં હતા તે સહિતના મુદ્દે એટીએસ દ્વારા પત્રકાર પરિષદ યોજીને સત્તાવાર વિગતો પણ જાહેર કરવામાં આવી છે. બીજી બાજુ આ ઓપરેશન એટીએસના એસપી સુનિલ જોષી, ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય સહિતના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું છે અને તમામ અધિકારીઓએ ગતરાતથી જ રાજકોટમાં મુકામ કર્યો છે. આતંકીઓની ધરપકડ કરીને તેમને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટમાં આતંકી સંગઠનનો પર્દાફાશ
સોની બજારમાં ગઈકાલે મોડી રાત્રે એટીએસ દ્વારા કાર્યવાહી બાદ આજે સવારથી બજારમાં ભારે ભીડ જામી હતી. ઉપરોક્ત તસ્વીરમાં ત્રણ આતંકીઓ જેઓને ATS ઝડપ્યા હતા તેઓની તસવીર છે ત્યારબાદ બાજુની તસવીરમાં અફઝલ નામનો એક વ્યક્તિ જે આલમ સાથે કામ કરે છે, તેની એની બાજુમાં સોની બજારમાં જે.પી. ટાવરની બહાર ભીડ જામી હતી બાજુની તસવીરમાં જે.પી.ટાવર અને નીચેની તસવીરોમાં જે રૂમ રાખીને બંગાળી કારીગરો છેલ્લા 9 મહિનાથી સોની બજારમાં કામગીરી કરી રહ્યા હતા તે નજરે પડે છે.
પકડાયેલો સૈફ નામનો આતંકી ખત્રીવાડના શ્રીકૃષ્ણ કુંજ નામના મકાનમાં રહેતો’તો
એટીએસના હાથે દબોચાઈ ગયેલો આતંકી સૈફ ખત્રીવાડમાં જુમ્મા મસ્જિ પાસે આવેલા શ્રીકૃષ્ણ કુંજ નામના મકાનમાં છથી સાત મહિનાથી રહેતો હોવાની વાતો વહેતી થઈ છે ત્યારે હવે આ મામલે મકાન માલિકે કોઈ પ્રકારની નોંધ કરાવી હતી કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.
જે.પી.ટાવરમાંથી પકડાયેલો મોન્ટુ ઉર્ફે આલમગીર રાજકોટમાં જ પત્ની-બાળકો-સાળા સાથે રહે છે
આતંકીઓ અમન, અબ્દુલ શકુર, સૈફ નવાઝ સાથે સંપર્ક રાખનાર અને જે.પી.ટાવરમાં 303 નંબરની દુકાન ભાડેથી રાખનાર મોન્ટુ ઉર્ફે આલમગીરી છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં જ પત્ની-બાળકો અને સાળા આકાશ સાથે રહે છે. જો કે અહીં આસપાસ રહેતા લોકોની પૂછપરછ કરવામાં આવતાં કોઈને આ બાબતનો ખ્યાલ ન્હોતો કે મોન્ટુ ઉર્ફે આલમગીરી આતંકી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે ! ઉલટાનું તેની આજુબાજુમાં દુકાન ધરાવતાં લોકોએ તો તેના વખાણ પણ કરી નાખ્યા હતા.
આતંકીઓની ધરપકડ થતાં પરિવાર હતપ્રભ: કોઈને ખબર ન્હોતી કે દેશવિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા’તા
પકડાયેલા ત્રણ આતંકીઓ અને તેની સાથે સંપર્ક રાખનારા દસેક લોકો મોડીરાત સુધી ઘેર નહીં આવતાં પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. આ પછી નજીકના પોલીસ મથકે પહોંચતાં તેમને ખબર પડી હતી કે તેમના પરિવારના લોકોની આતંકી પ્રવૃત્તિ બદલ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ અંગેની જાણ થતાં જ તમામ હતપ્રભ થઈ ગયા હતા સાથે સાથે એમ પણ કહ્યું હતું કે અમને જરા અમથી ખબર ન્હોતી કે આ લોકો દેશવિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા હતા.