દુનિયાભરનાં અનેક પ્રવાસીઓ માત્ર ગ્રે હાયપોકોલિયસ પક્ષીને જોવા માટે આવે છે છારી-ઢંઢ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં માર્ગદર્શનમાં રાજ્યમાં જળપ્લાવિત વિસ્તારોનાં સંરક્ષણમાં મહત્વનાં પગલાઓ લેવામાં આવ્યા છે

ગાંધીનગર, 10 ફેબ્રુઆરી:
કચ્છ જિલ્લાનાં છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વને તાજેતરમાં રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે. આ વેટલેન્ડની આસપાસ 283 થી વધુ પ્રજાતિનાં પક્ષીઓ નોંધાયા છે, પરંતુ અહીં જોવા મળતા કેટલાક દુર્લભ અને પ્રવાસી પક્ષીઓ દુનિયાભરનાં પ્રવાસીઓને આકર્ષે છે. આ પક્ષીઓમાં ગ્રે હાયપોકોલિયસ મુખ્ય આકર્ષનું કેન્દ્ર છે. ગુજરાતીમાં તેને ‘મશ્કતી લટોરો’ કહે છે.
ગ્રે હાયપોકોલિયસ (Hypocolius ampelinus) સૌથી વિશિષ્ટ અને આકર્ષક પક્ષી છે. પાતળી કાયા ધરાવતું આ પક્ષી ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સુકા વિસ્તારોમાં પ્રજનન કરે છે અને 1990થી કચ્છનાં છારી-ઢંઢનાં જળપ્લાવિત વિસ્તારમાં શિયાળો ગાળવા આવે છે.
વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, ગ્રે હાયપોકોલિયસ સામાન્ય રીતે સુકા ઝાડીવાળા વિસ્તારો, રણપ્રદેશ અને નજીકના ખેતી વિસ્તારોમાં જોવા મળે છે. તે મોટાભાગે નાના જૂથોમાં જોવા મળે છે અને ફળાઉ વૃક્ષો તથા ઝાડીઓનાં ફળો-બોર તેનો આહાર છે.ખાસ કરીને, પીલુડીનાં પીલું તેના અતિ પ્રિય છે. શિયાળાના મહિનાઓમાં દુનિયાભરના પક્ષીપ્રેમીઓ અને સંશોધકો આ દુર્લભ પ્રવાસી પક્ષીને જોવા છારી-ઢંઢ અચૂક આવે છે.
પક્ષી નિરીક્ષકો જણાવે છે કે ગ્રે હાયપોકોલિયસ ઑક્ટોબર-નવેમ્બર દરમિયાન ફુલાય ગામનાં ઝાડીવાળા જંગલોમાં આવે છે અને માર્ચ અથવા એપ્રિલ સુધી અહીં રહે છે. આ પક્ષી મુખ્યત્વે Salvadora persicaના પાકેલા બેરીઝ—સ્થાનિક રીતે ‘પિલુડી’ અથવા ‘ખારી જાર’—પર નિર્ભર રહે છે. આ ઉપરાંત, તે ‘ટાંકરા’ નામના ઓળખાતા છોડના ફૂલનાં બોર પણ ખાય છે.
એક સંશોધન નોંધ પ્રમાણે, 22 અને 23 માર્ચ 1960ના રોજ કચ્છનાં મોટા રણમાં કૂઆર બેટમાંથી ગ્રે હાયપોકોલિયસના બે નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 23 જાન્યુઆરી 1990ના રોજ પક્ષિવિદ્ એસ. એન. વરુએ બન્નીનાં ઘાંસિયા મેદાનોમાં આવેલા ફુલાય ગામ ખાતે એક માદા ગ્રે હાયપોકોલિયસનું જોયુ હતુ. તેના આ નિરીક્ષણને એક મહત્વપૂર્ણ પુનઃશોધ માનવામાં આવે છે.
છારી-ઢંઢ વેટલેન્ડમાં ગ્રે હાયપોકોલિયસને જોવા માટે આ સૌથી વિશ્વસનીય અને શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે, જેના કારણે તે વૈશ્વિક પર્યટકો, પક્ષીપ્રેમીઓ અને વન્યજીવન ફોટોગ્રાફરો માટે મુખ્ય આકર્ષણ બની ગયું છે.
આ ઉપરાંત, વ્હાઇટ-નેપ્ડ ટિટ (Machlolophus nuchalis) પક્ષીને જોવા માટે પ્રવાસીઓ આવે છે. આ પક્ષી દુનિયાભરમાં માત્ર ભારતમાં જ જોવા મળે છે અને ભારતમાં પણ સૌથી વધુ કચ્છમાં જ જોવા મળે છે.
