અમેરિકાએ ભારતીય સામાન પર ટેરિફ ૫૦%થી ઘટાડીને ૧૮% કર્યા: નિકાસમાં વિક્રમજનક વધારાની ખાતરી
ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી તથા કેમિકલ સેક્ટર માટે સુવર્ણ તક: MSME અને રોજગારીને મળશે નવું બળ

ગાંધીનગર: 09/02/2026
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવાન્ત નેતૃત્વમાં કેન્દ્ર સરકારે તાજેતરમાં ભારત-અમેરિકા વચ્ચે વચગાળાની વ્યાપાર સમજૂતી (Interim Trade Agreement) પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતી દેશના અર્થતંત્રને નવી ઊંચાઈઓ આપશે, ખાસ કરીને ગુજરાતના ઉદ્યોગો માટે વિકાસની અસંખ્ય તકો ખોલશે.
આ સમજૂતી અંતર્ગત અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પરના ટેરિફ ૫૦%થી ઘટાડીને આશરે ૧૮% કર્યા છે. આથી અમેરિકન બજારમાં ભારતીય માલ સ્પર્ધાત્મક કિંમતે પહોંચશે, જેના પરિણામે નિકાસમાં નોંધપાત્ર વધારો થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત ભારતનું સૌથી મોટું નિકાસકારી રાજ્ય બન્યું છે. રાજ્યમાં ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ ગુડ્સ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં મજબૂત આધાર છે. આ સમજૂતીથી આ તમામ સેક્ટર્સને નવો વેગ મળશે.
ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે સૌથી વધુ ફાયદો
ટેરિફ ઘટાડાથી ગુજરાતના ગારમેન્ટ્સ અને હોમ ટેક્સટાઇલ્સ અન્ય દેશોની તુલનામાં વધુ આકર્ષક બનશે. મધ્યમ ગાળામાં નિકાસ ૧૦૦-૧૫૦% વધી શકે છે, જેનાથી ક્લસ્ટર્સમાં ઉત્પાદન, ઓર્ડર્સ અને નફો વધશે.
સુરતના હીરા ઉદ્યોગ માટે નવી આશા
વિશ્વના સૌથી મોટા ડાયમંડ પોલિશિંગ હબ સુરતને ટેરિફ ઘટાડાથી માર્જિનમાં સુધારો અને માંગમાં વધારો મળશે. અગાઉનું નુકસાન પૂરું થશે અને અમેરિકન બજારમાં હીરા ઉદ્યોગનું વર્ચસ્વ વળશે.
કેમિકલ-ફાર્મા ક્લસ્ટર્સમાં રિકવરી
ભરૂચ, વાપી અને અમદાવાદના કેમિકલ-ફાર્મા ક્લસ્ટર્સમાં અગાઉ ૨૫-૩૦% નિકાસ ઘટાડો થયો હતો, જે હવે સુધરશે. ઝીરો અથવા લો-ડ્યુટીથી અમેરિકન રેગ્યુલેટેડ માર્કેટમાં ગુજરાતનું સ્થાન મજબૂત બનશે.
રિન્યુએબલ એનર્જી અને હેન્ડીક્રાફ્ટ્સને પણ લાભ
સોલાર પેનલ્સ અને કમ્પોનન્ટ્સની નિકાસ વ્યાપારી રીતે ફાયદાકારક બનશે, જે ગ્લોબલ સપ્લાય ચેઈનમાં ગુજરાતની ભૂમિકા વધારશે. ગ્રામીણ હેન્ડીક્રાફ્ટ્સ અને પરંપરાગત વસ્તુઓને પણ અમેરિકન બજારમાં સરળ પ્રવેશ મળશે.
રોજગારી અને MSMEને નવું જીવન
નિકાસ વધારાથી MSME, ફેક્ટરીઓ, લોજિસ્ટિક્સ અને આનુષંગિક સેવાઓમાં રોજગારીની લાક્ષાકારી તકો ઉભી થશે. ઉદ્યોગસાહસિકો અને કામદારોની આવક વધશે, જે રાજ્ય અર્થવ્યવસ્થાને સુદૃઢ કરશે.
<span;>આ સમજૂતી ગુજરાતના ઉદ્યોગો માટે ‘બુસ્ટર ડોઝ’ સમાન છે. ટેરિફ ઘટાડો અને વેપાર સરળતાથી ઉત્પાદન વધશે, MSMEને વેગ મળશે અને ગુજરાત અમેરિકન માર્કેટમાં અગ્રણી રાજ્ય તરીકે ચમકશે.
