શહેરમાં નવા પોલીસ કમિશનરની ચાર્જ સંભાળતા ગેરકાયદે ચાલી રહેલી પ્રવૃત્તિઓ પર લાલ આંખ

પીસીબીએ ઇંગલિશ – દેશી દારૂ પર બોલાવી તવાઈ
છેલ્લા ત્રણ દિવસોમાં ૧૦ આરોપીઓને પાસા કરી જેલમાં મોકલાયા
શહેર પોલીસ કમિશનર તરીકે જી.એસ મલિકે ચાર્જ સંભાળતા ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. પિસિબી દ્વારા 3 દિવસમાં ઈંગ્લીશ અને દેશી દારૂ પર રેડ કરવામાં આવી હતી. જેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ કમિશનર દ્વારા 10 આરોપીની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા એક પણ પાસા કરવામાં આવી નહોતી.
નવા પોલીસ કમિશનર આવતા પિસીબી દ્વારા બાપુનગરમાં પ્રકાશ પેટ્રોલ પંપની સામે આવેલી ચાલીમાં દેશી દારૂના સ્ટેન્ડ પર રેડ કરવામાં આવી હતી. જ્યાં 65 લીટર દેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દેશી દારૂના જથ્થા સાથે અબ્દુલગફુર શેખની ધરપકડ કરી છે. જ્યારે અન્ય 2 આરોપી ફરાર છે. 3 ઓગસ્ટે શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં હંજર સિનેમા પાછળ ઈંગ્લીશ દારૂ કબ્જે કર્યો છે. ઈંગ્લીશ દારૂની 351 બોટલ કબ્જે કરી હતી. 70,000 રૂપિયાના દારૂ સાથે મોહમ્મદસગીર કુરેશીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય 4 આરોપી ફરાર છે.ઉલ્લેખનિય છે કે ચાર્જ સાંભળતા નવનિયુક્ત પોલીસ કમિશનરે શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તેનું પૂરતું ધ્યાન અપા શે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ નહિ ચલાવી લેવાય તેમજ તેના માટે જે પણ જવાબદાર ઠેરવાશે તેની સામે કડક પગલાં લેવાશે તેવા સ્પષ્ટ સૂચનો પણ આપ્યા હતા.
10 આરોપીઓને પાસા હેઠળ અલગ અલગ જેલોમાં મોકલાયા
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલિકે જુદા જુદા પોલીસ સ્ટેશનના શરીર, મિલકત સંબંધી અને પ્રોહિબિશન સહિતના ગુનાના 1 ઓગસ્ટે 1, 2 ઓગસ્ટે 6 અને 3 ઓગસ્ટે 3 એમ કુલ 10 આરોપીઓને ઝડપીને પાસા હેઠળ ધકેલી દીધા છે. તમામ આરોપીઓને સુરત,વડોદરા અને રાજકોટ જેલમાં મોકલવામાં આવ્યા છે.