નવી દિલ્હી: નુતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર (સંકલચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર)ના સર્જરી વિભાગના વડા ડૉ. પ્રોફ. રાજેશ શાહને જર્મનીના ડસલડોર્ફ દ્વારા આયોજિત મેડિકલ ફેર ઇન્ડિયાના ઉદ્ઘાટન પ્રસંગે વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
ભારત મંદિરમ (પ્રગતી મેદાન), નવી દિલ્હીમાં યોજાયેલા આ મેળામાં 15 કરતાં વધુ દેશોમાંથી 500થી વધુ મેડિકલ ઉત્પાદકોએ પોતાના નવીન ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું. મુખ્ય મહેમાનોની હાજરી: મુખ્ય અતિથિ તરીકે ડૉ. સ્ટીફન કેલ્કર (ડસલડોર્ફના મેયર), દિલ્હીના મેયર રાજા ઇકબાલ સિંહ, મેડિકલ ફેર ઇન્ડિયાના જનરલ મેનેજર અજય કુમાર ગુલાટી અને મેડગેટ ટુડેના સંપાદક અફઝલ કમાલ ઉપસ્થિત રહ્યા. આ મહેમાનોએ સંયુક્ત રીતે પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું.
ડૉ. શાહનો મહત્વનો ફાળો: નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના પ્રોફેસર અને મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ (અવકાશ પ્રાપ્ત) ડૉ. રાજેશ શાહે મેળામાં “વૃદ્ધ વ્યક્તિઓની કાળજી, માનસિક સ્વાસ્થ્ય: પડકારો અને નવીનતા” વિષય પર પેનલ ચર્ચામાં ભાગ લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય હેલ્થકેરની તાકાત દર્શાવી. આ મેળો ભારત-જર્મની વચ્ચે મેડિકલ ટેક્નોલોજીમાં નવા સહયોગની તકો ખોલે છે, જે ગુજરાતના મેડિકલ ક્ષેત્ર માટે પણ ગર્વની વાત છે.
