સિવિલ હોસ્પિટલમાં કેન્ટીન ના પેટા કોન્ટ્રાકટ ની ફરિયાદ મામલે તપાસ શરૂ.
ગેરરીતિ કરનાર સંસ્થાને બ્લેકલિસ્ટ કરવાના બદલે ફરી એક વખત ટેન્ડર ફાળવવામાં આવ્યાની ચર્ચા
અમદાવાદ:
સિવિલ હોસ્પિટલમાં પેટા કોન્ટ્રાક્ટથી ચાલતી કેન્ટીન બાબતે પેટા કોન્ટ્રાકટર જીજ્ઞેશ ગુપ્તા દ્વારા ફરિયાદ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસનો દૌર શરૂ કર્યો છે. પરંતુ જે સંસ્થા શ્રીરામ એન્ટરપ્રાઇઝ પર ગેરરીતિ અને નિયમોને નેવે મૂકવાનો આક્ષેપ થયો તેને જ ફરી એક વખત ટેન્ડર ફાળવવામાં આવ્યું હોવાની ચર્ચા ત્યારે દાળમાં કાળું હોવાની વાત બહાર આવી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સૂત્રોનું માનીએ તો, નિયમો પ્રમાણે કોઈપણ સંસ્થા કે વ્યક્તિ ને કોન્ટ્રાક્ટ મળ્યો હોય તે અન્યને પેટા કોન્ટ્રાક્ટ ના આપી શકે. જીજ્ઞેશ ગુપ્તાની ફરિયાદ પણ કંઇક એવી જ છે જેમાં સ્પષ્ટ આરોપ લગાવવામાં આવ્યો છે કે, શ્રીરામ એન્ટરપ્રાઇઝ પાસે કેન્ટીન એટલે કે ખાણીપીણી કિઓસ્ક ચલાવવાની મંજુરી હતી. પરંતુ શ્રીરામ એન્ટરપ્રાઇઝ ના સુરેશ દિવાકર દ્વારા બધા નિયમો નેવે મૂકીને પેટા કોન્ટ્રાક્ટ જીજ્ઞેશ ગુપ્તાને સોંપ્યો અને ત્યાર બાદ મસમોટું શોષણ પણ કર્યું.
ત્યારે પેટા કોન્ટ્રાકટ આપનાર સંસ્થા શ્રીરામ એન્ટરપ્રાઈઝ અંગે કેટલીક વધુ વિગતો નો વહીવટી વિભાગના સૂત્રોએ ઘટસ્ફોટ કર્યો છે. વહીવટી વિભાગના સૂત્રો મુજબ અગાઉ શ્રીરામ એન્ટરપ્રાઈઝ દ્વારા કેટલીક કેન્ટીનો ઉંચા ભાડે લીધાં બાદ સરેન્ડર કરી દેવાઈ હતી. જોકે નિયમાનુસાર આ પ્રકારે ઉંચા ભાડે કેન્ટીન લઈ સરેન્ડર કરનાર સંસ્થાની અન્ય કેન્ટીનોની કામગીરી બંધ કરાવવી જોઈએ. પરંતુ કેટલાક અધિકારીઓ ની દોરીસંચાર ને લીધે શ્રી રામ એન્ટરપ્રાઈઝ સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી ન હતી અને ટી બી હોસ્પિટલ (સ્ટોલ નમ્બર 9) પાસે અને જૂના ટ્રોમાં સેન્ટર સામેની કેન્ટીન (કીઓસ્ક) કોનાં ઈશારે ચાલુ રહેવા દેવા આવી એ તપાસ નો વિષય છે.
ચોંકાવનારી વાત એ સામે આવી છે કે શ્રીરામ એન્ટરપ્રાઈઝ દ્વારા ટી બી હોસ્પિટલ (સ્ટોલ નં 9) પાસેની અને જૂના ટ્રોમાં સેન્ટર સામે ની કેન્ટીન (કીઓસ્ક ) નું ભાડું પણ નિયમિત ભરવામાં આવતું ન હતું. જે મામલે ફરિયાદો થતાં સિવિલ હોસ્પિટલના મેડીકલ સુપરિટેન્ડન્ટ ને ધ્યાને આવી હતી. જેથી સુપરિટેન્ડન્ટ એ શ્રીરામ એન્ટરપ્રાઈઝ ને જુલાઈ મહિનામાં બાકી ભાડું ભરી દેવા નોટિસ ફટકારવામાં આવી.
તો હાલ શ્રીરામ એન્ટરપ્રાઇઝ ના સુરેશ દિવાકર પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી ભૂગર્ભમાં જતા રહ્યા છે.
જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના વહીવટી સૂત્રોનું માનીએ તો જીજ્ઞેશ ગુપ્તાની ફરિયાદ બાબતે માત્ર લીપાપોથી થઈ છે અને સિવિલ હોસ્પિટલ અને સરકાર સાથે શ્રીરામ એન્ટરપ્રાઇઝ દ્વારા છેતરપિંડી થયા બાદ પણ નવેસરથી થયેલ ટેન્ડર પ્રક્રિયામાં કેન્ટિનના ટેન્ડર શ્રીરામ એન્ટરપ્રાઇઝ ને જ લાગ્યા ની ચર્ચા છે.
અહી નિયમ પ્રમાણે જો શ્રીરામ એન્ટરપ્રાઇઝ દોશી સાબિત થાય તો તેને બ્લેક લીસ્ટ જાહેર કરવામાં આવે પરંતુ અહી સુરેશ દિવાકર શ્રીરામ એન્ટરપ્રાઇઝ ને કેન્ટિન નું ટેન્ડર ફાળવવામાં આવવાની ચર્ચાએ અનેક તર્ક વિતર્કો ઉભા થઇ રહ્યા છે.