પિતાની સ્મૃતિને ચિરંજીવ રાખવા પુત્ર દ્વારા ત્વચાનું દાન — દાઝેલા દર્દીઓ માટે બનશે વરદાન…….
અમદાવાદ: ૬ સપ્ટેમ્બર ૨૦૨૬
માનવતા અને સંવેદનાની એક અનોખી મિસાલ અમદાવાદમાં જોવા મળી, જ્યાં ૭૩ વર્ષીય મથુરભાઈ વેકરીયાના અવસાન બાદ તેમના પુત્ર કિશોરભાઈએ પિતાની સ્મૃતિને ચિરંજીવ રાખવા ત્વચાનું દાન કરવાનો ઉમદા નિર્ણય લીધો.
સમાજસેવી સંસ્થા પારેવડા ગ્રુપના કાર્યકર્તાઓ દ્વારા પરિવારને ત્વચાદાનના મહત્વ અંગે સમજાવવામાં આવતા પુત્ર કિશોરભાઈએ સંવેદનશીલતા દર્શાવી આ માનવતાભર્યો નિર્ણય લીધો હતો.
પરિવારની સંમતિ મળ્યા બાદ પારેવડા ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલ અમદાવાદને જાણ કરવામાં આવી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગની સ્કીન બેંક ટીમ નિકોલ ખાતે આવેલા મથુરભાઈ વેકરીયાના નિવાસસ્થાને પહોંચી હતી. ટીમ દ્વારા જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને તેમના શરીરના પીઠના ભાગેથી ત્વચાનું દાન મેળવવામાં આવ્યું હતું.

ઘરે પહોંચીને ત્વચાદાન મેળવવાની સુવિધા
સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ત્વચાદાનની પ્રક્રિયાને સરળ અને પરિવાર માટે સુવિધાજનક બનાવવા માટે જરૂરિયાત મુજબ દાતાના નિવાસસ્થાને જ જઈને ત્વચા મેળવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા તબીબી નિયમો અને જરૂરી સાવચેતી સાથે કરવામાં આવે છે.
મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે,
“મથુરભાઈ વેકરીયાના પરિવાર દ્વારા પિતાના અવસાન બાદ ત્વચાનું દાન કરવાનો નિર્ણય ખરેખર માનવતાભર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા ચાર-પાંચ વર્ષથી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે અંગદાન અને ત્વચાદાન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઈ રહી છે. અત્યાર સુધી સિવિલ હોસ્પિટલ અમદાવાદને કુલ ૪૯ સ્કીન ડોનેશન પ્રાપ્ત થયા છે.
દાઝેલા દર્દીઓ માટે ત્વચાદાન જીવનદાયી પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો. જયેશ સચદેએ જણાવ્યું હતું કે, “ત્વચાદાન ખાસ કરીને ગંભીર રીતે દાઝેલા દર્દીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દાનમાં મળેલી ત્વચા દર્દીના ઘા પર આવરણ તરીકે ઉપયોગી બને છે, ઈન્ફેક્શનનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે અને ઘા ઝડપથી સાજા થવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મૃત્યુ બાદ સામાન્ય રીતે ૬ કલાકની અંદર ત્વચાદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. સ્કીન બેંકમાં જરૂરી પ્રક્રિયા બાદ સાચવવામાં આવેલી ત્વચાનો યોગ્ય તબીબી ઉપયોગ માટે લાંબા સમય સુધી, પાંચ વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે.
એક દાન અનેક જીવનમાં આશા
મથુરભાઈ વેકરીયાના પરિવારનો આ નિર્ણય માત્ર પિતાની સ્મૃતિને જ ચિરંજીવ બનાવતો નથી, પરંતુ ભવિષ્યમાં ગંભીર રીતે દાઝેલા દર્દીઓ માટે આશાનું કિરણ બની શકે છે.
ત્વચાદાન માટે સંપર્ક:
સિવિલ હોસ્પિટલ અમદાવાદ – સ્કીન બેંક
📞 ૯૪૨૮૨૬૫૮૭૫
મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોષીએ અપીલ કરતાં જણાવ્યું હતું કે,
“માનવતાનો આ દીવો સતત પ્રજ્વલિત રહે તે માટે સમાજના દરેક નાગરિકે ત્વચાદાન અને અંગદાન માટે આગળ આવવું જરૂરી છે. મથુરભાઈ વેકરીયાના પરિવારે બતાવેલો માનવતાનો માર્ગ અનેક પરિવારોને પ્રેરણા આપે તેવી આશા છે.”
