અશ્રુભીની આંખે પરોપકારની મિશાલ: મંજુલાબેનનો એક નિર્ણય અને બે પરિવારોમાં છવાઈ ખુશી
સેવાના શિખરે સિવિલ હોસ્પિટલ: ૨૨૮મા અંગદાન સાથે માનવતાનો અવિરત પ્રવાહ : અંગદાનના માધ્યમથી ગીરવતભાઇ અમર બન્યા
“ગીરવતભાઇ ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના અંગો થકી અનેક પરિવારોમાં ફરી આશા, ખુશી અને જીવનના શ્વાસ ફેલાયા છે.” — ડો. રાકેશ જોશી

અમદાવાદ: 11, ફેબ્રુઆરી, 2026
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર માનવતાએ મૃત્યુ પર વિજય મેળવ્યો છે. ગામ અરદી, ઉમરેઠ, આણંદ જિલ્લાના ઉમરેઠના રહેવાસી ૪૫ વર્ષીય ગીરવતભાઇ સોઢા પરમારના અંગદાન થકી બે ગંભીર દર્દીઓને નવજીવન પ્રાપ્ત થયું છે. તારીખ ૭ ફેબ્રુઆરીના રોજ નડિયાદ નજીક સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં ગીરવતભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રથમ નડિયાદ અને ત્યારબાદ વધુ સારવાર માટે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આઈ.સી.યુ.માં તબીબો દ્વારા સતત સઘન સારવાર આપવા છતાં ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ તેમને ‘બ્રેઇન ડેડ’ જાહેર કરવામાં આવ્યા હતા.
જ્યારે ડોક્ટરોએ ગીરવતભાઇના નિધન અને બ્રેઇન ડેડ હોવાની જાણકારી પરિવારને આપી, ત્યારે મંજુલાબેન પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો. પતિના અકાળે અવસાનના આઘાત વચ્ચે પણ પત્ની મંજુલાબેન અને પુત્ર રજનીકાંત ભાઈએ જે માનસિક મક્કમતા બતાવી તે વિરલ છે. પોતાના અંગત સ્વજનને કાયમ માટે ગુમાવવાના શોકને બાજુ પર મૂકીને તેમણે અંગદાનનો ઐતિહાસિક નિર્ણય લીધો. તેમના આ નિર્ણયથી મૃત્યુની રાહ જોઈ રહેલા બે દર્દીઓના જીવનમાં આશાનો પ્રકાશ ફેલાયો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રાકેશ જોશીએ આ અંગદાન વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગીરવતભાઇના અંગદાન દ્વારા મળેલું લીવર અને એક કિડની સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપિત કરવામાં આવશે. આ માત્ર અંગોનું ટ્રાન્સપ્લાન્ટ નથી, પરંતુ મૃત્યુ સામે ઝઝૂમી રહેલા દર્દીઓ માટે એક નવી સવાર છે.

અંગદાનના સેવાયજ્ઞની ફલશ્રુતિ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની પ્રવૃત્તિ એક વિશાળ વટવૃક્ષ બની ચૂકી છે. હોસ્પિટલના સત્તાવાર આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં થયેલી કામગીરીની વિગત નીચે મુજબ છે:
• કુલ સફળ અંગદાન: અત્યાર સુધીમાં ૨૨૮ બ્રેઇન ડેડ વ્યક્તિઓના પરિવારોએ અંગદાન કરીને માનવતાની મિશાલ રજૂ કરી છે.
• કુલ દાનમાં મળેલા અંગો: આ ૨૨૮ અંગદાન થકી કુલ ૭૫૪ અંગો પ્રાપ્ત થયા છે.
• અંગો અને પેશીઓનો કુલ આંક: જો અંગોની સાથે ૧૮૦ ચક્ષુ અને ૩૭ ચામડી (કુલ ૨૧૭ પેશીઓ) ને ઉમેરવામાં આવે, તો સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૯૭૧ અંગો અને પેશીઓનું દાન શક્ય બન્યું છે.
વિવિધ અંગોના દાનની વિગતો: હોસ્પિટલના રેકોર્ડ મુજબ અત્યાર સુધીમાં કુલ ૨૦૨ લીવર, ૪૧૯ કિડની, ૭૩ હૃદય, ૩૪ ફેફસાં, ૧૮ સ્વાદુપિંડ, ૬ હાથ અને ૨ નાનાં આંતરડાંનું સફળતાપૂર્વક દાન મેળવવામાં આવ્યું છે.
ડો. રાકેશ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, ગીરવતભાઇ આજે ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના ધર્મપત્ની મંજુલાબેન અને પુત્ર રજનીકાંતભાઈ ના સાહસિક નિર્ણયે તેમને સમાજના માનસપટલ પર અમર કરી દીધા છે. જ્યારે અંગદાનની વાત આવે છે ત્યારે લોકોમાં ઘણી શંકાઓ હોય છે, પણ આવા કિસ્સાઓ સાબિત કરે છે કે માનવતા હજુ પણ જીવંત છે. ગીરવતભાઇના અંગો થકી ફરી રહેલા શ્વાસ અને નવી આશા એ જ તેમની સાચી સ્મરણાંજલિ છે.
