કીડની હોસ્પિટલના કરોડોના ખરીદી કૌભાંડ ની તપાસમાં નવા નામ ખુલશે.
હોસ્પિટલના અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો ભેદ બહાર આવશે.
તપાસ અધિકારી એ દસ્તાવેજો કબજે કરતાં ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોમાં ભડક્યા.

અમદાવાદ : ૧૧, ફેબ્રુઆરી, ૨૦૨૬
ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ રિસર્ચ સેન્ટર જેવી પ્રખ્યાત સંસ્થા છેલ્લા કેટલાક સમયથી જુદાજુદા વિવાદોમાં રહી છે. જેમાં કર્મચારીઓની નિમણૂકથી માંડીને તાજેતરમાં ડાયાલિસિસ કન્ઝ્યુમેબલ માં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારના આક્ષેપોનો સમાવેશ થાય છે. જેમાં હોસ્પિટલના કેટલાક વિવાદિત અધિકારીઓ અને મોટા કોન્ટ્રાક્ટરોની મીલીભગત હોવાની શક્યતાઓ છે. આરોગ્ય વિભાગ દ્વારા શરું થયેલી ઉચ્ચસ્તરીય તપાસ આ મામલે ઘણા મોટા ખુલાસા કરી શકે એવી શક્યતાઓ સૂત્રોએ વ્યક્ત કરી છે.
રાજ્યભરમાં કિડનીના દર્દીઓને ડાયાલિસિસ ની સુવિધા ઘરની નજીક મળે તે માટે રાજ્ય સરકારે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. જેમાં રાજ્યભરમાં ૨૦૦ જેટલા ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગમાં ડાયાલિસિસ માટેના કન્ઝ્યુમેબલ ની ખરીદીમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાની ફરિયાદો થઈ હતી. જે મામલે વર્ષ ૨૦૨૫માં એડિશનલ ડિરેક્ટર કક્ષાના અધિકારીએ તપાસ શરૂ કરી હતી. પરંતુ તપાસના રિપોર્ટ પહેલા જ કેટલાક નાના કર્મચારીઓને યેનકેન પ્રકારે રાજીનામા લેવામાં આવ્યા તો કેટલાક ને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે, હોસ્પિટલના એક ઉચ્ચ અધિકારીને બચાવવા માટે નાના કર્મચારીઓનો ભોગ લેવામાં આવ્યો હતો. જેથી આ કર્મચારીઓએ પોતાની નિર્દોષતાની રજૂઆત કરવા આરોગ્ય વિભાગમાં ફરિયાદો કરી હતી. તેમજ ઇન્ક્વાયરી દરમ્યાન તેમના નિવેદનો જ લેવાયા ન હતા તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.
જેને પગલે આરોગ્ય વિભાગના નાયબ સચિવે એક નવી ઇન્ક્વાયરી કમિટીની રચના કરી હતી. જેમાં બે એડિશનલ ડિરેક્ટર, એક એકાઉન્ટ ઓફિસર, અને એક પ્રોક્યોરમેન્ટ ઓફિસરનો સમાવેશ થાય છે. અલબત્ત એ તપાસ શરૂ કરી એ સાથે સાથે નાયબ સચિવે તેમની ટીમ સાથે કીડની હોસ્પિટલ અને GDP ગુજરાત ડાયલીસી પ્રોગ્રામ સેન્ટરની ગત શનિવારે ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમજ કર્મચારીઓની પૂછપરછ કરી ડાયાલિસિસ કન્ઝ્યુમેબલ ની ખરીદી અંગેના શંકાસ્પદ દસ્તાવેજો કબજે કર્યા હોવાનું સૂત્રો જણાવે છે.
મહત્વની વાત એ છે કે,નાયબ સચિવે ઇન્ક્વાયરીમાં સીધો રસ લેતા હાલમાં કીડની હોસ્પિટલમાં કાર્યરત એક વિશેષ ફરજ પરના અધિકારી ફફડી ગયા છે. જેમના ઉપર ગેરરીતિના આક્ષેપો આરોગ્ય વિભાગમાં થયા છે.
આરોગ્ય વિભાગના સૂત્રો જણાવે છે કે, ડાયાલિસિસ માટે આવશ્યક ડાયલાઇઝરની બજાર ભાવ કરતા વધુ કિંમતે ખરીદી કરવામાં આ અધિકારી અને હાલના મોટા સપ્લાયરની મીલીભગત જવાબદાર છે. જેમાં ભ્રષ્ટ અધિકારીઓ અને મોટા કોન્ટ્રાક્ટરોને બદલે નાના કર્મચારીઓને પાણીચું પકડાવી દેવાયું છે. જે બાબતે છેક મુખ્યમંત્રી કાર્યાલયમાં અને આરોગ્ય વિભાગમાં ફરિયાદો થઈ છે. અને આ ફરિયાદોના આધારે જ મૂળ ગુનેગાર સુધી પહોંચવા માટે નવેસરથી તપાસના આદેશ થયા છે.
