જાણો યુનિવર્સિટી ટોપર થયેલા શિક્ષક વિશે! ચલાવી રહ્યા છે, Class without Walls!


કહેવાય છે કે શિક્ષણએ સમાજમાં આશાવાદ ઉભો કરવાનું સૌથી મહત્વનું માધ્યમ છે. વ્યક્તિના જીવન ઘડતરમાં શિક્ષકની પાયાની ભૂમિકા રહેલી છે. શિક્ષક ફ્કત ભણાવવા પુરતો સિમિત ન રહેતા વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનિર્માણની ત્રિસ્તરીય જવાબદારી નિભાવતો હોય છે. વિદ્યાર્થીના વ્યક્તિત્વ તમામ પાસા ખુલે અને વિદ્યાર્થીમાં ફક્ત સ્વકેન્દ્રી ન રહેતા સમાજકેન્દ્રીત બને એ માટે શિક્ષક સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. શિસ્ત, ક્ષમા અને કરુણાનો સમન્વય ધરાવતા પારસમણિ સમાન શિક્ષક માટે ભારતરત્ન અને ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામે જણાવ્યુ છે કે શિક્ષણ એ એક ખૂબ જ ઉમદા વ્યવસાય છે જે વ્યક્તિના પાત્ર, ક્ષમતા અને ભવિષ્યને આકાર આપે છે. જો લોકો મને એક સારા શિક્ષક તરીકે યાદ કરશે તો તે મારા માટે સૌથી મોટું સન્માન હશે.

ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમના જન્મદિવસે એટલે કે પાંચમી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષકની ભૂમિકાનું યુવા ઘડતર, સમાજ ઘડતર તેમજ તે થકી રાષ્ટ્ર ઘડતરમાં રહેલ નોંધનીય મહત્વને જોતા આજે વાત કરવી છે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેનાર, વિદ્યાર્થીઓને સતત પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડનાર આવા જ એક શિક્ષકની. જી હા! આજે વાત કરવી છે ખેડા જિલ્લાના કઠલાલ ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ માં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પ્રોફેસર પરેશ પટેલની!

સમાજશાસ્ત્ર વિષય સાથે પોતાની શૈક્ષણીક કારકીર્દિની શરુઆત કરનાર પ્રો.પરેશભાઈ પટેલે સ્નાતક અને અનુસ્નાતક બંને કક્ષાએ યુનિવર્સીટી ટોપ કરેલ છે. ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિદ્યાભવન ખાતે સમાજશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતકમાં યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ સ્થાન હાંસલ કરવા બદલ તેમને રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદની ગરિમામય ઉપસ્થિતિમાં સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવેલ. હાલમા પ્રો.પરેશભાઈ પટેલ “ગુજરાતી સાહિત્યના સુધારક યુગ દરમિયાન દલપતરામ, નર્મદ અને કરસનદાસ મૂળજી જેવા અગ્રગણ્ય સમાજ સુધારકોના સાહિત્યમાં વ્યક્ત થતા સામાજિક દૃષ્ટિકોણ” વિષય પર પીએચડી કરી રહ્યા છે.
પરેશભાઈએ જુદી જુદી સરકારી પરીક્ષા પાસ કરીને સરકારના વિભિન્ન વિભાગોમાં પણ જવાબદારીઓ નિભાવી છે. પરંતુ તેમનો મુળ જીવ શિક્ષકનો હોવાથી પોતે સારા એડમિનિસ્ટ્રેટર હોવા છતાં એકેડેમીશીયન તરીકે રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડાવવાની ખેવના અંતે તેમને અધ્યાપક તરીકેના કાર્યમાં ખેંચી લાવી અને આજે તેઓ ખેડા જિલ્લાની સરકારી કોલેજમાં અધ્યાપક તરીકે વિદ્યાર્થીઓનું ઉમદા ઘડતર કરી રહ્યા છે.
શિક્ષક પોતે વિદ્યાર્થીઓના ઘડતર થકી સમગ્ર રાષ્ટ્રનું ઘડતર કરતા હોય છે. ભારત સરકારની નવી શિક્ષણનીતીમાં વિદ્યાર્થીઓને ફક્ત પુસ્તકીયા જ્ઞાનમાંથી બહાર કાઢી પ્રવૃતિશીલ શૈક્ષણિક અભિગમ પર ભાર મુકવા જણાવાયુ છે. પરેશભાઈ પટેલ શિક્ષણને Claas without Walls ના અભિગમથી પિરસે છે. વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સામાજિક ઉત્કર્ષને લગતી પ્રવૃતિઓમાં જોડવાનો વિશેષ આગ્રહ રાખે છે. તેઓ રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત કોલેજનાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા, સર્વધર્મસમભાવ, વૃક્ષારોપણ, પર્યાવરણ અંગેની જાગૃતિ, એઇડ્સ અંગે જાગૃતિ, બ્લડ ડોનેશન કેમ્પ, થેલેસેમિયા તપાસ, અંધશ્રદ્ધા નાબુદી, બેન્કિંગ અવેરનેસ, આકાશદર્શન જેવા સકારાત્મક કાર્યોમાં સતત વ્યસ્ત રાખે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ તેઓ સતત માર્ગદર્શિત કરતા રહે છે.
પ્રો. પરેશ પટેલને ચૂંટણીલક્ષી જાગૃતિ પરત્વે કરાયેલ કામગીરીને અનુસંધાને સમગ્ર જિલ્લામાં ઉત્તમ કામગીરી કરવા બદલ જિલ્લા કલેકટરશ્રી, ખેડા દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે.
વિદ્યાર્થીઓ સાંપ્રત સામાજિક પ્રવાહોથી પરિચિત થાય તેમજ તે અંગે પોતાના વિચારો વ્યક્ત કરે તે આશયથી કોલેજ ખાતે દર શનિવારે ‘શનિસભા’ નામે યુવા સંવાદનું આયોજન કરે છે. જેનાથી વિદ્યાર્થીઓના જ્ઞાન વર્ધન સાથે આત્મવિશ્વાસના ગુણો ખીલે છે.
સમાજશાસ્ત્ર વિષયને વ્યવહારિક અભિગમ થકી સમજાવવા અને વિદ્યાર્થીઓ વિભિન્ન સામાજિક બાબતોથી વાકેફ કરવા પરેશભાઈ તેમના વિદ્યાર્થીઓને વિભિન્ન સ્થળોની મુલાકાતે પણ લઈ જાય છે. સતત ઉમદા કાર્યો થકી વિદ્યાર્થીઓને પોતાના જીવનની સાચી દિશા આપતા આવા ઉમદા શિક્ષકોને વંદન છે.