અમદાવાદ:
દેશભરમાં ડો. બાબા સાહેબ આંબેડકરના અપમાન બાબતે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ જયંતિ વકીલની ચાલી બહાર સ્થાપવામાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવતા સનસની મચી ગઈ છે. ખોખરામાં કે.કા શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના નાકને અસામાજિક તત્વોએ તોડી નાખતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા અને આક્રોશ વ્યક્ત કર્યો.
વહેલી સવારે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ખોખરા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા સંસદમાં ડો. બાબા સાહેબ આંબેડકરને લઈને આપવામાં આવેલા નિવેદનને લઈને વિરોધ ચાલી રહ્યો છે.
ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો આસપાસની ચાલીઓ બહાર પહોંચી ગયા હતા અને પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે ગયો. જે બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા ખોખરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં કોઈ અજાણી વ્યક્તિએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તોડીને નુકસાન પહોંચાડ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્થાનિકો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકત્ર થઈ ધરણા કરવાની શરૂઆત કરી અને ચાલીના રહીશો બહાર રોડ ઉપર ધરણા પર બેસી ગયા છે. મોટી સંખ્યામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યાં જેના પગલે એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું.
સ્થાનિક લોકોની માગ છે કે, જ્યાં સુધી બાબા સાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપીની ધરપકડ નહિ થાય ત્યા સુધી રસ્તા પરથી નહિ હટીએ.