ધમકી મળતાં ફ્લાઈટ 6E 097ને અમદાવાદ ડાયવર્ટ કરાઈ; 133 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત ઉતારી સઘન તપાસ હાથ ધરાઈ

અમદાવાદ: ૦૯ સપ્ટેમ્બર ૨૦૨૬
લખનઉથી સાઉદી અરેબિયાના દમામ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતાં ગુરુવારે સાંજે અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઈટ નંબર 6E 097નું સાંજે આશરે 5.55 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
<span;>પ્રાથમિક માહિતી મુજબ, ફ્લાઈટના ટોઈલેટમાં પડેલા ટિશ્યુ પેપર પર ‘BOMB’ લખેલું મળી આવ્યું હતું. આ લખાણ મળતાં ફ્લાઈટમાં ચકચાર મચી ગઈ હતી અને પાઈલટે તરત જ એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા પ્રોટોકોલ મુજબ ફ્લાઈટને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ફ્લાઈટ અમદાવાદ પહોંચ્યા બાદ તેને એરપોર્ટના આઈસોલેશન વિસ્તારમાં લઈ જવામાં આવી હતી. વિમાનમાં સવાર તમામ મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે ઉતારી ટર્મિનલ બિલ્ડિંગમાં લઈ જવાયા હતા. વિવિધ અહેવાલો અનુસાર, ફ્લાઈટમાં કુલ 133 લોકો સવાર હતા.
બોમ્બ સ્ક્વોડે ફ્લાઈટની તપાસ કરી
ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ થતાં અમદાવાદ એરપોર્ટ પર CISF, પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દોડી આવી હતી. સુરક્ષા ટીમોએ વિમાનના કેબિન, સીટો, લગેજ કમ્પાર્ટમેન્ટ અને અન્ય તમામ ભાગોની સઘન તપાસ શરૂ કરી હતી.મુસાફરોના સામાનની પણ તપાસ કરવામાં આવી હતી. જોકે, પ્રાથમિક તપાસ દરમિયાન વિમાનમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી ન હોવાનું સામે આવ્યું છે. આ ધમકી હોક્સ હતી કે કોઈ ગંભીર કાવતરાનો ભાગ, તે અંગે સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે.
ટૂંકા ગાળાના દિવસમાં બીજી વખત ઘટના
ઉલ્લેખનીય છે કે ટૂંક સમય પહેલા પણ દમામથી દિલ્હી જતી અન્ય એક ફ્લાઈટને પણ બોમ્બની ધમકી મળ્યા બાદ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. તે ઘટનાના થોડા જ દિવસમાં લખનઉ-દમામ જતી ઈન્ડિગો ફ્લાઈટને ફરી ધમકી મળતાં અમદાવાદ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે.
હાલ સુરક્ષા એજન્સીઓ ટિશ્યુ પેપર પર ધમકીભર્યું લખાણ કોણે લખ્યું અને તે ફ્લાઈટના ટોઈલેટમાં કેવી રીતે પહોંચ્યું તેની તપાસ કરી રહી છે. ઘટનાને પગલે ફ્લાઈટનું આગળનું ઓપરેશન પણ સુરક્ષા મંજૂરી બાદ જ હાથ ધરાશે.
