અમદાવાદના સોલા ભાગવત, ઇસ્કોન અને ભાડજના હરેકૃષ્ણ મંદિર, આશ્રમરોડ પરના વલ્લભસદન સહિતના કૃષ્ણમંદિરોમાં ભકતોનું ઘોડાપૂર ઉમટશે
ડાકોર રણછોડરાયજી ધામમાં આવતીકાલે તમામ આરતીઓ દરમ્યાન ભકતોને કોવીડ ગાઇડલાઇન્સના પાલનના ભાગરૂપે પ્રવેશ નહી અપાય પરંતુ આરતી બાદ શ્રધ્ધાળુઓ દર્શન ઠાકોરજીના દર્શન કરી શકશે
કોરોના મહામારી વચ્ચે ગત વર્ષે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવનો જન્માષ્ટમીનો તહેવાર એટલી ધામધૂમ સાથે ઉજવી શકાયો ન હતો પરંતુ હવે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કોરોનાનું સંક્રમણ ઘટતા અને રાજય સરકાર દ્વારા પણ આ વર્ષે જન્માષ્ટમીના તહેવારની કોવીડ ગાઇડલાઇન્સના પાલન વચ્ચે ઉજવવાની મંજૂરી આપતાં અમદાવાદ શહેર સહિત રાજયભરના લાખો શ્રધ્ધાળુ ભકતોમાં ઉત્સાહનો માહોલ છવાયો
અમદાવાદ,તા.29
કોરોના મહામારી વચ્ચે ગત વર્ષે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવનો જન્માષ્ટમીનો તહેવાર એટલી ધામધૂમ સાથે ઉજવી શકાયો ન હતો પરંતુ હવે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કોરોનાનું સંક્રમણ ઘટતા અને રાજય સરકાર દ્વારા પણ આ વર્ષે જન્માષ્ટમીના તહેવારની કોવીડ ગાઇડલાઇન્સના પાલન વચ્ચે ઉજવવાની મંજૂરી આપતાં અમદાવાદ શહેર સહિત રાજયભરના લાખો શ્રધ્ધાળુ ભકતોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. આવતીકાલે ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો પવિત્ર એવો જન્માષ્ટમીનો તહેવાર હોઇ શ્રદ્ધાળુ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે આવતીકાલે પવિત્ર યાત્રાધામ ડાકોર, દ્વારકા અને શામળાજીમાં તો ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે કે જ્યાં આવતીકાલે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તોનું ઘોડાપુર ઉમટશે. તો બીજી બાજુ, અમદાવાદ શહેરના સોલા ભાગવત ખાતેના રસરાજ પ્રભુજીની મંદિર, ઇસ્કોન ખાતે રાધા કૃષ્ણ મંદિર, ભાડજના હરેકૃષ્ણ મંદિર, આશ્રમ રોડ પરના વલ્લભસદન સહિતના કૃષ્ણ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે આવતીકાલે શહેર સહિત રાજ્યભરમાં જન્માષ્ટમીના પર્વની ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે.
ડાકોર મંદિર કમીટી અને સેવક આગેવાનોના આયોજન મુજબ, આવતીકાલે જન્માષ્ટમીના તહેવારને લઇ ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડજી મંદિરમાં સવારે 6-30 વાગ્યે નિજમંદિર ખુલી 6-45 વાગ્યે મંગળા આરતીના દર્શન થઇ, નિત્યક્રમ અનુસાર સેવા થઇ રાજભોગ દર્શન થઇ બપોરના 12-30 વાગ્યા પછી અનુકૂળતાએ ઠાકોરજી પોઢી જશે. સાંજે 4-45 વાગ્યે નિજમંદિર ખુલી પાંચ વાગ્યે ઉત્થાપન આરતી થઇ નિત્યક્રમ અનુસાર શયન ભોગ અને સખડીભોગ થઇને દર્શન ખુલ્લા રહશે.
ભગવાન રણછોડરાયજીને પંચામૃત સ્નાન કરાવી ત્યારબાદ તેમને ભવ્યાતિભવ્ય આભૂષણો દર-દાગીના પહેરાવી અદભુત શણગાર કરવામાં આવશે. બરોબર રાત્રે 12-00 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે. ત્યારબાદ સેવા થઇ રણછોડરાયજીને ખાસ રત્નજડિત મુગટ પહેરાવવામાં આવશે. એ પછી લાલાને સોનાના પારણે ઝૂલાવવામાં આવશે. એ પછી મંગળવારે વહેલી પરોઢે ચારથી સાડા પાંચ વાગ્યા સુધીમાં મહાભોગની આરતી થશે અને નોમ પવિત્ર દિવસ હોઇ લાલાને પારણામાં ઝુલાવવાની સાથે સાથે નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી થશે. નોમના દિવસે મંગળવારે સવારના 8-45 વાગ્યે નિજમંદિર ખુલી 9-00 વાગ્યાના અરસામાં મંગળાઆરતી થશે. જો કે, ડાકોર રણછોડરાયજી ધામમાં આવતીકાલે તમામ આરતીઓ દરમ્યાન ભકતોને કોવીડ ગાઇડલાઇન્સના પાલનના ભાગરૂપે પ્રવેશ નહી અપાય પરંતુ આરતી બાદ શ્રધ્ધાળુઓ દર્શન ઠાકોરજીના દર્શન કરી શકશે.
દરમિયાન દ્વારકા મંદિરના શાંતિભાઇ પૂજારી અને નંદનભાઇ દવેએ જણાવ્યું હતું કે, જગપ્રસિધ્ધ દ્વારકા ખાતે પણ આવતીકાલે સવારે આઠ વાગ્યે દ્વારકાધીશજીને ખુલ્લા પડદે પંચામૃત સ્નાન કરાવાશે, જે આખા વર્ષમાં જન્માષ્ટમીના એક જ દિવસે ખુલ્લા પડદાની સ્નાનવિધિ હોય છે, જેના અદ્ભત દર્શનનો લ્હાવો ભકતો માણી શકે છે અને ધન્યતા અનુભવી શકે છે. સવારે સવા છ વાગ્યે મંગળાઆરતી, 6-00 થી 8-00 મંગળાના દર્શન મંગળાના, 8-00 વાગ્યે ખુલ્લા પડદે અભિષેક, જે પોણા નવ સુધી ચાલશે, 9-30 પડદો ખુલે, એ પછી 11-00 વાગ્યે આરતી, બપોરે 12-00 વાગ્યે રાજભોગ, એક વાગ્યે મંદિર બંધ થશે. સાજે પાંચ સુધી મંદિર બંધ ત્યારબાદ સાંજે 5-00 થી દર્શન સંધ્યા આરતી સહિત નવ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. એ પહેલા એક 7-45 વાગ્યે અને બીજી 8-30 વાગ્યે આરતી થશે. જ્યારે આવતીકાલે રાત્રે બાર વાગ્યે શ્રી દ્વારકાધીશની આરતી ઉતારી સામે દેવકી મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી થશે. દ્વારકા મંદિરમાં દ્વારકાધીશ(ઠાકોરજી)ને જન્માષ્ટમીના તહેવારને લઇ વિશેષ સાજ શણગાર કરવામાં આવશે. રાત્રે 2:30 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે, બીજા દિવસે નોમના સવારે સાત વાગ્યે મંગળા આરતી,.સવારે 10-30 મંદિર બંધ થઇ જાય અને પાંચ વાગે ખુલશે. સુંદર પારણાંમાં લાલાને ઝૂલાવવામાં આવશે. આ જ પ્રકારે શામળાજી મંદિરમાં પણ જન્માષ્ટમીના તહેવાર અને શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે આવતીકાલે શામળીયા ઠાકરને ભવ્ય સાજ-શણગારથી સજાવવામાં આવશે. ડાકોર, દ્વારકા અને શામળાજી ત્રણેય મંદિરોને ઝળહળતી રોશનીઓ, ફુલહાર, આસોપાલવના તોરણો અને અનેક આકર્ષણથી સજાવવામાં આવ્યા છે.
આવતીકાલે જન્માષ્ટમીના તહેવારને લઇ અમદાવાદ શહેરના સોલા ભાગવત ખાતેના રસરાજપ્રભુજીના મંદિર, ઇસ્કોન ભાડજ ખાતેના હરેકૃષ્ણ મંદિર, આશ્રમ રોડ ખાતેના વલ્લભ સદન સહિતના કૃષ્ણ મંદિરોમાં પંચામૃત સ્નાન, આરતી, ભવ્ય શૃંગાર, પારણાં અને બીજા દિવસે નંદ મહોત્સવ સહિતના ઉજવણી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર સહિત રાજ્યભરના તમામ મંદિરો સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન અને રાત ભર કૃષ્ણ મંદિરોમાં શ્રદ્ધાળુઓ ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે ભારે પડાપડી કરશે કૃષ્ણ મંદિરો આવતીકાલે જય રણછોડ માખણચોર નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે…ના ભકિતનાદથી ગુંજી ઉઠશે. જો કે, ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઇ મંદિર પરિસરમાં સરકાર દ્વારા એક સાથે 200 માણસોને જ પ્રવેશની છૂટ આપી છે અને તે સિવાય માસ્ક, સોશ્યલ ડિસન્ટન્સીંગ સહિતની કોવીડ ગાઇડલાઇન્સનું પાલન કરવા પણ તાકીદ કરી છે, જેને લઇને દ્વારકા, ડાકોર અને શામળાજી સહિતના કૃષ્ણમંદિરોમાં કોવીડ ગાઇડલાઇન્સના પાલન માટે ભકતોને ખાસ તાકીદ કરવામાં આવી છે. મંદિર સત્તાધીશો અને ટ્રસ્ટીમંડળ તરફથી પણ કોવીડ ગાઇડલાઇન્સના પાલન માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓ રખાઇ છે.