વેક્યૂમ પેકિંગ કરીને કપડાંમાં છુપાવ્યો હતો 8.918 કિલો હાઇબ્રિડ ગાંજો; કસ્ટમ્સે NDPS એક્ટ હેઠળ મુસાફરની ધરપકડ કરી
અમદાવાદ:૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સની હેરાફેરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. બેંગકોકથી અમદાવાદ આવેલી થાઈ એરલાઇન્સની ફ્લાઈટના એક મુસાફરની બેગમાંથી રૂ.8.90 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે. આ મામલે મુંબઈના રહેવાસી મુસાફરની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાં મુસાફરી કરનાર એક પેસેન્જર અંગે કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટને અગાઉથી બાતમી મળી હતી. બાતમીના આધારે અધિકારીઓએ મુસાફર અમદાવાદ એરપોર્ટ પર પહોંચતાની સાથે જ તેના બેગેજની તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન મુસાફરની બેગમાંથી વેક્યૂમ પેકિંગ કરેલા 14 પેકેટ મળી આવ્યા હતા. આરોપીએ આ પેકેટો કપડાંની અંદર છુપાવી રાખ્યા હતા, જેથી સામાન્ય તપાસ દરમિયાન તે ઝડપાઈ ન જાય. જોકે, કસ્ટમ્સ અધિકારીઓએ શંકાના આધારે બેગની વિગતવાર તપાસ કરતાં સમગ્ર હેરાફેરીનો પર્દાફાશ થયો હતો.
અધિકારીઓએ પેકેટોની તપાસ કરતાં તેમાં હાઇબ્રિડ ગાંજો હોવાનું સામે આવ્યું હતું. બેગમાંથી કુલ 8 કિલો 918 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા ગાંજાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રૂ.8 કરોડ 90 લાખ છે.

મોબાઇલ અને ડેટાની તપાસ શરૂ
કસ્ટમ્સ અધિકારીઓએ આરોપીના મોબાઇલ ફોન સહિતનો મહત્વનો ડેટા કબજે કર્યો છે. બેંગકોકમાં આ ગાંજો આરોપીને કોણે આપ્યો હતો અને અમદાવાદમાં તે કોને પહોંચાડવાનો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. અધિકારીઓ હવે મોબાઇલમાં રહેલા કોલ રેકોર્ડ, ચેટ્સ, સંપર્કો અને અન્ય ડિજિટલ માહિતીના આધારે ડ્રગ્સ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા લોકોની સંડોવણી હોવાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે.
પેસેન્જર પ્રોફાઇલિંગથી દાણચોરો પર નજર
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ એરપોર્ટ પર ગાંજા અને અન્ય નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા કસ્ટમ્સ વિભાગે મુસાફરોની પ્રોફાઇલિંગ અને મુસાફરીના રેકોર્ડના આધારે નજર વધારી છે. કોઈ મુસાફર અગાઉ અમદાવાદ ઉપરાંત અન્ય કયા એરપોર્ટ પર આવ્યો હતો, તેની મુસાફરી કયા દેશો સુધી રહી હતી અને તેની વર્તણૂકમાં કોઈ શંકાસ્પદ બાબત છે કે નહીં—આ તમામ પાસાંની તપાસ કરવામાં આવે છે.
કસ્ટમ્સ અધિકારીઓના જણાવ્યા મુજબ, દાણચોરો થાઈલેન્ડ અને અન્ય દેશોમાં ફરવા જતા મુસાફરોને પૈસાની લાલચ આપીને ડ્રગ્સની હેરાફેરી કરાવતા હોય છે. ઘણી વખત નોકરી અપાવવાના બહાને લોકોને વિદેશ બોલાવીને પણ તેમના સામાનમાં પ્રતિબંધિત પદાર્થો મોકલવામાં આવતા હોવાના કેસ અગાઉ સામે આવ્યા છે.
અમદાવાદ એરપોર્ટ પર તાજેતરમાં પણ બેંગકોક અને વિયેતનામથી આવેલા મુસાફરો પાસેથી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો હતો. આ નવી કાર્યવાહીને પગલે કસ્ટમ્સ વિભાગે એરપોર્ટ પર ચેકિંગ અને મુસાફરોની હિલચાલ પર નજર વધુ કડક બનાવી છે.
