ગુજરાતી સહિત્યના અગ્રણી કવિ નિરંજન ભગત જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે એસ. એન. ડી. ટી. મહિલા વિદ્યાપીઠના અનુસ્નાતક ગુજરાતી વિભાગ દ્વારા ૧૯ ડિસેમ્બરના રોજ એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જાણો આ વિશે વધુ…
એસ. એન. ડી. ટી. મહિલા વિદ્યાપીઠ, ચર્ચગેટના અનુસ્નાતક ગુજરાતી વિભાગની વિદ્યાર્થિનીઓની તસવીરોનો કૉલાજ ‘ચલ મન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી…’. કવિ શ્રી નિરંજન ભગતના કાવ્યસંગ્રહ ‘છંદોલય’માં સમાવિષ્ટ ૧૬ કાવ્યોના કાવ્યગુચ્છ ‘પ્રવાલદ્વિપ’માં ખાસ મુંબઈ શહેરને કેન્દ્રમાં રાખીને લખાયેલા કાવ્યો છે.
‘મુંબઈ નગરી’, ‘ફાઉન્ટનના બસસ્ટોપથી’, ‘ફોકલેન્ડ રોડ’, ‘કોલાબા પર સુર્યાસ્ત, એપોલો પર ચંદ્રોદય, ‘હોંબી રોડ’, એક્વેરિયમમાં, ‘મ્યુઝિયમમાં’, ‘કાફેમાં’, ‘ચર્ચગેટથી લોકલમાં’, ‘આધુનિક અરણ્ય’, ‘પાત્રો’, ‘ગાયત્રી’ વગેરે કાવ્યોમાં આધુનિક માનવીની સંવેદનાઓ અને ખાસ કરીને શહેરીકરણને કારણે માનવજીવનમાં આવેલી યાંત્રિકતાને આ કવિએ પોતાના નગર સંસ્કૃતિના આ કાવ્યોમાં આબેહૂબ ઝીલી છે.
અનુસ્નાતક ગુજરાતી વિભાગની વિદ્યાર્થિની બહેનોએ “લાવો હાથ, મેળવીએ…” શીર્ષક અંતર્ગત નિરંજન ભગતે મુંબઈ શહેરના સ્થળોને કેન્દ્રમાં રાખીને લખેલી કવિતાઓને એ સ્થળો પર જઈને કવિની પરમ ચેતનાને વંદન કરતા સુંદર પ્રસ્તુતિ કરી હતી.
વિભાગનાં અધ્યક્ષા ડૉ. દર્શના ઓઝા અને પ્રૉફેસર ડૉ. કવિત પંડ્યાના માર્ગદર્શન અને આસિસ્ટન્ટ પ્રૉફેસર ડૉ. અંજલી શાહના સહયોગથી શૈક્ષણિક પ્રવાસ(ફિલ્ડ ટ્રિપ) સાથે આ કાર્યક્રમનું સંયોજન કરી સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિભાગની વિદ્યાર્થિનીઓ આશા પુરોહિત, બીના સાવલા, ખૈરુનિશા ધનાની, જાગૃતિ મિસ્ત્રી, મીના વધાણ, પ્રજ્ઞા વાઘેલા, ચૈતાલી દોશી, રાખી શાહ, દિવ્ય કોટડીયા, રેણુકા નાંદોલા, પન્ના પારેખ, અલ્પા મીરાણી, દિપ્તી ગડા, ખુશાલી ભટ્ટ સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ અનિતા ભાનુશાલી, ફાલ્ગુની વોરા, જસ્મીન શાહ અને સાવિત્રી શાહે ભાગ લીધો હતો.
આ વિદ્યાર્થિનીઓએ દક્ષિણ મુંબઈના ફાઉન્ટન, કોલાબા રોડ, નરીમન પૉઈન્ટ, ચર્ચગેટ સ્ટેશન જેવા સ્થળોએ ઊભા રહી જાહેર કાવ્યપઠન કર્યું હતું.
