બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દેશમાં કાયદાના શિક્ષણ અને કાયદાના વ્યવસાયને નિયમિત કરવા તથા કાયદાકીય શિક્ષણ સ્તરને સુધારવા માટેના કાર્યોની જાળવણી માટે અધિવક્તા અધિનિયમ, 1961 (Advocates Act, 1961) હેઠળ સંસદ દ્વારા બનાવાયેલી એક બંધારણીય સંસ્થા છે.
ટ્રસ્ટના માધ્યમથી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ બી.સી.આઈ. ટ્રસ્ટ ફોર પ્રમોશન ઓફ એજ્યુકેશન (કાયદાકીય અને વ્યવસાયિક) અને કાયદા સુધાર અને સંશોધન તથા સામાજિક તાલીમના સુધારા માટે Indian Institute of Law (IIL), નામની એક આદર્શ ‘કાયદા શિક્ષક એકેડમી’ની સ્થાપનાની પહેલ કરી છે. આ સંસ્થા વકીલો માટે સતત કાયદાકીય શિક્ષણ અને સંશોધનના કાર્યોનું વહન પણ કરશે.
IIL, ભારતની પ્રખ્યાત ડીમ્ડ યુનિવર્સિટી ‘કલિંગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (KIIT)’ સાથે મળી અને તેની છત્રછાયામાં કામ કરશે.
આજ સુધી કાયદા શિક્ષકો અને વકીલોના કૌશલ્ય વિકાસની જરૂરિયાતોને પૂરી કરવા માટે કાયદાના ક્ષેત્રમાં કોઈ તાલીમ સંસ્થા નહોતી. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ લૉ (IIL)ના માધ્યમથી કાયદા શિક્ષક તથા યુવા વકીલ પોતાના કાર્ય કૌશલ્યને વધારશે.
બી.સી.આઈ. ટ્રસ્ટે વર્ષ 1986માં બેંગ્લોરમાં નેશનલ લૉ સ્કૂલ ઓફ ઈન્ડિયા યૂનિવર્સિટી નામની પહેલી સંસ્થાની સ્થાપના કરી હતી. જે આજે પણ દેશની મોડલ લૉ યુનિવર્સિટી છે. IIL દેશભરમાં આ પ્રકારની પહેલી સંસ્થા હશે. લાંબા સમયથી અમારી કાઉન્સિલ આ પ્રકારની સંસ્થા અંગે વિચારી રહી હતી.
પરંતુ બી.સી.આઈ.ની આ યોજના કોઈને કોઈ કારણથી સાકાર નહોતી થઈ શકી. જોકે, આખરે એક મહાન દૂરદર્શી શિક્ષણવિદ, લોકસભાના માનનીય સભ્ય અને KIIT અને KISS ડીમ્ડ યુનિવર્સિટીના સંસ્થાપક ડૉ.અચ્યુત સામંતજી સાથે પરામર્શ બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્યોએ નિર્ણય કર્યો અને પ્રસ્તાવ પાસ કર્યો કે KIIT યુનિવર્સિટીના સહયોગ અને સમર્થનમાં ઓડિશાના ભુવનેશ્વરમાં Indian Institute of Lawની સ્થાપના કરવામાં આવે.
બી.સી.આઈ. ટ્રસ્ટે KIIT સાથે એક કરાર (MoU) કર્યો છે. તે પ્રમાણે KIITએ ભુવનેશ્વરના પટિયામાં આવશ્યક અને અતિ મૂલ્યવાન તથા ઉપયોગી જમીન ફાળવી. આ ઉપરાંત એક લાખ 50 હજાર વર્ગના પ્રસ્તાવિત પરિસરમાં માળખાગત સુવિધાઓમાં થનાર ખર્ચમાં 40 ટકા ખર્ચનું વહન કરવા માટે પણ KIIT રાજી થઈ છે.
એમાં શંકાને કોઈ સ્થાન નથી કે આ સંસ્થા વૈશ્વિક શિક્ષણના નકશા પર સમગ્ર ભારત, ખાસ કરીને ઓડિશા રાજ્યની સ્થિતિને મજબૂત બનાવીને કાયદાના શિક્ષણ ક્ષેત્રમાં લાંબા સમય સુધી પ્રભાવ પાડશે. આ સંસ્થા વિશેષ રીતે ઓડિશા અને સામાન્ય રીતે સમગ્ર રાષ્ટ્ર માટે એક મોટી સિદ્ધિ સાબિત થશે.
ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ લૉ નિરંતર કાયદાકીય શિક્ષણ, પ્રોફેશનલ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રિફ્રેશન કોર્સ અને લર્નિંગ કોર્સ ફોર અલ્ટરનેટિવ ડિસ્પ્યૂટ રેજોલ્યૂશનથી સંબંધીત કાયદા અને પદ્ધતિઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કરશે. મધ્યસ્થતા અને સમાધાન શીખવા અને શીખવવા માટે વિવિધ કેન્દ્રો શરૂ કરાશે.. જેના માધ્યમથી આ કાયદાકીય, ન્યાયીક અને સામાજિક વિકાસના તમામ બિંદુઓમાં સંશોશન કરશે.. જેને પ્રકાશિત અને પ્રદર્શિત કરાશે.
આ સંસ્થા નિરંતર કાયદા શિક્ષણના ઉદ્દેશ માટે તાલીમ અને કાયદાકીય શિક્ષણના ગાળામાંથી પસાર થઈ રહેલા વકીલો માટે કાયદાના વિવિધ વિષયો પર કેસબુક, પત્રિકાઓ, સમાચારપત્ર વગેરે (હાર્ડ કોપી અને ઓનલાઈન તથા ઓફલાઈનના માધ્યમથી સોફ્ટ કોપી બંને) પ્રકાશિત કરશે.
સમયાંતરે આ સંસ્થા વકીલો, શિક્ષણવિદ અને ન્યાયવિદ માટે સંવાદ, તાલીમ કાર્યક્રમોનું પણ આયોજન અને સંચાલન કરશે.
આ સંસ્થા ભારતની અંદર અને બહાર પોતાની પ્રગતી માટે National Law Universities અને અન્ય સારી કાયદા યુનિવર્સિટી, વ્યાવસાયિક એકમો, ન્યાયપાલિકા, સરકારી વિભાગો અને બિન સરકારી સંગઠનો અને વકીલોની વિવિધ સંઘ, બાર એસોસિએશન, સ્ટેટ બાર કાઉન્સિલ તથા દુનિયાની પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમજ કાયદાકીય કાર્યો સાથે જોડાયેલી અન્ય સંસ્થાઓ સાથે સહયોગ કરશે.
પ્રથમ તબક્કામાં IILની નીચે પ્રમાણેની શાખાઓ હશે
1. શૈક્ષણિક સ્ટાફ કોલેજ (ASC)
2. સ્કૂલ ઓફ કન્ટિન્યૂઈન્ગ એજ્યુકેશન (SCE)
3. IIL તાલીમ કેન્દ્ર (IIL-TC)
4. કાયદાની સહાયતા કેન્દ્ર (CLA)
5. વિદેશી ડિગ્રી ધારકો માટે બ્રિજ કોર્સ
IILના મેનેજમેન્ટ માટે ત્રણ એકમ એટલે કે સામાન્ય પરિષદ, કાર્યકારી પરિષદ અને શૈક્ષણિક પરિષદની રચના કરશે અને મેનેજમેન્ટ સંબંધી આ એકમોમાં સર્વોચ્ચ ન્યાયપાલિકા, સરકાર, શિક્ષણ મંત્રાલય, યૂજીસી, શિક્ષણવિદ, કાયદા વ્યવસાયના વરિષ્ઠ સભ્યો, ઓડિશાના મુખ્ય અને અન્ય ન્યાયધીશોનું પૂરતું પ્રતિનિધિત્વ હશે.
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ટ્રસ્ટ પ્રારંભિક 3 વર્ષ માટે સંસ્થાના ઉપરોક્ત કાર્યક્રમોને સ્વયં સંચાલિત કરશે. ત્યારબાદ કેટલીક નેશનલ લો યુનિવર્સિટીઝ અને અન્ય પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર રાખતી સંસ્થાઓને પણ IILની જેમ અભ્યાસક્રમ પ્રદાન કરવાની મંજૂરી અપાશે.
અમે સર્વોચ્ચ અદાલત અને હાઈકોર્ટના ન્યાયધીશો, પૂર્વ ન્યાયધીશો, પ્રતિષ્ઠિત કાયદા નિષ્ણાતો, પ્રતિષ્ઠિત વરિષ્ઠ વકીલો, બારના પ્રખ્યાત નેતાઓ અને NLU તથા અન્ય પ્રતિષ્ઠિત કાયદા શિક્ષકોના સક્રિય સહયોગ અને ભાગીદારીથી શિક્ષકોમાં કૌશલ્યવર્ધન કરવાનો નિર્ણય કર્યો છે. એવા લોકો જ સંસ્થાના માર્ગદર્શક, પૂર્ણકાલિન શિક્ષક અને અતિથિ શિક્ષક રહેશે.
આ ઉપરાંત બી.સી.આઈ. ટ્રસ્ટ ઉપરોક્ત કાર્યક્રમો માટે વિદેશના પ્રસિદ્ધ લૉ ડીન, શિક્ષણવિદ, જજ અને બારના પ્રતિનિધિઓ તથા સભ્યોને પણ આમંત્રિત કરશે.
ઉપરોક્ત તમામ કાયદાના દિગ્ગજ પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ આપશે. જે ન માત્ર કાયદા શિક્ષકો અને વકલોને લાભાન્વિત કરશે પરંતુ તેઓને ભારત અને વિદેશના પ્રખ્યાત શિક્ષણવિદો સાથે વાર્તાલાપ કરવાનો અને શીખવાનો સારો અવસર અને મંચ પણ આપવામાં આવશે.
અમારૂં માનવું છે કે આ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ લૉ કાયદાકીય શિક્ષણ અને કાયદાના વ્યવસાયના ઈતિહાસમાં એક ઐતિહાસિક પગલું હશે. જે કાયદા અને ન્યાય સંબંધી શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ જ મદદરૂપ બનશે.
અમે ડૉ. અચ્યુત સામંતજી જેવા મહાન વ્યક્તિના આભારી છે. જેમણે અમારા પ્રસ્તાવને સ્વીકાર્યો અને પોતાના ટ્રસ્ટના માધ્યમથી આ સંસ્થાની સ્થાપના માટે ભુવનેશ્વરમાં આટલી મોટી મૂલ્યવાન જમીન પ્રદાન કરી સાથે જ અન્ય યોગદાન પણ આપી રહ્યા છે.
હા, ડૉ.સામંત વાસ્તવમાં મનુષ્યના રૂપમાં એક ભગવાન છે. આપ સૌ જાણો છો ડૉ. સામંતે વિશ્વ સ્તરની બે-બે યુનિવર્સિટી, મેડિકલ, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, નર્સિંગ, લૉ, કલા અને અનેક અન્ય મોટી સંસ્થાઓના સંસ્થાપક છે. અંદાજે 35 હજાર આદિવાસી વિદ્યાર્થીઓને દરરોજ ધોરણ એકથી લઈને અનુસ્નાતક સુધીનું મફત શિક્ષણ આપવા ઉપરાંત તેમના ભોજન, કપડા, રહેવા જેવી તમામ સુવિધા અને સેવાઓ વિનામૂલ્યે આપે છે. અમે દુનિયામાં આવા મહાન વ્યક્તિ અંગે ક્યારેય જોયું કે સાંભળ્યું નથી. જે આ પ્રકારે કઠોર સેવાને આટલી સરળતાથી શાનદાર રીતે કરી રહ્યા છે.
સામંતજી એક એવા વ્યક્તિ છે જે અવિવાહિત રહ્યા અને તેમના નામે જમીન કે સંપત્તિનો એક પણ ટૂકડો નથી. તેમની પાસે જે કંઈપણ છે તે છે સમાજ, ગરીબ અને અસહાય જનતા તથા યુવાનો માટે છે.
આ બધુ જ તેમણે પોતાની પૂર્ણ આસ્થા, સમર્પણ, દૂરદર્શિતા તથા અથાક પ્રયાસોના આધારે મેળવ્યુ છે. જેમાં ભગવાન જગન્નાથની અસીમ કૃપા છે અને આ જ કારણ છે કે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ સર્વસહમતીથી IIL જેવી અનોખી સંસ્થાને સ્થાપિત કરવાની સંપૂર્ણ જવાબદારી ડૉ. સામંતને સોંપવાનો સંકલ્પ કર્યો છે.
ભગવાન જગન્નાથજી તેઓને દીર્ઘાયુ અને નિરોગી રાખે, કાયદા શિક્ષણ અને કાયદા વ્યવસાયનું કલ્યાણ થાઓ.
મનન કુમાર મિશ્ર
અધ્યક્ષ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા