અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં મંજૂરી વિના ચાલતી લિકર શોપ

પ્રોહીબિશન એન્ડ એકસાઇઝ વિભાગે નોટિસ ફટકારી
ગુજરાત માં કડક દારૂબંધી છે તો બીજીબાજુ પોલીસ પણ દારૂબંધીનો કડક અમલ કરાવી રહી છે ત્યારે ચોંકાવનારી વાત એ છે કે અમદાવાદ એરપોર્ટ ઉપર ચાલતી ડ્યૂટી ફ્રી લિકર શોપ ઘણાં લાંબાથી મંજૂરી વિના જ એટલે કે ગેરકાયદેસર ચાલતી હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે રાજ્યના પ્રોહીબિશન એન્ડ એકસાઈઝ વિભાગે નોટિસ ફટકારી અઠવાડિયે એરપોર્ટ ની ડ્યુટી ફ્રી લિકર શોપને તાળા મરાવી બંધ કરાવી હોવાનું જાણવા મળ્યું છે.
શહેરમાં નવા પોલીસ કમિશનર આવ્યા બાદ દારૂબંધીનાં કડક અમ્લના આદેશ જારી કરાયા છે. તો બીજીબાજુ ચોરી ચુપકે દારૂ નું વેચાણ કરતાં મોટા બૂટલેગરો અન્ડરગ્રાઉન્ડ થઈ રહ્યાં છે અને ચોરી છુપીથી જગ્યા બદલી દારૂનો ધંધો કરાતો હોવાનું જાણવા મળ્યું છે.
લગભગ કંઈક આવી જ સ્થિતિ અમદાવાદ એરપોર્ટ ઉપર જોવા મળી છે. અમદાવાદ એરપોર્ટ ના આંતરરાષ્ટ્રીય ટર્મિનલ ખાતે ની ડ્યુટી ફ્રી લિકર શોપ ઉપર ગેરકાયદેસર દારૂનું વેચાણ થયાનું ધ્યાને આવતાં પ્રોહીબિશન એન્ડ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટ એ ડ્યુટી ફ્રી લિકર શોપ ચલાવતી કંપની ને નોટિસ ફટકારી છે
સૂત્રો અનુસાર, રાજ્યમાં લિકર પ્રોહીબિશન છે. આથી ડ્યુટી ફ્રી શોપ ઉપર દારૂનું વેચાણ કરવા માટે સરકાર ના પ્રોહીબિશન એન્ડ એકસાઈઝ વિભાગ નું ના વાંધા નું પ્રમાણપત્ર લિકર શોપ ચલાવતી સંસ્થાએ લેવું પડે. જોકે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટ ઉપર વર્ષોથી ફ્લેમિંગો નામની કંપની દ્વારા ડ્યુટી ફ્રી શોપ ચલાવાતી હતી. જેના બદલે હવે આ કામગીરી મુંબઈ ટ્રાવેલ રિટેઇલ નામની કંપનીને આપી દેવામાં આવ્યું છે. અને આ નવી કંપની પ્રોહીબિશન એન્ડ એક્સાઈઝ વિભાગ ની મંજૂરી વિના વર્ષ 2022 થી ડ્યુટી ફ્રી લિકર શોપ ચલાવે છે અને તેના ઉપર પેસેન્જરો ને દારૂનું વેચાણ પણ કરે છે. આમ મંજૂરી વિના જ ગેરકાયદે ડ્યુટી ફ્રી શોપ ઉપર છેલ્લા કેટલાય સમયથી દારૂ વેચાતો હતો. જે બાબત ધ્યાનમાં આવતાં પ્રોહીબિશન એન્ડ એકસાઇઝ વિભાગે નોટિસ ફટકારી તાત્કાલિક ધોરણે એરપોર્ટ ની ડ્યુટી ફ્રી લિકર શોપને તળા મારી દીધાં છે.